
અમદાવાદના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનામાં બે મજૂરોના મોત
Ahmedabad News | અમદાવાદના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટના સાતમા માળે 25 X 10 ફૂટનું વીએસ જ્વેલર્સનું હોર્ડિંગ લગાડતી વખતે અચાનક થાંભલાના વાયરને અડી જતાં બ્લાસ્ટ થવાને કારણે 10 મજૂરો જમીન પર પટકાયા હતાં. જેમાં બે મજૂરોના મોત નિપજ્યાં હતાં.
વિશ્વકુંજ એપાર્ટમેન્ટ પર વીએસ જ્વેલર્સનું હોર્ડિંગ લગાડવા માટે એડ એજન્સી અને સોસાયટી વચ્ચે ભાડા કરાર થયો હતો. આજે 10 મજૂરો સાતમા માળે હોર્ડિંગ લગાડવા માટે ચડ્યા હતાં. વીએસ જ્વેલર્સનું હોર્ડિંગ લગાડવાની કામગીરી દરમિયાન હોર્ડિંગ વીજ વાયર સાથે અથડાઈ જતાં ધડાકો થયો હતો. જેને પગલે એક પછી એક તમામ 10 મજૂરો જમીન પર પટકાયા હતાં. યૂપીના વતની મજૂરો પૈકી રાજ અને મહેશનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મળતી માહિતી પ્રમાણે, હોર્ડિંગ લગાડવા માટે એજન્સી દ્વારા કોર્પોરેશનની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. તેમજ મજૂરોની સેફ્ટીનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બહેનનો પક્ષ લઇ તેના સાસરે પહોંચેલા ભાઈ પર જીજાજીએ 3 ગોળીઓ ચલાવી
Ahmedabad News । અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતાં અને જમીન દલાલીનું કામ કરતાં સુધીર ઠક્કરની બહેન શિતલના લગ્ન વર્ષ 2009માં મૌલિક ઠક્કર સાથે થયાં હતાં. શીલજ વિસ્તારમાં પતિ સાથે રહેતી શિતલે તા. 27 સપ્ટેમ્બરે રાત્રે ભાઈ સુધીરને ફોન કરી જણાવ્યું કે પતિ મૌલિક ઝગડો કરી મારઝૂડ કરી રહ્યો છે.
બાદમાં સુધીર તેના પિતા ચંદુભાઈ અને મોટા બનેવી શિતલને લેવા તેના ઘરે પહોંચ્યા હતાં. તેઓ પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો શિતલ સામેથી આવી રહી હતી. અને તેની પાછલ મૌલિક હાથમાં હથિયાર સાથે આવી રહ્યો હતો. અચાનક મૌલિકે સુધીરની કારના કાચ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેને પગલે સુધીર કારની બહાર નિકળ્યો હતો. ત્યારે મૌલિકે બીજા બે રાઉન્ડ ગોળીબાર કર્યો જે ગોળીઓ સુધીરના પેટમાં વાગી હતી.
ચંદુભાઈએ મૌલિકના હાથમાંથી હથિયાર છીનવવાનો પ્રયાસ કરતાં તેઓની વચ્ચે ઝપાઝપી થઈ હતી. બાદમાં સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલકે સાઈકલસવારને અડફેટે લઇ 10 ફૂટ જેટલો ઉછાળ્યો
Ahmedabad News । ગઈકાલે તા. 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કૃષ્ણનગર સરદાર ચોક પાસે એક કાર ચાલકે સાઈકલ લઇને જતી વ્યક્તિને અડફેટે લીધાં હતાં. જેના સીસીટીવી આજે સામે આવ્યાં છે. જોકે, અકસ્માત બાદ આગળ જઈ ઉભા રહેલાં કારચાલકે આવીને ઇજાગ્રસ્ત સાઈકલ ચાલક સાથે સમાધાન કરી લેતાં બનાવ પોલીસ ચોપડે ચડ્યો નથી.
કિયા ગાડીના ચાલકે પાછળથી સાઈકલને ટક્કર મારતાં ચાલક 10 ફૂટ જેટલું ઉછળ્યા હતાં. અને લગભગ 20 ફૂટ દૂર જઈને પટકાયા હતાં. બનાવને પગલે લોકો એકઠાં થઈ ગયા હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નિવેદન લીધું હતું. પરંતુ, સમાધાન થઈ જવાથી પોલીસ ફરિયાદ નોંધી નહોતી.
અમદાવાદના એલિસબ્રિજ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે એક ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી ટ્રકે અચાનક વ્હિલ ડાબી બાજુ ફેરવી દેતાં બે ટુ-વ્હિલર અડફેટે આવી ગયાં હતાં. જેમાં વેજલપુરના કમલેશ ચાવડા તેમની પત્ની અને અન્ય પરિવારજનોને ગંભીર ઇજા પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષોમાં હિડ એન્ડ રનના 10,588 અકસ્માતો નોંધાયા છે. જેમાં 6503 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે વર્ષ 2019થી 2023 સુધીમાં થયેલાં માર્ગ અકસ્માતના કુલ 77,730 બનાવોમાં 36,484 લોકોનું જીવન છીનવાઈ ગયું હતું.









