
અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં ચાર સ્થળોએ એક પછી એક જંગલમાં ભીષણ આગ લાગી છે. આગ ઈમારતોને બાળી રહી છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે. સૌથી મોટી આગ પેસિફિક પેલિસેડ્સમાં લાગી છે. આ કારણે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે ચેતવણી આપી છે કે જંગલની આગની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
માલિબુ અને સાન્ટા મોનિકામાં લાગેલી આગને કારણે, ઘણા લોકોને રસ્તા પર પોતાના વાહનો છોડીને ભાગવું પડ્યું. ફાયર અધિકારીઓએ રસ્તા પર રહેલા વાહનોને દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો. જ્યારે આગની જ્વાળાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી પહોંચી ત્યારે ઘણા લોકોએ દરિયા કિનારે જઈને પોતાનો જીવ બચાવ્યો છે.
લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર
પેલિસેડ્સની આગ પ્રતિ મિનિટ લગભગ પાંચ ફૂટબોલ મેદાનોમાં ફેલાઈ રહી છે. આના કારણે 2,900 એકરથી વધુ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. લોસ એન્જલસે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આગની સાથે સાથે, વાવાઝોડા જેવા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. આમાં પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. જેના કારણે આગને કાબૂમાં લેવી મુશ્કેલી પડી રહી છે.
1.5 લાખ ઘરોનો વીજળી પુરવઠો બંધ
લોસ એન્જલસ કાઉન્ટીમાં પણ ત્રણ અન્ય આગ લાગી છે. સાન ફર્નાન્ડોની ઉત્તરે હર્સ્ટ ફાયર 500 એકર સુધી વધી ગઈ છે. અલ્ટાડેનામાં ઇટન આગ 2,000 એકર સુધી વધી ગઈ છે. સેપુલ્વેડા બેસિનમાં વુડલી આગ 75 એકરમાં ફેલાઈ ગઈ છે. આગને કારણે વીજળી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં 150,000 થી વધુ ઘરો અને ઇમારતો વીજળી વિના છે. 1,400થી વધુ અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ RAJKOT: ઉતરાયણ પહેલા દુર્ઘટના, વીજ ટીસી પરથી પતંગ લેવા જતાં બાળકનું મોત