
Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આત્મવિલોપનની ચીમકી આપી હોવાના સમાચારે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. ભાજપના આંતરિક વિવાદો એક પછી એક સામે આવી રહ્યા છે, જેમાં મેયરની આ ચીમકીએ નવો વળાંક લાવ્યો છે. સોશિયલ મીડિયા પર ભાજપના ગ્રુપમાં મેયરે પોતાની વ્યથા વ્યક્ત કરતા મેસેજ વાયરલ થયા હતા, જેમાં તેમણે પોતાની સાથે થઈ રહેલા અન્યાય અને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથ્યા ઠાલવી
આ ઘટના એવા સમયે સામે આવી જ્યારે ભાજપના પ્રભારી રત્નાકરજી આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આવા સમયે મેયરની આ ચીમકીએ પાર્ટીની અંદરખાને ગરમાવો લાવી દીધો છે. મેયરે ભાજપના અંદરના જ ગ્રુપમાં પોતાની વેદના વ્યક્ત કરી હતી, પરંતુ આ મેસેજ ગ્રુપ એડમિન દ્વારા તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાર્ટીના અમુક નેતાઓ પર આંગળી ચીંધી
મેયરે પોતાના મેસેજમાં પાર્ટીના અમુક નેતાઓ પર આંગળી ચીંધી હતી અને પોતાને નિશાન બનાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાએ ભાજપની અંદરની ગતિશીલતા અને એકતા પર સવાલો ઉભા કર્યા છે.
પાર્ટી વિવાદને શાંત કરવા શું પગલા લેશે?
ઉલ્લેખનીય છેકે, ભાવનગર મહાનગરપાલિકાની બેઠકમાં પણ તાજેતરમાં શાસક પક્ષના ડ્રામા અને વિપક્ષના વોકઆઉટની ઘટનાઓ સામે આવી હતી, જેમાં મેયર દ્વારા 19 કામોને ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી હોવાનો વિવાદ થયો હતો. આ બધા વચ્ચે મેયરની આત્મવિલોપનની ચીમકીએ ભાજપના આંતરિક વિવાદોને વધુ ઉજાગર કર્યા છે. ત્યારે રત્નાકરજીની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે, અને પાર્ટી આ વિવાદને શાંત કરવા શું પગલાં લે છે તે જોવું રહ્યું….
અહેવાલ : નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે