
Cybar Crime| અજબ ગજબ: ચીની ગેંગ સાથે મળીને 40 શેલ કંપનીઓ ખોલી નાખી અને 750 કરોડ રૂપિયા સેરવી લીધા જાતજાતની લોન એપ્લિકેશન્સ બનાવીને લોકોને લોન આપી, પછી ભારેખમ વ્યાજ અને ગંદા ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ખંડણીઓ ઉઘરાવી, ભણેલોગણેલો સાઇબર ગઠિયો અંતે પકડાઈ ગયો છે.
આકાશપાતાળ એક કરો ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)નું છોગું નામ આગળ લાગતું હોય છે. સીએ થયેલા લોકો ગર્વભેર વાહનો પર સીએ લખેલાં સ્ટીકરો ચોંટાડતા હોય છે. બિઝનેસમૅન, નેતા-અભિનેતા જેવાં મોટાં માથાંને પણ પોતાની ‘અ’પ્રમાણસર મિલકતોનું સેટલમેન્ટ કરવા માટે સીએની મદદ લેવી પડતી હોય છે. આવાં તો કેટલાંય ઉદાહરણો આપીને સીએનું મહત્ત્વ ગણાવી શકાય છે પણ આપણે અત્યારે જે સીએ વિશે વાત કરવાના છીએ એ છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એનું કામ ચીટર એકાઉન્ટન્ટ જેવું છે. હમણાં જ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી આ ભણેલાગણેલા સાઇબર ગઠિયાને ઉત્તરાખંડ એસટીએફ ટીમે પકડી લીધો છે.
આ ચીટર એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ અભિષેક અગ્રવાલ. અભિષેકે ચીની ગૅંગ સાથે મળીને 35થી 40 શેલ (બોગસ) કંપનીઓ બનાવી નાખી. આમાંથી 13 કંપની એના નામે છે અને 28 કંપની એની પત્નીના નામે છે. કેટલીક કંપનીઓમાં સહ નિદેશક તરીકે ચીની નાગરિકો પણ છે.
અભિષેકે હેક્ટર લેન્ડકારો પ્રાઇવેટ લિમિટેડ થકી ઇન્સ્ટ લોન, મેક્સિ લોન, કેકે કૅશ, રૂપીગો, લેન્ડકર જેવી 15થી પણ વધારે લોન એપ્લિકેશન બનાવી. અને આ બધી જ એપ્લિકેશન બોગસ, નકલી. અભિષેક આવી એપ્લિકેશન્સ દ્વારા ગણતરીના દસ્તાવેજોના આધારે ઓનલાઇન લોનની લાલચ આપો અને એમના મોબાઇલ ફોનનો ગેલેરી, કોન્ટેક્ટ્સ અને અંગત માહિતીઓનો ડેટા ચોરી લેતો હતો. લોન આપવાના નામે વધુપડતું વ્યાજ, પેનલ્ટી અને દંડની માગણી કરતો અને ધમકીભર્યા મેસેજ અને વોટ્સ એપ કૉલ પણ કરતો. આટલું ઓછું હોય તેમ રીઢા ગુંડાની જેમ પીડિતોની તસવીરો એડિટ કરીને વાયરલ કરી દેવાની પણ ધમકી આપતો હતો. અભિષેકે આવી રીતે ધમકીથી ગભરાઈ જતા લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે.
પોલીસે અભિષેકને સાણસામાં લીધો અને પૂછપરછ કરી ત્યારે એણે બીજો ધડાકો કર્યો. અભિષેકે કહ્યું કે એ ચીની નાગરિકોની ગૅંગ સાથે જોડાયેલો છે. એણે ચીની માસ્ટરમાઇન્ડ્સ માટે નકલી કંપનીઓ ઊભી કરી હતી. કાગળ પરની આ કંપનીઓનાં બૅન્ક ખાતાંમાંથી જમા થયેલી રકમ ચીની ખાતાંમાં ટ્રાન્સફર કરાતી હતી.
આ કૌભાંડ કાંઈ આજકાલનું નથી. છેક 2019-20થી ચાલ્યું આવે છે. અંકુર ઢીંગરા નામનો એક ગઠિયો 2019-20માં કેટલાક ચીની નાગરિકોને ભારત લાવ્યો હતો અને આ નેટવર્ક ઊભું કર્યું હતું. અભિષેક અગ્રવાલ પણ 20189માં શાંઘાઈ અને શેન્ઝેન ફરવા ગયો હતો. પછીથી 2023માં અંકુર પણ ગુડગાંવમાંથી પકડાઈ ગયો હતો. અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક કૉલ સેન્ટર પર દરોડો પાડીને પોલીસે સિમબોક્સ જપ્ત કર્યું હતું.
અભિષેક અગ્રવાલ સામે પણ અનેક રાજ્યોમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. છેતરપિંડીના કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક ચીની નાગરિકો, ડિફન વૉંગ, ઝ્હ્નેબો હી, મિઆઓ ઝ્હેંગ, યોંગગુંગ કુઆંગ અને વેન્કસ લિ સહિતનાં નામ પણ એની પાસેથી મળ્યાં છે. ઉત્તરાખંડ એસટીએફ અત્યારે સીએ અભિષેક અગ્રવાલની આકરી પૂછપરછ કરી રહી છે. અને કયાં કયાં રાજ્યોમાં કોને કોને છેતર્યા છે, કેટલા રૂપિયા પડાવ્યા છે, એ બધી વિગતો કઢાવી રહી છે.