
- ધર્મગુરૂ દલાઈ લામા-સંબિત પાત્રાને Z કેટેગરીની સિક્યોરિટી
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામા અને ભાજપ નેતા સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ બંનેની સુરક્ષા અંગે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોપ્યો હતો, ત્યારબાદ મંત્રાલયે બંનેને Z શ્રેણીની સુરક્ષા આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા કર્મચારીઓ દલાઈ લામાની ચોવીસ કલાક સુરક્ષા કરશે. તેમાં 12 કમાન્ડો અને 6 PSO સામેલ છે. સુરક્ષા કર્મચારીઓમાં 10 આર્મડ સ્ટેટિક ગાર્ડ પણ તેમના નિવાસસ્થાને તહેનાત કરાશે. જ્યારે સંબિત પાત્રાને માત્ર મણિપુરમાં જ Z શ્રેણીની સુરક્ષા પુરી પડાશે, જેમાં CRPFના જવાનો તહેનાત રહેશે. આઈબીએ રિપોર્ટ આપ્યા બાદ ગૃહમંત્રાલયે પાત્રાની સુરક્ષા વધારી છે.
આ પણ વાંચો-અમેરિકા બીજા ગેરકાયદે ભારતીયોને 16-17 ફેબ્રુઆરીએ કરશે ડિપોર્ટ
દલાઈ લામાની સુરક્ષા કરવા માટે ટ્રેન્ડ ડ્રાઈવર અને દેખરેખ રાખતા કર્મચારીઓ ચોવીસ કલાક ડ્યુટી પર રહેશે. આ ઉપરાંત ત્રણ શિફ્ટમાં કુલ 12 કમાન્ડો તેમના સુરક્ષા પુરી પાડશે. ચીન સામે નિષ્ફળ વિદ્રોહ બાદ દલાઈ લામા 1959માં ભારત આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને છેલ્લા ઘણા વર્ષોથી રિપોર્ટ મળી રહ્યો છે કે, ચીન સમર્થિક તત્વો અને વિવિધ સંસ્થાઓથી દલાઈ લામા પર સંભવિત ખતરો છે. આ જ કારણે તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
મણિપુરમાં છેલ્લા બે વર્ષમાં અનેક જાતિય હિંસાઓની ઘટના બની છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એન.બિરેન સિંહે તાજેતરમાં જ રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા હાલ મણિપુરના પ્રવાસે છે. તેમણે બુધવારે (12 ફેબ્રુઆરી) બે વખત મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. તેમણે મણિપુરમાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી.
આ પણ વાંચો- બનાસકાંઠાની ધરા ધ્રૂજી; પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા







