
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં કરતાં ખળભળાટ મચી ગયો છે. ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદે વિદેશ પ્રવાસ કર્યા હતા. શિસ્તાના ભંગ બદલ આ પોલીસકર્મીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી બાદ વધુ એક આકરો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રભુત્વ ધરાવતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી થતાં ત્રણ કર્મચારીઓએ વિકાસ સહાય સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા હતાં. જિલ્લા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ DGP વિકાસ સહાયએ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી.
આ પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ
આ તપાસમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ 13માંથી 4 પોલીસકર્મીઓની ગેરરિતી ઝડપાઈ હતી. નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જ્યારે પણ સરકારી કર્મચારી/અધિકારીએ વિદેશ પ્રવાસ કરવો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે. જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસો કર્યા હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે. જેના પગલે DGP વિકાસ સહાયએ હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનાર ઈસમની પહેલી તસ્વીર વાયરલ, સીડીથી ઉતરતો દેખાયો