
Anand: એક તરફ વિશ્વના વિકસિત દેશો વિજ્ઞાન અને સંશોધનની મદદથી પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે, ત્યારે ભારત હજુ પણ અંધશ્રદ્ધાના ગાઢ અંધકારમાં ડૂબેલો દેખાય છે. હજુ પણ ઘણી જગ્યાએ અંધવિશ્વાસની આગમાં નિર્દોષ જીવોની આહુતિ આપવામા આવી રહી છે. ત્યારે અંધશ્રદ્ધાની આવી જ એક હચમચાવનારી ઘટના આણંદમાંથી સામે આવી છે જેમાં 5 વર્ષની માસૂમ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. સંતાનપ્રાપ્તિના નામે એક 5 વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચડાવી દેવાઈ છે.
આણંદમાં 5 વર્ષની બાળકીની બલિ
મળતી માહિતી મુજબ નવાખલ ગામમાં રહેતી 5 વર્ષની બાળકી તુલસી સોલંકી ગઈકાલે સાંજે ઘરેથી મંદિરે રમવા જવાનું કહીને નીકળી હતી. રાત થવા છતાં જ્યારે તે ઘરે પાછી ન ફરી, ત્યારે પરિવારે ચિંતામાં ડૂબીને પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો. તુલસીના કાકાના મિત્ર અજય પઢિયારે તાંત્રિક વિધિ માટે બાળકીનું અપહરણ કરી, તેની હત્યા કરી અને લાશને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી.
કાકાના મિત્રએ ભુવાની વાતોમાં આવીને બાળકીની હત્યા કરી
પોલીસની પૂછપરછમાં અજય પઢિયારે કબૂલ્યું કે, તે સંતાનપ્રાપ્તિ માટે એક ભુવા પાસે ગયો હતો. ભુવાએ તેને તાંત્રિક વિધિ માટે એક બાળકીની બલિ આપવાની સલાહ આપી હતી. આ સલાહને અનુસરીને અજયે તુલસીને બાઈક પર ઉમેટા લઈ ગયો, જ્યાં તેણે નિર્દોષ બાળકીની હત્યા કરી અને લાશને નદીમાં ફેંકી દીધી. આ ઘટનાએ નવાખલ ગામ સહિત આખા વિસ્તારમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે.
પોલીસે શું કાર્યવાહી કરી ?
આરોપીની કબૂલાત બાદ પોલીસે NDRFની ટીમની મદદથી સિંઘરોટ નદીમાં તુલસીની લાશ શોધવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે અજય પઢિયારને અટકાયતમાં લઈ, તેની સામે કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત, તાંત્રિક વિધિમાં સામેલ અન્ય શકમંદોની પણ તપાસ ચાલી રહી છે.
સમાજ માટે ચેતવણી
આ ઘટના એક નિર્દોષ બાળકીની નિર્મમ હત્યા ઉપરાંત, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓના નામે થતી છેતરપિંડીને ઉઘાડી પાડે છે. ખજાનો મેળવવા, ધંધામાં સફળતા કે સંતાનપ્રાપ્તિ જેવા લોભામણા વાયદાઓથી લોકોને ગેરમાર્ગે દોરીને આવા ગુનાઓને અંજામ આપવામાં આવે છે. આવી ઘટનાઓ રોકવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવી અને કડક કાયદાકીય પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.
અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવ્યા બાદ પણ કોઈ ફરક નહીં
નોંધનીય છે કે, અંધશ્રદ્ધાને કારણે બનતા ગુનાઓને અટકાવવા માટે ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી બિલ લાવ્યા છે તેમ છતા આ પ્રકારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
આપણે અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?
આ ઘટનાએ માનવતાને શરમસાર કરી છે અને સમાજને એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે, આપણે આવી અંધશ્રદ્ધાઓથી ક્યારે મુક્ત થઈશું?
આ પણ વાંચો:
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત