
Ajab Gajab: ઇન્સ્ટાગ્રામ પર 86 હજાર ફોલોઅર્સ હોય એ વ્યક્તિ સોશિયલ મિડીયા પર કેવી છવાયેલી હશે, એ કલ્પના કરવાનું સહજ છે પણ ફોલોઅર્સ વિચારતા હોય એનાથી વિપરીત છબિ નીકળે ત્યારે? ઇન્સ્ટાગ્રામ પર ભાવિકાથી જાણીતી 27 વર્ષની ભંવરી દેવીના કિસ્સામાં આવું જ થયું છે. ભાવિકા આમ ઇન્ફ્લ્યુએન્ઝર છે પણ પડદા પાછળ એ ડ્રગ સપ્લાય કરે છે. ઊંઝામાં ડ્રગ્સ સપ્લાય કરવા આવતી ભાવિકાને રાજસ્થાનના બાડમેરની પોલીસે સાંચોર પાસેના નેશનલ હાઈવે 68 પર નાકાબંદી કરીને પકડી લીધી હતી. એની પાસેથી પોલીસને લેપટોપ બૅગમાંથી બે પેકેટમાં કુલ 152 ગ્રામ એમડી ડ્રગ્સ (મેફેડ્રોન) જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 લાખ રૂપિયા છે.
ઇન્ટાગ્રામ મોડેલ ‘ભાવિકા’ ડ્રગ્સ સાથે પકડાઈ
ભંવરી દેવી સોશિયલ મીડિયામાં ભાવિકા તરીકે એક્ટિવ હતી અને 86 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર મોડેલ અને ડિજિટલ ક્રિએટર તરીકે પોતાને ઓળખાવનારી ભાવિકા એક વર્ષથી ડ્રગ્સ સપ્લાયર છે. તેણે પોલીસને કહ્યું હતું કે એક ટ્રિપના તેને 10 હજાર રૂપિયા ચુકવાય છે. આશ્ચર્યની વાત એ છે કે ભાવિકાને ડ્રગ્સનો પ્રકાર, એનું વજન કે ગ્રાહકની કોઈ જ માહિતી અપાતી નહોતી. માત્ર લોકેશનના આધારે માલ પહોંચાડવાનું એનું કામ હતું. રાજસ્થાનના બાડમેરમાંથી ડ્રગ્સ લઈને ગુજરાતમાં વિવિધ સ્થળે પહોંચાડતી હતી.
86 હજાર ફોલોઅર્સ પણ એક પણ સંબંધીએ ફોન ન ઉપાડ્યો
સોશિયલ મિડીયામાં 86 હજાર ફોલોઅર્સ ધરાવતી ભાવિકાને પોલીસે પકડી ત્યારે એણે કેટલાક સગાંસંબંધીને ફોન કર્યો હતો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો.
પતિ ઊંઝામાં કોન્ટ્રાક્ટર છે
ભંવરી દેવીનો પતિ ટીલારામ ઊંઝામાં કોન્ટ્રાક્ટર છે અને ભંવરી દેવી પણ ઊંઝામાં જ ડ્રગ્સ સપ્લાય કરવા આવતી હતી. એટલે તેના પતિને ભંવરી દેવીની કરતૂતોની ખબર છે કે નહીં અને એ આ નેટવર્કનો જ એક ભાગ છે કે નહીં, એની તપાસ પણ પોલીસ કરી રહી છે.
ફોલોઅર્સ વધારવા અશ્લીલ વિડીયો બનાવતી યુવતીઓ સામે કાર્યવાહી
બીજી બાજુ ઉત્તર પ્રદેશના પવિત્ર ધાર્મિક સ્થળ સંભલની મહેક અને પરી નામની બે યુવતી સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ બંને યુવતી ફોલોઅર્સ વધારવા માટે મહેક પરી 143 નામે ઇન્સ્ટાગ્રામ પર ઢંગધડા વિનાનાં કપડાં પહેરવા ઉપરાંત અશ્લીલ વિડીયો બનાવતી હતી. સોશિયલ મિડીયામાં આ બંને સામે લોકોએ રોષ ઠાલવ્યો એટલે પોલીસે પહેલ કરીને બંને સામે ફરિયાદ નોંધી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે એટલે અત્યારે બંને ભાગી ગઈ છે.
પોલીસે આપી ચેતવણી
શહબાજપુર ગામની મહેક અને પરીનું મહેક પરી 143 નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેમાં આ બંને યુવતી અશ્લીલ સંવાદોવાળા વિડીયો જ પોસ્ટ કરતી હતી. જે-તે સમયે એ વિડીયો વાઇરલ પણ થયા હતા. એ પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે જ નોંધેલી એફઆઇઆર પ્રમાણે બંને યુવતીના વિડીયોથી ગામની મહિલાઓ પર અવળી અસર પડતી હતી. એટલે બંને સામે અશ્લીલતા ફેલાવવાની કલમ 296 બી અને 67 આઇટી એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે કહ્યું હતું કે સોશિયલ મિડીયા પર વાંધાજનક પ્રવૃત્તિઓ સાંખી નહીં લેવાય અને કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષા, અશ્લીલતા કે ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહેક અને પરી બંને ઇન્સ્ટાગ્રામ પર સતત વાંધાજનક પોસ્ટ મૂકતા હતા. લોકો આ બંનેના વિડીયો જોઈને પોલીસને ટૅગ કરતા હતા અને ફરિયાદ કરતા હતા. એ પછી પોલીસે તપાસ કરીને મહેક અને પરી વિષે ભાળ મેળવી હતી. મહેક અને પરી બીજા બે સાથીદાર સાથે મળીને આવા વિડીયો બનાવતી હતી. મહેક અને પરી ઉપરાંત અન્ય એક યુવતી અને એક યુવકની સંડોવણી છે. પોલીસે હવે ચારેયને પકડવાની તજવીજ શરૂ કરી છે.
