
Arvind Kejriwal Spoke on BJP government:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ગુજરાતની પ્રગતિની ગતિને 100 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 35 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. સુરતમાં ભારે વરસાદે શહેરને પૂરની ઝપટમાં લીધું, જેના કારણે કરોડો રૂપિયાના ઘરોમાં પાણી ઘૂસી ગયું. કેજરીવાલે આ પૂરને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું અને રાજ્યના રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ અને વીજળીની વ્યવસ્થાની નબળાઈઓ પર સવાલો ઉભા કર્યા.
કેજરીવાલે જણાવ્યું કે, “દસ વર્ષ પહેલાં સુરતમાં આવા પૂર આવતા ન હતા. પરંતુ હવે સુરત, વડોદરા અને જૂનાગઢ જેવા શહેરોમાં દર વર્ષે પૂર આવે છે. આ પૂર ભ્રષ્ટાચારની ઉપજ છે.” તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે બિલ્ડરોને એવા પ્લોટ આપ્યા, જે પાણીના નિકાલ માટેના માર્ગો હતા, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યું છે. 24 જૂન 2025ના રોજ સુરતમાં 400 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે પરવત પાટિયા, સરથાણા, ગોદાદરા, ભટાર, લિંબાયત અને સાનિયા હેમદ જેવા વિસ્તારોમાં ભયંકર જળબંબાકાર થયો. વૃંદાવન, નંદનવન અને માધવબાગ જેવી હાઈ-એન્ડ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયું, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું.
बीजेपी ने 30 साल में 100 Km/hour की स्पीड से दौड़ने वाले गुजरात को 35 Km/hour की स्पीड पर लाकर खड़ा कर दिया।
सूरत बारिश के पानी में बुरी तरह डूबा हुआ था, करोड़ों रुपये के घरों तक के अंदर पानी घुस गया
बीजेपी 30 साल में गुजरात की सड़कें तक नहीं बना पाई हैं। @ArvindKejriwal pic.twitter.com/9DyKuQOLZ0
— Patel Nirav (@Official_Nirav_) July 2, 2025
સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલાઓમાં પાણી ઘૂસતુ નથી
કેજરીવાલે વધુમાં કટાક્ષ કર્યો, “સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલાઓ છે, પરંતુ તેમના ઘરોમાં પૂરનું પાણી નથી ઘૂસતું. પાણી તો સામાન્ય નાગરિકોના ઘરોમાં ઘૂસે છે.” આ નિવેદનથી રાજકીય બબાલ ઊભી થઈ છે, અને સ્થાનિક રહેવાસીઓએ પણ સરકારની નબળી આયોજન વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે.
કેજરીવાલે ગુજરાતના રસ્તાઓની ખરાબ સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું, મને “રાજકોટથી જૂનાગઢ, 125 કિલોમીટરનું અંતર કાપવામાં સાડા ત્રણ કલાક લાગ્યા, કારણ કે ગાડી માત્ર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકી. 1995 પહેલાં ગુજરાતના રસ્તાઓ પર ગાડીઓ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી, પરંતુ ભાજપે 30 વર્ષમાં રસ્તાઓનું નિર્માણ કરવામાં નિષ્ફળતા દર્શાવી છે.” કેજરિવાલે કહ્યું કે 100 ની સ્પીડે દોડતા ગુજરાતને ભાજપે 35ની સ્પીડે લાવી દીધું છે.
ભાજપ સરકાર 30 વર્ષમાં વીજળી પૂરી પાડી શકી નથી
કેજરીવાલે જૂનાગઢની વીજળીની સમસ્યા પર પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, “જૂનાગઢમાં દરરોજ પાંચ વખત વીજળી જાય છે. હું ચાર ગામોમાં સભા કરવા ગયો, ત્યાં વીજળી નહોતી. ભાજપ સરકાર 30 વર્ષમાં વીજળી પૂરી પાડી શકી નથી, તો આ લોકોનો શું વિકાસ કરશે?” આ નિવેદનથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની અછતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
અરવિંદ કેજરીવાલના નિવેદનોએ ગુજરાતના વિકાસના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને ઉજાગર કર્યું છે. સુરતના પૂર, રસ્તાઓની ખરાબ હાલત અને વીજળીની અછતે ભાજપના ‘ગુજરાત મોડેલ’ પર સવાલો ઉભા કર્યા છે. સરકારે રાહત કાર્યો શરૂ કર્યા હોવા છતાં, લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને ભ્રષ્ટાચાર નિવારણની જરૂરિયાત સ્પષ્ટ છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે રાજ્ય સરકારે નક્કર પગલાં લેવા પડશે.