
Ahmedabad Murder Case: અમદાવાદ શહેરમાં સતત હત્યાની ઘટનાઓ બની રહી છે. જાહેરમાં હત્યા થઈ જઈ રહી છે. તાજેતરમાં જ સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ. ત્યારે તેના પડઘા શાંત થયા નથી ત્યારે બીજી એક ઘટના ગોમતીપુરમાં બની છે. પોલીસ સ્ટેશનથી ખૂબ નજીક થયેલી હત્યાને લઈ સમગ્ર શેહરમાં ખળભળાટ મચ્યો છે. લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. 40 વર્ષીય મહેશ દેસાઈ નામના યુવકની બે વ્યક્તિઓ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા ગયેલી વખતે હત્યા કરવામાં આવી.
આ ઘટનામાં આશ્ચર્યજનક રીતે ક્રાઈમ બ્રાન્ચના એક કર્મચારીની સંડોવણી હોવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સમાજના આગેવાનો અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ પોલીસ સ્ટેશન પર પહોંચીને નિષ્પક્ષ તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.
2 સપ્ટેમ્બરે બની હતી ઘટના
આ ઘટના 2 સપ્ટેમ્બર 2025ની રાત્રે, લગભગ 2-3 વાગ્યાની આસપાસ બની હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવેલા રસ્તા પર ભાવેશ નામનો યુવક સિગરેટ સળગાવવા માટે માચીસ માંગવા ગયો હતો. આ દરમિયાન તેની કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ. ભાવેશે પોલીસ સ્ટેશનની નજીક રહેતા તેના મિત્ર મહેશ દેસાઈને મદદ માટે બોલાવ્યો. મહેશ દેસાઈ ઝઘડો શાંત કરવા ગયા, પરંતુ ત્યાં વાતચીત ઉગ્ર બની અને 5-6 લોકોએ મહેશ પર ચાકૂ અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો. આ હુમલામાં મહેશ ગંભીર રીતે ઘાયલ થયા અને અર્ધબેભાન થઈ ગયા.
આ દરમિયાન ભાવેશે પોલીસ સ્ટેશનમાં મદદ માટે દોડ લગાવી, પરંતુ તેનો આરોપ છે કે પોલીસે “સ્ટાફ હાજર નથી” એવું કહીને મદદ કરવાનો ઇનકાર કર્યો. આખરે સ્થાનિક લોકોએ મહેશને નજીકની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી. જોકે, ચાર દિવસની સારવાર બાદ 6 સપ્ટેમ્બરે મહેશનું મૃત્યુ થયું, અને આ ઘટના હત્યાના ગુનામાં ફેરવાઈ ગઈ.
પોલીસની કાર્યવાહી
પોલીસે આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી ત્રણ આરોપીઓ ઘટનાના દિવસે જ પકડાઈ ગયા હતા. આ ત્રણેય આરોપીઓનું ઘટનાસ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. પોલીસ રેકોર્ડ મુજબ, આરોપીઓ અને મૃતક મહેશ બંનેના નામે અગાઉ ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને, મહેશ ત્રણ મહિના અગાઉ એક ગુનાના સંબંધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં આવ્યો હતો.
આરોપીઓમાંથી એકનું ઘર પોલીસ સ્ટેશનની સામે જ આવેલું છે, જ્યારે મહેશનું ઘર પણ ચાર-પાંચ મકાનો દૂર છે. આ ઘટના પોલીસ સ્ટેશનની ગેટથી માત્ર 40-50 મીટરના અંતરે બની, જેના કારણે પોલીસની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોનો આક્રોશ અને આરોપો
મહેશના મૃત્યુના સમાચાર ફેલાતાં જ સ્થાનિક સમાજના આગેવાનો અને લોકો ગોમતીપુર પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા. તેમણે આરોપીઓના ઘરો બુલડોઝરથી તોડી પાડવાની માગણી કરી. આ ઉપરાંત, સમાજના આગેવાનોએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક કર્મચારી, સૈફલ મકરાણીની શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું કે, “આ કર્મચારીનો આ વિસ્તાર નથી, છતાં તેની અહીં બેઠક છે અને તે આરોપીઓના સંપર્કમાં હતો. તે હોસ્પિટલમાં પણ આરોપીઓની ખબર પૂછવા ગયો હતો, જે શંકાસ્પદ છે.”
લાલજી દેસાઈએ વધુમાં કહ્યું, “પોલીસ સ્ટેશનથી 50 મીટરના અંતરે આવી ઘટના બને ત્યારે લોકોમાં અસુરક્ષાની લાગણી પેદા થાય છે. અમે એસીપી સમક્ષ નિષ્પક્ષ તપાસની માગ કરી છે અને પોલીસે ખાતરી આપી છે કે લેખિત ફરિયાદના આધારે તમામ આરોપોની તપાસ કરવામાં આવશે.”
‘મહેશ અમારા પરિવારનો આધાર હતો’
મૃતક મહેશની બહેન ગીતાબેનએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું, “રાત્રે ચાર વાગ્યે અમને ખબર પડી કે મહેશ પર હુમલો થયો છે. અમે દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા તો રસ્તા પર લોહી પડેલું હતું. મહેશ અમારા પરિવારનો આધાર હતો. તેના વિના અમારા પર આભ ફાટી પડ્યું છે.”
ભાવેશે, જેના ઝઘડામાં મહેશ ગયો હતો, તેણે જણાવ્યું, “મેં માચીસ માગી ત્યારે ઝઘડો થયો. મેં મહેશભાઈને બોલાવ્યા, પરંતુ તેમની સાથે મારપીટ થઈ. મને પણ ચાકૂના ઘા વાગ્યા, જેમાં 12-15 ટાંકા આવ્યા. પોલીસે મદદ ન કરી, અને અમે ગાડીમાં મહેશને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેને બચાવી શક્યા નહીં.”
પોલીસની ખામીઓ પર સવાલ
આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર આવી ઘટના બનવા છતાં તાત્કાલિક મદદ ન મળવી અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીની શંકાસ્પદ ભૂમિકાએ સ્થાનિકોમાં રોષ વધાર્યો છે. લોકોનું કહેવું છે કે જો પોલીસ સમયસર કાર્યવાહી કરત, તો આ ઘટના ટળી શકી હોત. પોલીસે જણાવ્યું છે કે તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, અને ઘટનાની નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
Ahmedabad News: અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, પિતાની ધરપકડ, વાંચો સમગ્ર ઘટના
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…
Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ, IPSનો શું છે વાંક?
Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ









