
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને ઘેરી હતી.
તેમણે કહ્યું, “સાવરકરે લખ્યું છે કે ભારતના બંધારણ વિશે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તેમાં કશું પણ ભારતીય નથી. વેદો પછી મનુસ્મૃતિ એ ધાર્મિક ગ્રંથ છે જે આપણા હિંદુ રાષ્ટ્ર માટે સૌથી પૂજનીય છે. અને આ પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ, રીતી-રિવાજ, વિચાર અને વર્તનનો આધાર બની રહ્યું છે. આ પુસ્તકે સદીઓથી ચાલુ રહેલી આપણા દેશની આધ્યાત્મિક અને દૈવીય યાત્રાને સંહિતાબદ્ધ કર્યું છે. આજે મનુસ્મૃતિ કાયદો છે. આ સાવરકરના શબ્દો છે.”
રાહુલ ગાંધીએ કહ્યું, “સાવરકરે તેમના લેખનમાં સ્પષ્ટ કરી દીધું છે કે અમારા બંધારણમાં ભારતીયતાનો કોઈ અંશ નથી. તેમણે કહ્યું છે કે ભારતને આ પુસ્તક (બંધારણ)થી નહીં પરંતુ આ પુસ્તક (મનુસ્મૃતિ)થી ચલાવવું જોઈએ.”
તેમણે કહ્યું, “આજે આ જ લડાઈ છે. હું સત્તા પક્ષના લોકોને પૂછવા માંગું છું કે શું તમે સાવરકરના શબ્દોને સમર્થન આપો છો. કારણ કે જ્યારે તમે બંધારણના પક્ષમાં સંસદમાં બોલો છો ત્યારે તમે સાવરકરનો મજાક ઉડાવી રહ્યા છો. તમે તેમને બદનામ કરી રહ્યા છો.”
બંધારણને સ્વીકારવાના 75 વર્ષ પૂરા થવા પર બંધારણ પર ચર્ચા ચાલુ છે. શુક્રવારે રાહુલ ગાંધીની બહેન અને કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર ચર્ચા દરમિયાન સરકારને ઘેરી હતી.
આજે રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં બંધારણ પર બોલશે.







