
સુરેન્દ્રનગર: ઉભેલી ગાડીમાં લાગેલી આગે રાક્ષસી સ્વરૂપ ધારણ કરતાં એક બાળક સહિત 4 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ક્ષમવારમાં ત્રણ ઘરોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. સમગ્ર ઘટનામાં મહિલા, બાળક સહિત કુલ ચાર લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાંની સાથે લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
મળી રહેલી માહિતી અનુસાર, સૌપ્રથમ ડીઝલ ભરેલ પિકઅપ કારમાં આગ લાગી હતી. આ પછી આગ વિકરાળ બનતા બાજુના મકાનોમાં પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં ઘરની બહાર પાર્ક કરેલી કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ લાગવાનો પ્રાથમિક કારણ વિશેની માહિતી સામે આવી શકી નથી. આ અંગે પોલીસ વધારે તપાસ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઘર બહાર ઉભેલી એક કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેને બચાવવા જતાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો અને તેનો પણ જીવ ગયો છે. આ બધી માહિતીને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આગ લાગવા પાછળનો પ્રાથમિક કારણ અંગે પોલીસ વધુ જાણવાની કોશિશમાં લાગી છે.
આગ વધુ વિકરાળ બનતાની સાથે ગ્રામજનોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ પછી લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ સહિત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી. સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો- ઘરોમાં ઘૂસ્યા પાણી! કુલ્લુ-મનાલીમાં વરસાદ અને હિમવર્ષા વચ્ચે સંઘર્ષમય જીવન- જૂઓ વીડિયો