
Gujarat Weather News: ગુજરાતમાં હાલ વરસાદનો માહોલ તીવ્ર બન્યો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી, ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની મોજાંની આશંકાને લીધે, માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયો તોફાની બનવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદે ભુક્કા કાઢ્યા
હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને તળાવો ઉભરાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના શહેરો જેવા કે પાટણ, સમી, હારીજ અને બનાસકાંઠામાં ગઈકાલે રાત્રિથી ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. કેટલાક વિસ્તારોમાં પુલ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે, જેનાથી લોકોની અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં પણ સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયું છે અને વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધુ વધશે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને મહેસાણા જેવા શહેરોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે
કચ્છ, પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આશંકા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે, જેના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જળમગ્ન થઈ શકે છે.
વરસાદનું જોર ક્યારે ઘટશે?
7 જુલાઈથી 12 જુલાઈ, 2025 સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે, જેમાં રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. આનાથી શહેરી વિસ્તારોમાં પાણી ભરાવું, માળખાગત સુવિધાઓને નુકસાન અને ટ્રાફિકમાં ખલેલ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કે, 18 જુલાઈ પછી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે, જેનાથી અસરગ્રસ્ત વિસ્તારોને થોડી રાહત મળી શકે છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
સતત વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે લાંબા સમય સુધી પાણી ભરાવાથી ખેતરોમાં નુકસાન થઈ શકે છે, ખાસ કરીને જ્યાં હાલમાં જ વાવણી કરવામાં આવી છે. ખેડૂતો ઈચ્છે છે કે વરસાદનું જોર ઘટે જેથી તેમના પાકને બચાવી શકાય. વધુ પડતા વરસાદથી જમીનનું ધોવાણ અને ઊભા પાકને નુકસાન થવાનો ખતરો વધ્યો છે, જેનાથી ખેડૂતોની આજીવિકા પર અસર થઈ શકે છે.