
Bihar Politics:બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીની થયેલી કારમી હાર બાદ તેઓ પહેલી વાર મીડિયા સામે આવ્યા અને હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે,તેમણે કહ્યું કે પ્રયાસ ઈમાનદારીથી કરવામાં આવ્યો હતો, પરંતુ પરિણામો અપેક્ષા મુજબના આવ્યા નથી અને તેની ૧૦૦ ટકા જવાબદારી મારી છે.”
હારના આ આઘાતને સ્વીકારતા પ્રશાંત કિશોરે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું ઉદાહરણ આપી સમજાવ્યું કે ઇમરાનની પાર્ટીને પણ શરૂઆતમાં સાતેય બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો.
બિહારમાં પરિવર્તન લાવવાનો દાવો કરી પુરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર અને રાજકીય રણનીતિમાં માહેર પ્રશાંત કિશોર ખુદ પોતાની પાર્ટી માટે કઈ કરી શક્યા નથી જેથી તેમની ‘રણનીતિમાં માહેર’વાળી પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેઓએ હવે NDAની જીત પર રૂપિયા આપીને વોટ મેળવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરે તેમના જન સુરાજ પક્ષના અપેક્ષા કરતાં વધુ ખરાબ પ્રદર્શન માટેની જવાબદારી પોતાના માથા પર લીધી હતી.ચૂંટણી પરિણામ જાહેર થયાના પાંચ દિવસ પછી મીડિયા સામે આવેલા પ્રશાંત કિશોરે કહ્યું કે, અમે ખૂબ જ પ્રમાણિક્તાથી પ્રયત્નો કર્યા હતા, પરંતુ અમને સફળતા મળી નહીં. વ્યવસ્થા પરિવર્તનની વાત તો દૂર રહી અમે સત્તા પરિવર્તન પણ કરી શક્યા નહીં. જનતાનો વિશ્વાસ નહીં જીતી શકવા બદલ હું પ્રાયશ્ચિતરૂપે બે દિવસ પછી ભીતહરવા આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ કરીશ.
આ ચૂંટણીમાં જદયુની ૨૫થી વધુ બેઠકો આવશે તો રાજકારણમાંથી સન્યાસ લેવાના નિવેદનમાં પ્રશાંત કિશોરે યુ-ટર્ન લીધો હતો. પ્રશાંત કિશોરે અનેક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, જદયુને ૨૫થી વધુ બેઠકો આવશે તો તેઓ રાજકારણ છોડી દેશે. પરંતુ આ ચૂંટણીમાં જદયુને ૮૫ બેઠકો આવી છે. આ અંગે સવાલ કરાતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મેં ક્યારેય એવું કહ્યું નહોતું કે હું બિહાર છોડી દઈશ.
વધુમાં તેમણે નીતિશ કુમાર અને એનડીએ પર રૂપિયા આપીને વોટ ખરીદવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ચૂંટણી પહેલાં મહિલાઓને અપાયેલા ૧૦ હજારના કારણે એનડીએને વોટ મળ્યાનો દાવો કર્યો હતો.
તેમણે ગંભીર આરોપ મૂક્યો કે લગભગ ૨૯,૦૦૦ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જીવિકા જૂથોની મહિલાઓ, આશા-આંગણવાડી કાર્યકરો અને પ્રવાસી મજૂરોને ચૂંટણીના સમયે સીધા પૈસા આપવામાં આવ્યા. તેમણે આને સરકારી યોજના કરતાં “વોટ ખરીદવાની રીત” ગણાવી, અને આરોપ લગાવ્યો કે દરેક લાભાર્થીને કહેવામાં આવ્યું કે ૧૦,૦૦૦ રૂપિયા પ્રથમ હપ્તો છે અને બાકીના ૨ લાખ રૂપિયા છ મહિનામાં મળશે.
હવે જોવાનું એ રહે છે કે જે વાયદો કર્યો છે તે પૂરો કરશે કે કેમ?
પ્રશાંત કિશોરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પોતાની પાર્ટી નિષ્ફળ રહી તેનો ઝટકો જરૂર લાગ્યો છે, પરંતુ તેઓ ભૂલો સુધારીને મજબૂત થઈને પાછા ફરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાંથી પાછળ હટવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી, અને હવે સલાહનો સમય સમાપ્ત થઈ ગયો છે, સંઘર્ષનો સમય શરૂ થયો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






