
Ajab Gajab: આપણને A+, A-, B+, B-, AB+, AB-, O+ અને O-, બ્લડ ગ્રુપ વિશે ખબર છે અને O- બ્લડ ગ્રુપ બહુ ઓછા લોકોને હોય, એટલે કે આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને લોહીની જરૂર પડે ત્યારે માંડ મળતું હોય છે, એ ખબર છે પણ એનાથી પણ રૅર કહેવાય એવું બ્લડ ગ્રુપ શોધાયું છે અને એનું નામ છે ગ્વાડા બ્લડ ગ્રુપ. હજી મહિના પહેલાં જ આ બ્લડ ગ્રુપની શોધ થઈ છે. વિશ્વમાં ફ્રાન્સની 68 વર્ષની એક મહિલામાં જ આ ગ્રુપ હોવાનું જાણવા મળ્યું છે.
આપણા શરીરમાં વહેતા રક્તના ગ્રુપનું ઘણું મહત્ત્વ હોય છે. ખાસ કરીને બીમારી કે અકસ્માતમાં લોહીની જરૂર પડે ત્યારે બ્લડ ગ્રુપ જાણ્યા પછી યોગ્ય સારવાર શરૂ કરી શકાતી હોય છે. આ બ્લડ ગ્રુપ આમ તો 2011માં પહેલી વાર જોવા મળ્યું હતું. એક સામાન્ય ઓપરેશન માટે ફ્રાંસના ગ્વાડેલૂપની 68 વર્ષની પેરિસમાં રહેતી મહિલાનો બ્લડ ટેસ્ટ કરાવાયો હતો. રીપોર્ટ આવ્યો એ જોઈને વિજ્ઞાનીઓએ મહિલાનું લોહી બીજા લોકો કરતાં થોડું અલગ હોવાનું જાણ્યું હતું. બીજા કોઈ પણ બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું ન હોય તેવું એન્ટીબૉડી એ મહિલાના લોહીમાં મળ્યું હતું. એ સમયથી જ આ કયું બ્લડ ગ્રુપ છે, એની ખણખોદ એટલે કે સંશોધન શરૂ કરી દેવાયું હતું. જોકે 2011માં નવીન પ્રકારનું રક્ત જોવા મળ્યું પણ ત્યારે આ રક્તનો પ્રકાર ઓળખી શકે એવાં તકનિકી સાધનો નહોતાં પણ પછી 2019માં નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ (NGS) ટૅક્નિકની મદદથી વિજ્ઞાનીઓએ આ મહિલાના જૂના બ્લડ સેમ્પલની ફરીથી તપાસ કરી અને છેવટે આ નવું બ્લડ ગ્રુપ ઓળખાયું.
એ પછી ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સ્ફ્યુશન (ISBT)એ જૂન, 2025માં ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપને માન્યતા આપી હતી. એટલે 2011થી શરૂ થયેલા સંશોધનને 2025માં સફળતા મળી અને વિશ્વને એક નવા જ પ્રકારનું બ્લડ ગ્રુપ મળ્યું.
ઈએમએમ એન્ટીજનની ગેરહાજરીને કારણે આ બ્લડ ગ્રુપ દુર્લભ મનાય છે. ઈએમએમ એન્ટીજન (એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ મેટાલોપ્રોટીનેઝ ઇન્ડ્યુસર) એ એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરની વિવિધ શારીરિક અને રોગાત્મક પ્રક્રિયાઓમાં, ખાસ કરીને કૅન્સરનો ફેલાવો, સોજો અને ટિશ્યુ રીમોડેલિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઈએમએમ માનવશરીરના રક્તકણો (રેડ બ્લડ સેલ્સ)માં હોય છે પરંતુ ફ્રાન્સની એ મહિલાના લોહીમાં ઈએમએમ જોવા મળ્યું નથી. આ કારણે એનું રક્ત આપણા સૌના રક્ત કરતાં અલગ છે. અને હવે ફ્રેન્ચ બ્લડ એસ્ટાબ્લિશમેન્ટે શોધેલું આ બ્લડ ગ્રુપ સમગ્ર વિશ્વનું 48મું બ્લડ ગ્રુપ જાહેર કરાયું છે.
EFS બાયોલોજિસ્ટ થિયરી પેયરાર્ડ પ્રમાણે પૈતૃક અને માતૃ એમ બંને તરફથી મળેલા મ્યુટેટેડ જનીનો મળવાને કારણે આ મહિલાને આ બ્લડ ગ્રુપ મળ્યું છે. આ મહિલાને માત્ર પોતાના જ રક્ત પર નિર્ભર છે. એટલે કે વિશ્વના કોઈ પણ ડોનર આ મહિલાને લોહી નહીં આપી શકે.
ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપની શોધ એ માત્ર વિજ્ઞાન પૂરતી જ સીમિત નથી પણ રેર બ્લડ ડિસઑર્ડરથી ઝઝૂમી રહેલા લોકો માટે પણ નવી આશા લઈને આવી છે. EFSએ કહ્યું છે કે પ્રત્યેક નવી બ્લડ ગ્રુપ સિસ્ટમ આપણી હેલ્થકેરની ક્ષમતાઓને વધુ સારી કરી શકે છે. દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માટે એ આશીર્વાદરૂપ છે.
આ પણ વાંચોઃ
Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5
Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4










