
Bhavnagar: રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોને જાણે કે કાયદાનો ડર જ રહ્યો નથી તેવું લાગી રહ્યુ છે. નાની નાની વાતે હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામા આવી રહ્યો છે ત્યારે આજે ભાવનગરમાં ફરી એવી એક ઘટના સામે આવી છે જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના ખારઝાપા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીની ધાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
મહુવામાં ડબલ મર્ડર કેસની ઘટના
મળતી માહિતી મુજબ મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આવેલી દેવી ભવન શાળા નજીક રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાશીયા (ઉંમર 45 વર્ષ) અને તેમની પત્ની ભારતીબેન રમેશભાઈ ડોળાશીયા (ઉંમર 40 વર્ષ)ની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં ગુનેગારે તેઓના ઘરમા જ ઘૂસીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી
પતિ-પત્નિની હત્યા થતા મહુવા ટાઉન પી.આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.
સગા જમાઈએ જ સાસુ સસરાની હત્યા કરી?
કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ સગા જમાઈએ જ કરી છે. કારણ કે, મૃતક પતિ – પત્નીના 3 સંતાનો છે. ત્યારે 3 સંતાનો હોવા છતાં પત્નીએ અન્ય યુવક સાથે બીજા લગ્ન કર્યા હોવા બાબતે જમાઈ તેના સાસુ-સસરા સાથે અનેક વખત ઝઘડો કરતો હતો. ત્યારે રોષે ભરાયેલા જમાઈએ ગઈકાલે સાંજના સમયે સાસુ-સસરાના ઘરમાં ઘુસીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંશી નાખ્યા હોવાનું કહેવાય છે. જો કે, સાચી માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.
અહેવાલ: નીતિન ગોહેલ





