
Bus Accident in Rajasthan: રાજસ્થાનમાં ગુજરાતના વલસાડની બસને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે,સિકરમાં વલસાડની સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે આ ઘટનામાં 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમાં 7ની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
જયપુર–બીકાનેર નેશનલ હાઈવે પર આજે રાત્રે લગભગ 10:40 વાગ્યે ફતેહપુર પાસે સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તમામ મુસાફરો વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ખાટુ શ્યામજી મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો ત્યારે જયપુર–બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર નજીક ધડાકા ભેર સર્જાયેલા અકસ્માતમાં બસનો આગળનો ભાગ ભુક્કા બોલી ગયો હતો અને ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા.
અકસ્માતને પગલે મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું અને હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો થંભી ગયા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે કવાયત શરૂ થઈ હતી અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખડેડવામાં આવ્યા હતા.પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી સ્થળ ઉપર ડોક્ટરની ટીમ પણ દોડી આવી હતી.
દરમિયાન હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ જતાં અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઇનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા અને રોડ ક્લીઅર કર્યો હતો
દરમિયાન સવારે જાણવા મળેલી વિગતો મુજબ બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વલસાડ તાલુકાના અલગ-અલગ ગામના સહિત ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 28 મુસાફરો પૈકી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી માતાના મંદિરે રાજસ્થાન જવા રવાના થયા હતા ત્યારે સિકર પાસે અકસ્માત નડ્યો હતો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







