
Ahmedabad:અમદાવાદમાં નહેરુનગર વિસ્તારમાં 10 ઓગસ્ટ, 2025ની મધરાતે લગભગ દોઢ વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોના જીવ ગયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ નજીક બની હતી. આરોપી રોહન સોનીએ પૂરપાટ ઝડપે બ્રેઝા કાર હંકારીને એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના બે યુવકોને ટક્કર મારી હતી, જેના કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો.
કોર્ટમાં આરોપીની ધોલાઈ
આજે આરોપી રોહન સોનીને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ ગંભીર મામલે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડને મંજૂરી આપી હતી, જેથી પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી શકે. જોકે, જ્યારે પોલીસ રોહન સોનીને કોર્ટ પરિસરમાં લઈ ગઈ, ત્યારે ઘટનાથી ગુસ્સે થયેલું ટોળું આરોપી પર તૂટી પડ્યું. પોલીસ વાનમાંથી રોહન બહાર નીકળતાં જ લોકોએ તેને માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક મિનિટનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકોનો ગુસ્સો અને આરોપીને મારવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. પોલીસે ભારે મુશ્કેલીથી આરોપીને ટોળાના હાથે માર ખાવાથી બચાવ્યો અને તેને ઝડપથી કોર્ટની અંદર લઈ ગઈ.
આરોપી રોહન સોનીનો ગુનાહિત ઇતિહાસ
આ ઘટનાની ગંભીરતા એ વાતથી વધુ ઉજાગર થાય છે કે આરોપી રોહન સોનીનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. અગાઉ તેની વિરુદ્ધ ઓવરસ્પીડ વાહન ચલાવવું, કારમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો, વાહનના દસ્તાવેજો વિના ડ્રાઇવિંગ કરવું અને પોલીસ સાથે ઝઘડો કરવા જેવા અનેક મેમો નોંધાયેલા છે. આ બધા પાસાઓએ સ્થાનિક લોકોના ગુસ્સાને વધુ હવા આપી, જેનું પરિણામ કોર્ટ પરિસરમાં જોવા મળ્યું.
આ અકસ્માત અને તેના પગલે બનેલી ઘટનાઓએ
અમદાવાદમાં રોડ સેફ્ટી અને ઝડપી વાહન ચલાવવાના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકો અને મૃતકોના પરિવારો ન્યાયની માગણી કરી રહ્યા છે, જ્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ