
Coldplay Concert Ahmedabad: આજથી 26 તારીખ સુધી વિશ્વના સૈથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. બપોરથી લોકોની એન્ટ્રી શરુ થઈ ગઈ છે. અત્યાર સુધી લગભગ 1 લાખ લોકોએ પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી બૂકિંગ થયું છે. મહારાષ્ટ્રથી 59 હજાર અને ગોવામાંથી 48 હજાર લોકો આવ્યા છે. કોન્સર્ટ દરમિયાન સંગીતની સાથે લાઈટ, મ્યુઝિક વગેરેનું પણ અદ્ભૂત આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં પણ તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ હતી. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. લોકોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓની માહિતી આપવામાં આવી છે. પાર્કિગની વ્યવસ્થા Show My Parking એપ દ્વારા મેળવી શકાય છે. અમદાવાદ સહિત 50 કિમીના અંતર સુધી હોટેલ ફેન્સ દ્વારા બૂકિંગ કરવામાં આવી છે.
કોન્સર્ટ જોવા માટે આવેલા એક ફેને જણાવ્યું હતું કે ‘હું મુંબઈથી આવી છું હું કેટલાંય દિવસથી આ કોન્સર્ટની રાહ જોતી હતી અને હું કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટીન ની બહુ જ મોટી ફેન છું’.
મહત્વપૂર્ણ છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને નિહાળવા કેટલાંક ફેન મહારાષ્ટ્ર, દિલ્હી, પુને, હૈદરાબાદ સહિત વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે. આમ અમદાવાદમાં આજે દેશ અને વિદેશના મ્યુઝિકપ્રેમીઓ પહોંચી ગયા છે.







