
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યા બાદ હોબાળો મચ્યો છે અને ટ્રમ્પ પોતાના દાવા પર અડગ રહીને વધુ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે અમેરિકા પાસે સમગ્ર દુનિયાનો નાશ કરવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે, તેમ છતાં અમેરિકાને હજુ પણ પરીક્ષણો કરવાની જરૂર છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે રશિયા અને ચીનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પણ અમેરિકા દ્વારા પરીક્ષણો કરાવવાનું એક કારણ છે.
સીબીએસ સાથેની એક મુલાકાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે ભલેને અમારી પાસે પરમાણુ શસ્ત્રોનો આટલો મોટો ભંડાર હોવા છતાં અમેરિકા એકમાત્ર એવો દેશ ન હોવો જોઈએ જે પરમાણુ પરીક્ષણો ન કરે. જ્યારે બીજા દેશો પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરતા હોય ત્યારે અમે ચૂપ ન બેસી રહીએ. ટ્રમ્પે કહ્યું અમેરિકા પાસે હાલમાં 150 વખત વિશ્વને સંપૂર્ણપણે નાશ કરવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે.
તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યાના થોડા કલાકો પહેલા, અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં યુએસ સંરક્ષણ વિભાગને તાત્કાલિક પરમાણુ પરીક્ષણો શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના આ નિવેદનની વિશ્વભરમાં ટીકા થઈ હતી અને નિષ્ણાતો માને છે કે આનાથી સમગ્ર વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના પરીક્ષણની હોડ ફરી શરૂ થઈ શકે છે.
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, “આપણી પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, અને આપણે પરમાણુ નિઃશસ્ત્રીકરણ વિશે કંઈક કરવું જોઈએ. મેં આ અંગે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી. આપણી પાસે આખી દુનિયાનો નાશ કરવા માટે પૂરતા પરમાણુ શસ્ત્રો છે. રશિયા પાસે ઘણા છે, અને ચીન પાસે પણ.” ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે અમેરિકા એકમાત્ર એવો દેશ બને જે પરમાણુ પરીક્ષણો ન કરે.
ટ્રમ્પે કહ્યું, “રશિયાએ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી, અને તેઓ આમ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે અને અન્ય દેશો પણ આવું જ કરી રહ્યા છે ત્યારે અમે એકમાત્ર એવો દેશ બનવા માંગતા નથી જે પરીક્ષણો ન કરે.” અમેરિકાએ છેલ્લે 1992માં ઓપરેશન જુલિયન દરમિયાન પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
યુક્રેન યુદ્ધને લઈને બંને દેશો વચ્ચે તણાવના સમયે અમેરિકા અને રશિયા દ્વારા પરમાણુ શસ્ત્રોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. બંને દેશો CTBT પર હસ્તાક્ષર કરનારા છે, જે પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકતી સંધિ છે. આ સંધિ પર 187 દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઇઝરાયલ વગેરે જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.
જોકે,હવે ફરી સ્થિતિ બદલાઈ છે અને રશિયાએ હવે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણો કરવાનું શરૂ કરતાં અમેરિકાએ પણ નવા અદ્યતન પરમાણુ પરિક્ષણ કરવાની જાહેરાત કરી છે જેનાથી વિશ્વમાં ફરી પરમાણુ શસ્ત્રોની હોડ સર્જાવાની ભીતિ છે જેનો અંત ભયાનક આવી શકે છે.
આ પણ વાંચો:
Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ










