Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

  • India
  • September 3, 2026
  • 0 Comments

Public Cleanliness India: સવારે ઘરેથી નીકળતા જ ટ્રાફિક સિગ્નલ પર થોડા સેકન્ડ માટે રાહ જોવી પડે ત્યારે પાછળથી સતત હોર્ન વગાડવાની શરૂઆત થઈ જાય છે. રસ્તા પર ચાલતી કારમાંથી ગુટખા કે અન્ય વસ્તુની પિચકારી ફેંકવી, ટ્રેનમાં ખાધેલા નાસ્તાનું પેકેટ બારીની બહાર ફેંકી દેવું, એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું કે લિફ્ટમાં થૂંકી દેવું જેવી ઘટનાઓ હવે ઘણા લોકો માટે અસામાન્ય રહી નથી. સૌથી મોટો સવાલ એ છે કે આપણે આ બધું રોજ જોતા હોવા છતાં તેને રોકવાનો પ્રયાસ કેમ કરતા નથી? કદાચ કારણ એ છે કે આ વર્તણૂક ધીમે ધીમે આપણા માટે સામાન્ય બની ગઈ છે.

હરિદ્વારમાં યાત્રા બાદ 7000 ટન કચરાનો મુદ્દો

આ સવાલને સમજવા માટે હરિદ્વારનું ઉદાહરણ ખૂબ મહત્વનું છે. કાવડ યાત્રા બાદ હરિદ્વારમાં આશરે 7000 ટન કચરો એકઠો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. માત્ર બે દિવસમાં જ લગભગ 2000 ટન જેટલો કચરો એકત્ર થયો હતો. તેમાં કપડાં, પ્લાસ્ટિકની બોટલો, તૂટેલી કાવડનો સામાન સહિતની વસ્તુઓ મળી હતી. કેટલાક ચેન્જિંગ રૂમમાંથી પેશાબ ભરેલી બોટલો પણ મળી હોવાની માહિતી સામે આવી હતી. આટલો કચરો દૂર કરવા માટે તંત્રને આશરે 1000 વધારાના સફાઈ કર્મચારીઓ અને 80થી વધુ વાહનોની મદદ લેવી પડી હતી. આ સ્થળ હર કી પૌડી છે, જ્યાં લાખો લોકો ગંગા આરતી કરે છે અને ગંગાને પવિત્ર માને છે.

શ્રદ્ધા અને જાહેર સ્થળની જવાબદારી વચ્ચેનો વિરોધાભાસ

હરિદ્વારમાં રેકોર્ડ 4 કરોડ 80 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગંગોત્રીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં લગભગ 57,000 યાત્રાળુઓ બાદ 50થી વધુ બોરી કચરો ઉપાડવો પડ્યો હોવાનો દાવો છે. મહાકુંભ દરમિયાન દરરોજ લગભગ 600 ટન કચરો ઉપાડવાની જરૂર પડી હતી, જ્યારે હિમાચલ પ્રદેશની મણિમહેશ યાત્રા બાદ 5000 કિલોથી વધુ કચરો એકત્ર થયો હતો. અહીં સવાલ શ્રદ્ધા પર નથી. કરોડો લોકોની આસ્થા અને તેમની ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. સવાલ માત્ર એટલો છે કે જેને આપણે પવિત્ર માનીએ છીએ, તેના આસપાસની જગ્યા પ્રત્યે પણ એટલી જ જવાબદારી કેમ અનુભવાતી નથી?

લખનૌમાં નેવીના પ્રદર્શનમાં પણ સામે આવી બેદરકારી

લખનૌમાં ભારતીય નૌસેનાને સમર્પિત ‘નૌસેના અને શૌર્ય વાટિકા’ બનાવવામાં આવી હતી. અહીં અસલી નૌસેનાના સાધનો, એરક્રાફ્ટ, બંદૂકો અને INS ગોમતીનો ભાગ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બાળકો અને સામાન્ય લોકોને દેશની નૌસેનાની કામગીરી વિશે જાણકારી મળે તે હેતુથી પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં લોકો પ્રદર્શિત કરાયેલા સૈન્ય સાધનો પર ચડતા અને બાળકો બંદૂકો સાથે લટકતા જોવા મળ્યા. જે વસ્તુઓ શૌર્ય અને દેશસેવાની યાદ અપાવવા માટે મૂકવામાં આવી હતી, તેનો ઉપયોગ રમકડાં કે ઝૂલાની જેમ થવા લાગ્યો. આ ઘટના પણ જાહેર સંપત્તિ પ્રત્યેની આપણી જવાબદારી અંગે સવાલ ઊભો કરે છે.

કાનપુરમાં એક્સપાયર ચોકલેટ માટે લોકોની ભીડ

કાનપુરના પંકી વિસ્તારમાં 2024માં એક્સપાયર થઈ ગયેલી ચોકલેટોના કાર્ટન હાઇવે નજીક કચરામાં ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો બોરી અને થેલીઓ લઈને ત્યાં પહોંચ્યા અને જમીન પરથી ચોકલેટો ભેગી કરવા લાગ્યા. એક વ્યક્તિ લોકો લોકોને ચેતવણી આપી રહ્યો હતો કે આ ચોકલેટો એક્સપાયર થઈ ગઈ છે અને તેને ખાવી જોખમી હોઈ શકે છે, છતાં લોકો તેની વાત સાંભળતા નહોતા. આ ઘટના માત્ર લાલચનો સવાલ નથી, પરંતુ તાત્કાલિક લાભ મેળવવાની માનસિકતા અને જાહેર સ્થળ પ્રત્યેની બેદરકારી બંને તરફ ધ્યાન દોરે છે.

શું ગરીબી જ ગંદકીનું કારણ છે?

ઘણા લોકો માને છે કે ભારતની સમસ્યાનું કારણ ગરીબી છે. પરંતુ રવાંડાનું ઉદાહરણ આ દલીલને પડકાર આપે છે. રવાંડા ભારત કરતાં ઓછી માથાદીઠ આવક ધરાવે છે, છતાં તેની રાજધાની કિગાલીને આફ્રિકાના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણવામાં આવે છે. ત્યાં ‘ઉમુગંડા’ નામની સામુદાયિક પરંપરા હેઠળ દર મહિનાના છેલ્લા શનિવારે 16થી 65 વર્ષની વયના નાગરિકો પોતાના વિસ્તારની સફાઈમાં ભાગ લે છે. રવાંડાએ 2008માં પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. એટલે માત્ર પૈસા ઓછા હોવાને કારણે કોઈ સમાજ ગંદો રહે છે એવું માનવું પૂરતું કારણ નથી.

ભારતીયોમાં સિવિક સેન્સ નથી એવી માન્યતા પણ અધૂરી

બીજી દલીલ એવી છે કે ભારતીયોમાં સામાજિક ભાન એટલે કે સિવિક સેન્સ જ નથી. પરંતુ 30 દેશોના Ipsos સર્વેનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે મોટાભાગના લોકો પર ભરોસો કરી શકાય છે કે નહીં, ત્યારે વૈશ્વિક સરેરાશ 30 ટકા હતી, જ્યારે ભારતમાં આ આંકડો 56 ટકા હતો. એટલે ભારતીય સમાજમાં પરસ્પર વિશ્વાસનો અભાવ જ મુખ્ય કારણ છે એવું કહી શકાય નહીં. સમસ્યા કદાચ આપણા સામાજિક વર્તન અને જાહેર સ્થળ સાથેના સંબંધમાં વધારે ઊંડે રહેલી છે.

પ્રદૂષણ અને અકસ્માતોના આંકડા ગંભીર ચેતવણી આપે છે

IQAirની 2025ની વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે દુનિયાના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 66 ભારતનાં હતાં. દિલ્હીમાં PM2.5નું સ્તર 82.2 અને ભારતનું સરેરાશ સ્તર 48.9 દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે WHOની માર્ગદર્શક મર્યાદા 5 છે. અવાજ પ્રદૂષણમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. એક વાહનનો હોર્ન 120 ડેસિબલ સુધી પહોંચી શકે છે અને મુંબઈના કેટલાક રસ્તાઓ પર અવાજનું સ્તર 80 ડેસિબલથી ઉપર રહેતું હોવાનું જણાવાયું છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના ‘Road Accidents in India 2024’ના આંકડા મુજબ એક વર્ષમાં આશરે 4.87 લાખ અકસ્માતો થયા અને 1.77 લાખ લોકોના મૃત્યુ થયા. એટલે દરરોજ લગભગ 485 અને દર કલાકે લગભગ 20 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આ અકસ્માતોમાં આશરે 70 ટકા માટે ઓવરસ્પીડિંગને મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું અને મૃત્યુ પામનારાઓમાં 66 ટકા લોકો 18થી 45 વર્ષની વયજૂથના હોવાનું જણાવાયું હતું.

કાયદા છે, પરંતુ અમલ સૌથી મોટો પડકાર

ભારતમાં નોઈઝ પોલ્યુશન રૂલ્સ 2000, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016, એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અને મોટર વ્હીકલ એક્ટ જેવા કાયદા પહેલેથી જ છે. બંધારણની કલમ 51A(g) નાગરિકોને પર્યાવરણ, જંગલો, સરોવરો અને નદીઓના રક્ષણની મૂળભૂત ફરજ પણ યાદ અપાવે છે. છતાં રસ્તા પર કાયદાનો ભય અને તેનો સતત અમલ જોવા ન મળે તો નિયમો માત્ર કાગળ પર રહી જાય છે.

સિંગાપોર અને જાપાન પાસેથી શું શીખી શકાય?

સિંગાપોરમાં જાહેર સ્થળે કચરો ફેંકવા બદલ ભારે દંડની જોગવાઈ છે. પુનરાવર્તિત ગુનામાં દંડ વધી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં જાહેર સ્થળની સફાઈ જેવી corrective work પણ કરાવવામાં આવી શકે છે. અહીં મહત્વ માત્ર દંડનું નથી, પરંતુ કાયદો ખરેખર લાગુ થશે તેવી માનસિકતા ઊભી કરવાની છે.

જાપાનમાં શાળાઓમાં બાળકો પોતે વર્ગખંડ અને કેટલીક જગ્યાઓની સફાઈમાં ભાગ લે છે, જેને ‘સૌજી’ સાથે જોડવામાં આવે છે. તેનો હેતુ માત્ર સફાઈ કરાવવાનો નથી, પરંતુ જે જગ્યાનો ઉપયોગ કરીએ છીએ તેની જવાબદારી પણ આપણી છે તે સમજણ વિકસાવવાનો છે.

સમસ્યા માત્ર નાગરિકોની નથી, સિસ્ટમની પણ છે

નાગરિકોને સંપૂર્ણ દોષ આપવો પણ યોગ્ય નથી. જો બે કિલોમીટર સુધી ડસ્ટબિન ન હોય, જાહેર શૌચાલય ઉપલબ્ધ ન હોય અથવા મ્યુનિસિપાલિટી નિયમિત કચરો ન ઉઠાવે તો માત્ર વ્યક્તિને જવાબદાર ગણવાથી સમસ્યા ઉકેલાશે નહીં. હરિદ્વાર જેવા સ્થળે એકસાથે 4 કરોડ 80 લાખ લોકો આવે ત્યારે આયોજન અને કચરા વ્યવસ્થાપનની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે.

બીજી તરફ ઈન્દોરનું ઉદાહરણ બતાવે છે કે આ સમસ્યા ‘ભારતીય સ્વભાવ’ તરીકે સ્વીકારી લેવી યોગ્ય નથી. ઈન્દોર સતત આઠ વર્ષ સુધી સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાયું છે. અહીં કચરા સંગ્રહ, મોનિટરિંગ અને સ્થાનિક વ્યવસ્થામાં અલગ પ્રકારની સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

ઘરની સફાઈથી આગળ જવાબદારીની સીમા વધારવાની જરૂર

સફાઈની સૌથી મોટી સમસ્યા કદાચ એ માનસિકતા છે કે ઘર સુધીની જગ્યા આપણી છે અને ઘરની બહારની જગ્યા સરકાર, મ્યુનિસિપાલિટી અથવા સફાઈ કર્મચારીની છે. પરિણામે ઘરનો કચરો દરવાજાની બહાર મૂકી દીધા પછી વ્યક્તિને લાગે છે કે તેની જવાબદારી પૂરી થઈ ગઈ. પરંતુ બહારની જગ્યા પણ આખરે આપણા જ સમાજનો હિસ્સો છે.

આથી શરૂઆત કોઈ મોટા અભિયાનથી નહીં, પરંતુ પોતાની જવાબદારીની સીમા થોડું આગળ વધારવાથી થઈ શકે છે. પોતાના ઘર, દુકાન, બિલ્ડિંગ અથવા વાહનની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી, કચરો યોગ્ય જગ્યાએ નાખવો, બિનજરૂરી હોર્ન ન વગાડવો, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને બીજાને પણ સમજાવવું જેવી નાની આદતો સામૂહિક પરિવર્તન લાવી શકે છે.

સ્વચ્છતા ટેવ અને સામૂહિક જવાબદારીનો વિષય છે

ભારતને ગંદો દેશ કહીને વાત પૂરી કરી શકાય નહીં. રવાંડા અને ઈન્દોર બંને બતાવે છે કે યોગ્ય વ્યવસ્થા, સામાજિક ભાગીદારી, નિયમોનો અમલ અને જવાબદારીની ભાવના હોય તો સ્થિતિ બદલી શકાય છે. આપણે ભગવાન, નદી, મંદિર કે પોતાના ઘરને પવિત્ર માનીએ છીએ, તો જાહેર સ્થળને પણ એ જ ભાવનાથી જોવાની જરૂર છે.

દેશ કેટલો સ્વચ્છ છે તે માત્ર તેના ઘરો અને ઓફિસોની અંદરની સફાઈથી નક્કી થતું નથી. જે જગ્યા ‘કોઈની નથી’ એવું આપણે માનીએ છીએ, તે જગ્યા આપણે કેટલી જવાબદારીથી સાચવીએ છીએ તે જ સાચી સામાજિક સંસ્કૃતિનું માપદંડ છે. પરિવર્તનની શરૂઆત કદાચ બહુ નાની હોઈ શકે છે—ફક્ત પોતાના દરવાજાથી એક મીટર આગળની જગ્યા માટે જવાબદારી સ્વીકારવાથી.

આ પણ વાંચો:

Related Posts

Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?
  • September 3, 2026

Kharge JP Nadda Letter: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં થયેલા કથિત ‘શુદ્ધિકરણ’ વિવાદને લઈને કેન્દ્રીય મંત્રી J.P. નડ્ડાને પત્ર લખ્યો છે. ખડગેએ 2 સપ્ટેમ્બરના…

Continue reading
TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં
  • September 3, 2026

TN Parandur Airport Project: તમિલનાડુમાં ચેન્નઈ નજીક પ્રસ્તાવિત પરંદૂર ગ્રીનફિલ્ડ એરપોર્ટ યોજના હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. પરંદૂર શબ્દનો અર્થ ‘ઉડતું શહેર’ થાય છે, પરંતુ હવે આ મહત્વાકાંક્ષી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

  • September 3, 2026
  • 3 views
Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?

TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

  • September 3, 2026
  • 4 views
TN Parandur Airport Project: વિજયે આર્થિક નુકસાનની પરવા કર્યા વિના પરંદૂર એરપોર્ટ યોજના રદ કરી, ચૂંટણી વચન નિભાવવાની રાજનીતિ ચર્ચામાં

Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

  • September 3, 2026
  • 6 views
Public Cleanliness India: ભારત સ્વચ્છતામાં કેમ પાછળ? ઘરની બહાર નીકળતા જ કેમ બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર

Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

  • September 3, 2026
  • 7 views
Fake Expiry Date Scam: નવી મુંબઈમાં એક્સપાયરી ડેટ સાથે છેડછાડનું મોટું કૌભાંડ ઝડપાયું, 75 લાખથી વધુનો એક્સપાયર થયેલો ખાદ્યસામાન જપ્ત

Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • September 3, 2026
  • 5 views
Amit Chavda Gujarat Drought: કોંગ્રેસે અછતગ્રસ્ત વિસ્તારોને દુકાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ, અમિત ચાવડાએ સરકારને ઘેરી

India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ

  • September 3, 2026
  • 8 views
India GDP Growth: 7.8% GDP ગ્રોથનો જશ્ન, પણ બેરોજગારી અને મોંઘવારીનું શું? મોદી સરકારના આર્થિક દાવા પર મોટા સવાલ