
Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા. આના પરિણામે નિમાયેલી તપાસ સમિતિએ ભ્રષ્ટાચારની પુષ્ટિ કરતાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ત્રણ અધિકારીઓ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને એચ.ઓ.ડી. ડો. દેવેશ પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે.
મનોજ પાટીલે બોગસ પ્રમાણપત્રોના આધારે પદ મેળવ્યું
આ ઘટના પહેલાં પણ વડોદરા ફાયર બ્રિગેડ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. અગાઉ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને કર્મચારી પર હુમલાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ મનોજ પાટીલને ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી. જોકે, તેમની લાયકાત અને અનુભવને લઈને શંકાઓ ઉભી થઈ હતી. આરોપ છે કે મનોજ પાટીલે બોગસ પ્રમાણપત્રોના આધારે આ પદ મેળવ્યું હતું, જેનો પ્રથમ અહેવાલ ‘ગુજરાતની અસ્મિતા’એ 14 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રકાશિત કર્યો હતો. તેમ છતાં, રાજકીય આશીર્વાદને કારણે તેઓ આજ દિવસ સુધી પદ પર ટકી રહ્યા હતા.
રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ
ખરીદી કૌભાંડની શરૂઆત મનોજ પાટીલની નિમણૂક બાદ થઈ, જ્યારે ફાયર વિભાગે સાધનોની ખરીદી માટે રૂ. 3.17 કરોડનો ખર્ચ કર્યો. આ ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી. જે બાદ મુખ્યમંત્રીના આદેશ પર ડેપ્યુટી કમિશનર ગંગાસિંઘના નેતૃત્વમાં ચાર સભ્યોની તપાસ સમિતિ નિમાયી, જેણે ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી. આના આધારે કમિશનરે ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
બોગસ પ્રમાણપત્રોની તપાસની માંગ
મનોજ પાટીલ અને નૈતિક ભટ્ટના બોગસ પ્રમાણપત્રોની તપાસની માંગ પણ ઉઠી છે, જે ભરતી કૌભાંડને ઉજાગર કરી શકે છે. આ કાર્યવાહીથી કોર્પોરેશનમાં ખળભળાટ મચ્યો છે, અને હવે એસીબી તપાસ દ્વારા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court








