
Ahmedabad Murder Case: સૌથી સુરક્ષિત ગણાતાં અમદાવાદ શહેરમામાં ગુંડા તત્વો સતત હત્યાઓને અંજામ આપી રહ્યા છે. જાણે પોલીસનો ડર જ રહ્યો નથી. જેથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જાહેરમાં યુવકની હત્યા થઈ જતાં ખળભળાટ મચ્યો છે. પાલડી વિસ્તારમાં એક યુવકની હત્યાએ શહેરની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.
આજે વહેલી સવારે 12 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડીના અંજલિ ઓવરબ્રિજ નીચે, પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે, નૈસલ ઠાકોર નામના યુવકની નૃશંસ હત્યા કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, નંબરપ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા 7-8 અજાણ્યા શખસોએ પહેલા નૈસલ ઠાકોરને કારથી ટક્કર મારી નીચે પાડ્યો. ત્યારબાદ, આ શખસો કારમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઉપરાછાપરી ઘા મારીને નૈસલને લોહીલુહાણ હાલતમાં રોડ પર છોડી ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નૈસલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મર્ડરના CCTV જોવાય તો જ જોજો..
અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે સવારે 3 વાગ્યે અંજલિ ઓવર બ્રિજ પાસે યુવકની જાહેરમાં હત્યા..
ધારિયાં-છરી વડે અમદાવાદમાં આવી ક્રૂર હત્યાઓ થાય એ ખરેખર કાયદો અને વ્યવસ્થા માટે જોખમ છે..
અને આ છેલ્લી લાઇન જે લખી એ મહિને ડઝન વાર સંભળાય છે, દેશના ગૃહ… pic.twitter.com/LYcndujvtb
— Sagar Patoliya (@kathiyawadiii) September 12, 2025
પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો નૈસલ ઠાકોર વહેલી સવારે અંજલિ ફ્લાયઓવર નજીક પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલી ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, એક નંબરપ્લેટ વગરની સ્વિફ્ટ કારે તેને જોરદાર ટક્કર મારી. ટક્કરથી નૈસલ નીચે પડી ગયો, અને તરત જ કારમાંથી ઉતરેલા હુમલાખોરોએ તેના પર છરી અને ધારિયાંથી હુમલો કર્યો. આ હુમલો એટલો ઝડપી અને નૃશંસ હતો કે નૈસલને બચવાની કોઈ તક ન મળી. હુમલાખોરો ઘટના બાદ તરત જ ફરાર થઈ ગયા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી, અને પાલડી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
અમદાવાદમાં હત્યાઓની ઘટનાઓ સતત વધારો
આ ઘટના એક નથી. અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઓગસ્ટ 2025માં શહેરમાં પાંચથી વધુ જાહેર હત્યાઓ અને ગંભીર મારામારીના બનાવો નોંધાયા હતા. તાજેતરમાં ગોમતીપુર વિસ્તારમાં પણ એક યુવક પર છરીથી હુમલો થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઉપરાંત, મારામારી, લૂંટ, અને અપહરણ જેવા ગુનાઓ હવે શહેરમાં સામાન્ય બનતા જાય છે. નાગરિકોમાં એવી લાગણી પ્રવર્તે છે કે પોલીસનું કાયદો-વ્યવસ્થા પરનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે.
આ ઘટનાએ શહેરના નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરી છે. પાલડી જેવા 24 કલાક ધમધમતા વિસ્તારમાં, પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવી ઘટના બનવી એ પોલીસ વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે શહેરમાં ગુંડાઓનો ડર વધી રહ્યો છે, અને પોલીસ ગુનાખોરોને નાથવામાં નિષ્ફળ રહી છે.
પાલડી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, નૈસલ ઠાકોરના પરિવારજનો અને સાથીઓ સાથે પૂછપરછ કરીને હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, હાલમાં હત્યાનું ચોક્કસ કારણ અથવા હુમલાખોરોની ઓળખ સ્પષ્ટ થઈ નથી.








