
ELECTION-DUTY:ગુજરાતમાં હાલ SIRની ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી જેમાં શિક્ષકોને આ કામગીરીમાં જોતરવામાં આવ્યા છે જેનો શરૂઆતમાં વિરોધ પણ થયો હતો જોકે,સરકારે કડક વલણ અપનાવતા આખરે શિક્ષકો કામમાં લાગી ગયા છે પણ આ કામગીરી દરમિયાન તણાવમાં આવી ગયેલા કોડીનારના દેવળી ગામના એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.
કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે દરમિયાન મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો હોવાની વાત સામે આવી છે.
મૃતકે આત્મહત્યા કરતાં પહેલાં તેઓએ પોતાની પત્ની સંગીતા બેનને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી.
આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના ને પગલે ચકચાર વ્યાપી ગઈ છે,પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે નોકરી કરતા હતા હાલમાં શિક્ષકોને BLO (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે માનસિક તણાવમાં આવી જઈ આ પગલું ભર્યું છે.
આ કરુણ ઘટનાની જાણ થતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શોક વ્યક્ત કરી ઘટનાને દુઃખદ ગણાવી હતી તેઓએ જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા અને મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે એવી માગ કરી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જણાવ્યું હતું કે SIRની કામગીરી મામલે અગાઉ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.ગીર સોમનાથના શિક્ષકની સુસાઈડ નોટ વાંચતા સહેજેય સમજી શકાય છે કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવ્યું હશે.શૈક્ષણિક સંઘ તેનો વિરોધ કરે છે અને જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે.
જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘે પણ ઘટના અંગે ખેદ વ્યક્ત કરી આ ઘટનાને લઈ તમામ શિક્ષકો આજે એક દિવસ માટે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું,સંઘે કહ્યુ કે રાજ્યના 2 લાખ શિક્ષક આ મુસીબતોનો સામનો કરી રહ્યા છે શિક્ષકોને આ કામમાં નહિ જોડવા અગાઉ રજૂઆતો પણ થઈ છે છતાં કોઈ વાત ધ્યાને લેવાઈ નથી ત્યારે આ ઘટના બની છે ત્યારે તમામ શિક્ષકો આજે એક દિવસ માટે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કેછેલ્લા 3 દિવસમાં SIR કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે.અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હોવાની વાત સામે આવી હતી.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






