
Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેલનો ઘેરાવ કરવામાં આવશે. બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ચૈતરના સમર્થકોને “ઈંટનો જવાબ પથ્થરથી” આપવાની ચેતવણી આપી, જેનાથી આ મામલો વધુ તીવ્ર બન્યો છે.
ચૈતર વસાવાના જામીનનો વિવાદ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દાખલ થયેલા પોલીસ કેસને લઈ નર્મદાની જ્યુડિશિયલ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી ચૈતરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાં પણ જામીન ન મળતાં આપના કાર્યકરોએ ભાજપ અને સાંસદ મનસુખ વસાવાને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આપના કાર્યકરોનો આરોપ છે કે ચૈતરને ખોટા કેસમાં ફસાવવા માટે ભાજપે કાવતરું રચ્યું છે.
દેવેન્દ્ર વસાવાનો હુંકાર “સાત દિવસમાં છોડો, નહીં તો જેલ ઘેરીશું”
આપના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા (દેવાભાઈ)એ આક્રમક વલણ અપનાવતાં સરકાર અને પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી. તેમણે જણાવ્યું, “ભાજપની સરકારે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવવા માટે કાવતરું રચ્યું છે. જો સાત દિવસમાં ચૈતરભાઈને મુક્ત નહીં કરવામાં આવે તો અમે નર્મદા જિલ્લાની DYSP કચેરી, કલેક્ટર કચેરી અને વડોદરાની સબ જેલનો ઘેરાવ કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારા આદિવાસી વડીલોએ અમને જે હથિયારો આપ્યા છે, જેવા કે તીર-કમાણ, ભાલા, કુહાડીઓ, તેની સાથે અમે આંદોલન કરીશું અને આદિવાસી સમાજની તાકાત બતાવીશું.”દેવેન્દ્ર વસાવાએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું, “ગુજરાત અને કેન્દ્ર સરકારે હવે સમજી લેવું જોઈએ. સાત દિવસમાં ચૈતરભાઈને છોડો, નહીં તો આદિવાસી સમાજ ચાર રાજ્યોમાંથી એકઠો થઈને ઉગ્ર આંદોલન કરશે.
આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓને જણાવવાનું કે, ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતમાં ચાલુ બેઠકમાં ઝગડો થયો જેના કારણે સંજયભાઈએ ચૈતરભાઈ પર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી. નર્મદા જિલ્લા…
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) July 22, 2025
મનસુખ વસાવાનો પલટવાર: “ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”
બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ 22 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું, “ચૈતર વસાવાના જામીન રદ થવામાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપો લગાવીને અમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. હું આદિવાસીઓના વિકાસમાં માનું છું અને ઝઘડાઓથી આદિવાસી સમાજનું નુકસાન થાય છે.” તેમણે ચૈતરના સમર્થકોને ચેતવણી આપતા કહ્યું, “જો કોઈ મને ખોટી રીતે છંછેડશે તો હું ચૂપ નહીં રહું. હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. હું દુશ્મનીમાં માનતો નથી, પરંતુ આદિવાસી સમાજના હિત માટે આપણે સૌએ કાયદેસર રીતે લડવું જોઈએ.
આદિવાસી સમાજમાં તીવ્ર રોષ
ચૈતર વસાવાના કેસે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં તીવ્ર રોષ ફેલાવ્યો છે. દેવેન્દ્ર વસાવાના નિવેદનથી આ મુદ્દે આદિવાસી સમાજની લડત વધુ ઉગ્ર બની રહી છે. તેમણે સરકારને આખરી ચેતવણી આપતા કહ્યું, “હજુ સમય છે, સરકારે સમજી લેવું જોઈએ. ચૈતરભાઈને મુક્ત કરો, નહીં તો આદિવાસી સમાજની શક્તિનો પરચો જોવા તૈયાર રહો.”
નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો
ચૈતર વસાવાનો જામીન મુદ્દો હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બન્યો છે. એક તરફ આપના નેતાઓએ આંદોલનની ચીમકી આપીને સરકાર પર દબાણ વધાર્યું છે, તો બીજી તરફ મનસુખ વસાવાએ આક્ષેપોને નકારી કાયદેસર લડાઈની હિમાયત કરી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધારે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ
Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય
Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો








