
Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ 22 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી.ના મહાસચિવ મુકુલ વસનિક, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા પક્ષના નવા નેતા ડો. તુષાર ચૌધરી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રભાવશાળી નેતા ભરતસિંહ સોલંકીની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો.
અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ
આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, જેઓ 2018માં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમની ફરી નિમણૂકને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની આક્રમક નેતૃત્વ શૈલી અને ઓબીસી સમુદાયમાં પ્રભાવને ધ્યાનમાં રાખીને કરી હતી. સમારોહ પહેલાં ચાવડાએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા અને ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ગુજરાતમાં ભાજપ સરકાર પ્રત્યે લોકોમાં રોષ વધી રહ્યો છે. અમે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સંગઠનને મજબૂત કરીશું.”
સમારોહમાં ભરતસિંહની ગેરહાજરી ઊડીને આંખે વળગી
જોકે, આ સમારોહમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. ભરતસિંહ, જેઓ 2015થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, તેમણે અમિત ચાવડાને શુભેચ્છા સંદેશો મોકલ્યો હતો, પરંતુ તેમની ગેરહાજરીએ ગુજરાત કોંગ્રેસની આંતરિક રાજનીતિ અને એકતા પર સવાલો ઉભા કર્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ગેરહાજરી પાછળ પક્ષની આંતરિક જૂથબંધી, નેતૃત્વની પસંદગી અંગે અસંતોષ અથવા વ્યક્તિગત કારણો હોઈ શકે છે.
ભરતસિંહ સોલંકીના વિવાદો
ભરતસિંહ સોલંકીનું રાજકીય કદ ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી, ક્ષત્રિય ઓબીસી અને ઠાકોર સમાજમાં તેમના પ્રભાવ અને તેમના પિતા, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના વારસાને કારણે નોંધપાત્ર છે. જોકે, તેમની કારકિર્દીમાં કેટલાક વિવાદોએ પણ ચર્ચા જગાવી છે.
2022માં તેમનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં તેમની પત્ની રેશ્મા પટેલ સાથેના ઝઘડાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ગુજરાત કોંગ્રેસની 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર પ્રભાવ પાડ્યો હતો.
નવેમ્બર 2022માં બનાસકાંઠામાં એક સભામાં ભરતસિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને “અંગ્રેજોના બાતમીદાર” ગણાવ્યા હતા, જેના કારણે ભાજપે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો.
2020માં રાજ્યસભા ચૂંટણી દરમિયાન પણ ભરતસિંહે હાઈકમાન્ડના નિર્ણય સામે બળવાના એંધાણ આપ્યા હતા, જેનાથી પક્ષની આંતરિક એકતા પર સવાલો ઉભા થયા હતા. આ ઘટનાઓ દર્શાવે છે કે ભરતસિંહનું રાજકીય વ્યક્તિત્વ વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે, જે પક્ષની છબી અને એકતા પર અસર કરે છે.
તાજેતરમાં ભરતસિંહના પત્નીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે 10 જાન્યુઆરી, 2025ના રોજ એક વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પણ પાટીદાર સમાજની દીકરી છે અને જ્યારે તેમણે કોંગ્રેસના નેતાઓ પાસેથી મદદ માંગી હતી, ત્યારે કોઈએ તેમનો સાથ આપ્યો ન હતો. તેમણે પરેશ ધાનાણી અને જેનીબેન ઠુમ્મર જેવા નેતાઓને પડકાર ફેંક્યો હતો કે, જો તેઓ અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીના બચાવમાં ઉભા રહે છે, તો તેમના કૌટુંબિક વિવાદમાં પણ તેમને ન્યાય અપાવે. રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ માત્ર રાજકીય લાભ માટે જ આવા મુદ્દાઓ ઉઠાવે છે તેમજ તેમના પત્નીએ ભરતસિંહને કોંગ્રેસમાંથી હટાવવા પણ કહ્યું હતું.
આ ઉપરાંત, રેશ્મા પટેલે અગાઉ પણ 2021 અને 2022માં કોંગ્રેસ હાઈકમાન્ડને પત્રો લખીને ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભરતસિંહ કોંગ્રેસને સત્તામાં આવતા અટકાવે છે અને તેમના વ્યક્તિગત વર્તનથી પાર્ટીની છબીને નુકસાન થાય છે
ગુજરાત કોંગ્રેસની આગળની રણનીતિ
અમિત ચાવડાના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ભરતસિંહ સોલંકી જેવા વરિષ્ઠ નેતાની ગેરહાજરીએ પક્ષની આંતરિક એકતા અને રાજકીય વ્યૂહરચના પર પ્રશ્નો ઉભા કર્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસે આંતરિક જૂથબંધીને દૂર કરીને એકજૂટ થવું પડશે.
આ પણ વાંચો:








