
(દિલીપ પટેલ દ્વારા)
Fire: રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં અનેક લોકોના મોત થઈ રહયા છે અને વર્ષે 2700 લોકોના આગમાં દાઝી જતા મોત થઈ ગયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અહેવાલો મુજબ, વર્ષ 2024-25 દરમિયાન અમદાવાદમાં આગ લાગવાની કુલ 2,835 ઘટનાઓ બની હતી. ફાયર વિભાગે 678 લોકોના જીવ બચાવ્યા અને કુલ 3,606 રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યા હતા,શહેરમાં દર મહિને સરેરાશ 38 રહેણાંક આગના બનાવો નોંધાયા હતા.
ઓક્ટોબર 2025માં દિવાળી દરમિયાન ફટાકડાને કારણે અમદાવાદ શહેરમાંથી 58 ફાયર કોલ મળ્યા હતા. શહેરમાં દર વર્ષે સરેરાશ 2,000 થી 3,000 આગના કોલ નોંધાય છે,દરરોજ આગ લાગવાનાં સરેરાશ 210 બનાવો બની રહ્યા છે. 265ના મોત વિમાની દુર્ઘટનામાં થયા હતા.
●2025માં ક્યાં ક્યાં આગ લાગી જાણો
તા.8મી ફેબ્રુઆરીએ સાબરમતી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી.
એપ્રિલ 6: જીવરાજ પાર્કની જ્ઞાના સોસાયટીમાં એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા 2 લોકોના મોત થયા હતા.
એપ્રિલ 11: ખોખરાના પારિષ્કર-1 એપાર્ટમેન્ટમાં પાંચમા માળે આગ લાગી તેમાં 18-20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
ડિસેમ્બર 2: વિરાટનગરમાં શો રૂમમાં આગ લાગતા 8 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 સુધીમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી.
●ફાયર સ્ટેશનની શુ સ્થિતિ
કેન્દ્રીય નિયમો મુજબ, શહેરી વિસ્તારોમાં દર 10 ચોરસ કિમીએ એક ફાયર સ્ટેશન હોવું અનિવાર્ય છે. અમદાવાદનો વિસ્તાર 2005માં 190 ચોરસ કિમીથી વધીને 2025માં અંદાજે 480 ચોરસ કિમી થયો છે. આ વિસ્તાર મુજબ શહેરમાં આશરે 48 ફાયર સ્ટેશન હોવા જોઈએ, પરંતુ અત્યારે માત્ર 19 સ્ટેશનોમાંથી 17 કામ કરે છે.
અમદાવાદની અંદાજીત વસ્તી 2025-26માં 80 થી 95 લાખની વચ્ચે છે. વસ્તીની ગીચતા અને હાઈરાઈઝ બિલ્ડીંગોને કારણે પ્રતિ 2 લાખની વસ્તીએ એક સ્ટેશન ગણવામાં આવે તો, 40 ફાયર સ્ટેશન હોવા જોઈએ, 15 નવા મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે. 3 વર્ષમાં શહેર પાસે કુલ 50 ફાયર સ્ટેશન હશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. 796 મંજૂર મહેકમ સામે 316 જગ્યાઓ ખાલી છે. ખરેખર તો 2 હજાર ફાયર ફાઈટર અમદાવાદમાં હોવા જોઈએ,અમદાવાદ શહેરમાં આગ જેવી કુદરતી અને માનવસર્જિત હોનારતોનાં કિસ્સામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. પાંચ વર્ષમાં આગ-અકસ્માતોનાં કારણે લોકોની રૂ. 440 કરોડની મિલકતો સળગી ગઈ હતી.
● આગળના વર્ષોની સ્થિતિ
2020માં 12 ફાયર ચોકી ઉભી કરવાની હતી. ફાયર ચોકી માટે વાસણામાં પ્લોટનું સંપાદન કરાયું હતું. નારણપુરામાં સંપાદન થવાનું હતું. 4 હજાર વારના પ્લોટ પર 10 હજાર લીટરની બે ટેન્કર, એક વોટર ટેન્ડર અને એક રેસ્ક્યુ વેન લાવવાની હતી. 30 કર્મચારીઓ નિયુક્ત કરવાના હતા.
2022-23માં 2,057 આગના બનાવોમાંથી 450, અથવા 21.9%, રહેણાંક મિલકતોમાં બન્યા હતા. ઇલેક્ટ્રિકલ સર્કિટ અને લાઈટિંગથી 214 આગ લાગી હતી. ઘાસ અને ઝાડ પર આગ લાગવાના બનાવો 196 હતા. કાપડ બજારો અને દુકાનોમાં 195 બનાવો હતા. 1400 નાની, 570 મધ્યમ અને 132 ગંભીર આગ હતી, 2023-24માં આગ-અકસ્માતોના કારણે રૂ. 138.24 કરોડનુ નુકસાન થયું હતું.
2023-2025ના બે વર્ષમાં અમદાવાદમાં 4,430 આગની ઘટનાઓ નોંધાઈ હતી,2024-25માં 2,835 આગની ઘટના બની જેમાં 678 લોકોના જીવ બચાવ્યા હતા,2023-24માં 2,696 ઘટનાઓ બની જેમાં રૂ. 138 કરોડની મિલકતને નુકસાન થયું હતું.
2022-23માં 2,057 ઘટનાઓ બની હતી,2021-22માં બે વર્ષમાં અમદાવાદમાં 27 મોટી ઔદ્યોગિક આગની ઘટનાઓ બની હતી, જેમાં 10 કામદારોના મોત થયા હતા.
●10 વર્ષમાં કેટલા બનાવ બન્યા? જાણો
ઉનાળાની ગરમી અને અન્ય કારણોસર આગ લાગવાનાં કિસ્સા વધી જતાં હોય છે. 10 વર્ષમાં આગ લાગવાનાં 24 હજાર 489 બનાવ બન્યા છે. 1960 લોકો દાઝી જવાનાં તેમજ કેટલાકના મરણ થવાનાં કિસ્સા બન્યા છે.
● નિષ્ફળતાઓ
શહેરની હદ વિસ્તરણમાં ચોક્કસ લોકોનાં હિત-લાભને ધ્યાને રાખવામાં આવ્યા છે. ભાજપ પ્રાથમિક સુવિધાઓ અને ફાયર બ્રિગેડની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ છે. જમાલપુર, કોતરપુર, મણિનગર, ઓઢવ, શાહપુર, પાંચકૂવા, નરોડા, જશોદાનગર, અસલાલી, નવરંગપુરા, પ્રહલાદનગર, ચાંદખેડા, થલતેજ, સાબરમતી અને દાણાપીઠ મળીને 15 ફાયર સ્ટેશન છે.
●ઉંચી સ્નોરકેલ
ઉંચી સ્નોરકેલ ખરીદી શક્યા નથી. દોઢ વર્ષ અગાઉ દરખાસ્ત મંજૂર થયા પછી વિદેશથી મંગાવેલી સ્નોરસ્કેલ અમદાવાદ સુધી પહોંચી નથી. 50 માળની ઉંચાઇ સુધી પહોંચી શકે તેવી સ્નોરકેલ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું,
જર્મનીની કંપની દ્વારા સ્નોરકેલ બનાવવામાં આવી રહી છે. 10 કિલો મીટરે એક ફાયર સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું હતું.
●ઘર બન્યા લક્ષાગૃહ
શહેરમાં આગનું મુખ્ય કારણ હવે ઘર છે. વધુ પડતા ફર્નિચર, ઘરની સજાવટ માટે સસ્તા અને જ્વલનશીલ પદાર્થ લોકો વધારે વાપરી રહ્યા છે. નબળા વાયરિંગ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.
●ગુજરાતમાં ફાયર સ્ટેશન
ગુજરાતમાં 183 કાર્યરત ફાયર સ્ટેશનો છે, વસ્તીના આધારે 394 સ્ટેશનોની જરૂરિયાત છે.
2025-26માં 15 નવી નગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન અને ડાંગમાં એક મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે રૂ. 32 કરોડની ફાળવણી કરી છે. અમદાવાદમાં 19 અને સુરતમાં 18 ફાયર સ્ટેશનો છે.
●ગુજરાતમાં આગ
ફાયરબ્રાન્ડ ગુજરાતમાં આગમાં જીવ ગુમાવી રહ્યા હોવાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યના બજેટમાં ફાયર સેફ્ટી માટે આશરે રૂ. 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ફાયર વાહનો અને આધુનિક સાધનો માટે રૂ. 40 કરોડ છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપવા માટે GSDMA દ્વારા રૂ. 462 કરોડનું વધારાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
●ઔદ્યોગિક અને રહેણાંક
ગુજરાતમાં 2023થી 2025 એમ બે વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોમાં આગમાં 12ના મોત થયા હતા. ગુજરાતમાં એક જ અગ્નિકાંડમાં આંકડો સીધો 21ને વટાવી ગયો હતો.
●દિવાળી જોખમી
2025માં દિવાળીના ફટાકડા તહેવારમાં રહેણાંક વિસ્તારોમાં આગના 2,804 બનાવો નોંધાયા હતા. દિવાળીનો તહેવાર જોખમી બની ગયો છે. ગુજરાતમાં તેના કારણે 108 ફોન નંબર પર 5,500 કોલ આવ્યા હતા. આગની દુર્ઘટના પણ જાણે તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે.
દિવાળીના નવા વર્ષના દિવસે 18.24% અને ભાઈબીજ પર 12.11% નો અકસ્માતમાં અંદાજિત વધારો થયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, દિવાળી પર ફટાકડાથી 15 દાઝી ગયેલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. 44 રોડ ટ્રાફિક અકસ્માતમાં સારવાર કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં દાઝી જવા, પડી જવા અને અકસ્માતોને લગતા આઠ ઇમરજન્સી કેસ જોવા મળ્યા,ઓક્ટોબર 2025માં દિવાળીએ ગુજરાતમાં પ્રકાશ ફેલાવવાની સાથે ઇમરજન્સી રૂમ અને ફાયર સ્ટેશનોમાં એલાર્મ વધારે વાગે છે. તહેવારનો માહોલ ઘણા લોકો માટે ખતરનાક બની ગયો.
EMRI 108ને 2024ની દિવાળીની સરખામણીમાં દાઝી જવાના બનાવોમાં 53%નો વધારો અને ઇમરજન્સી કોલ્સમાં 12% નો વધારો થયો હતો. 24 કલાકમાં ગુજરાતમાં 5,406 બનાવો નોંધાયા હતા. સામાન્ય દિવસોમાં 4,825 હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં, દાઝવાના કારણે ઇજા થવાની સંખ્યામાં 480% વધારો થયો હતો. વાહન સિવાયના અકસ્માતોમાં 76%નો વધારો થયો હતો. જે 491 થી 862 થયો હતો. શારીરિક હુમલો (391) અને ઊંચાઈ પરથી પડી જવાના (291) સૌથી સામાન્ય વાહન વગરના અકસ્માતોના કેસ હતા.
વાહનોને કારણે થતા અકસ્માતોમાં 74%નો વધારો થયો છે, જે 529 થી 919 થયો છે. જેમાં 754 કેસ ટુ-વ્હીલર સંબંધિત હતા, ત્યારબાદ 77 કેસ ફોર-વ્હીલરના હતા. 46 કેસ થ્રી-વ્હીલર સંબંધિત હતા, શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત 380 કોલ પણ મળ્યા હતા.ફાયરબ્રાન્ડ ગુજરાતનો ભોગ ફાયર જ લઈ રહી છે, એનસીઆરબી મુજબ 2025માં દેશમાં 1.6 લાખ આગના બનાવ બન્યા હતા. તેમાં 27 હજાર લોકોના મોત થયા હતા.
●વિધાનસભાના આંકડા
ગુજરાત વિધાનસભામાં માર્ચ 2025માં આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 16 જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતમાં 116 બનાવ બન્યા હતા. તેમાં 12ના મોત થયા હતા.
●સુરત
સુરતમાં ફાયર વિભાગના અહેવાલો મુજબ શહેરમાં વર્ષે સરેરાશ 2,000 થી 2,500 ફાયર કોલ્સ નોંધાય છે. સુરતમાં દર વર્ષે સરેરાશ 500 થી 700 રહેણાંક આગના કિસ્સાઓ નોંધાયા છે, જેમાં મુખ્યત્વે શોર્ટ સર્કિટ અને ગેસ લીકેજ કારણભૂત હોય છે.
2025માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં હાઈ-કોન્ફિડન્સ ધરાવતા 56 થી વધુ મુખ્ય ફાયર એલર્ટ્સ નોંધાયા છે, જે પાછલા વર્ષોની સરખામણીએ વધુ છે.
છેલ્લા 10 વર્ષમાં સુરતમાં અંદાજે 22,000 આગના નાના-મોટા બનાવો બન્યા હતા, 2019માં સૌથી મોટી દુર્ઘટના 24 મેના રોજ સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા, ઓક્ટોબર 2025માં દિવાળી દરમિયાન સુરત શહેરમાંથી અંદાજે 100 થી વધુ આગના કોલ મળ્યા હતા, સપ્ટેમ્બર 2022માં સચિનની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મોત થયા હતા, ટર્ન ટેબલ લેડર (TTL) અને થર્મલ ઇમેજિંગ કેમેરા વસાવવા માટે ₹18 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
●વડોદરા
ફેબ્રુઆરી 2026માં છાણી વિસ્તારમાં હરિભાઈ એસ્ટેટના બાઈક ગોડાઉનમાં લાગેલી આગમાં 86 નવી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. વડોદરામાં 6 મુખ્ય ફાયર સ્ટેશન છે. હાઈ-રાઈઝ બિલ્ડીંગ માટે ખાસ હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં દર વર્ષે સરેરાશ 300 થી 500 જેટલા બનાવો શોર્ટ સર્કિટ અને ગેસ લીકેજને કારણે રહેણાંક વિસ્તારમાં નોંધાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાલો મુજબ શહેરમાં દર વર્ષે સરેરાશ 2,000 થી 2,500 જેટલા ફાયર કોલ નોંધાય છે.
છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં અંદાજે 20,000 થી વધુ આગના નાના-મોટા બનાવો નોંધાયા છે,2019-20માં 778 મુખ્ય ફાયર કોલ હતા, 2022માં નંદેસરી GIDC માં દીપક નાઈટ્રાઈટના પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ અને આગ લાગી હતી, 2024માં કોયલી સ્થિત IOCL ગુજરાત રિફાઇનરીમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 2 લોકોના મોત થયા હતા, 2023માં પાદરા તાલુકાની ‘વિઝન પ્રોડક્ટ’ કંપનીમાં મોટી આગ લાગી હતી.
●રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના વાર્ષિક અહેવાલો મુજબ, શહેરમાં દર વર્ષે સરેરાશ 1,500 થી 2,000 જેટલા ફાયર કોલ નોંધાય છે. આ અંદાજ મુજબ, છેલ્લા 10 વર્ષમાં કુલ 15,000 થી 18,000 જેટલા આગના બનાવો બન્યા હોઈ શકે છે, 25 મે 2024ના રોજ સૌથી ભયાનક અગ્નિકાંડ રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ હતી. જેમાં 27 થી 33 લોકોના મોત થયા હતા. આ ઘટનાને હાઈકોર્ટે માનવસર્જિત આપત્તિ ગણાવી હતી.
ફેબ્રુઆરી 2026માં રાજકોટના એક ફ્લેટમાં લાગેલી આગમાં માતા અને પુત્રના મોત થયા હતા,જાન્યુઆરી 2026માં એસ્ટ્રોન ચોક પાસે 10 થી વધુ ફ્રૂટની લારીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી, ફેબ્રુઆરી 2026માં એક ભંગારના ડેલમાં લાગેલી ભીષણ આગને બુઝાવવા 10 ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.
સેટેલાઇટ ડેટા અને ફાયર એલર્ટ મુજબ, વર્ષ 2021માં રાજકોટમાં સૌથી વધુ 29 હાઈ-કોન્ફિડન્સ ફાયર એલર્ટ નોંધાયા હતા. ફેબ્રુઆરી 2022 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે શહેરમાં કુલ 296 નોંધપાત્ર મોટા ફાયર એલર્ટ આવ્યા હતા, 2025-26 માં 7 નવા ફાયર સ્ટેશન અને 51 નવા વાહનો માટે જોગવાઈ કરવામાં આવી હતી. 1,276 કર્મચારીઓની નવી ભરતીનું કરવાની હતી.
●જામનગર
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અહેવાલો મુજબ શહેરમાં દર વર્ષે સરેરાશ 500 થી 800 આગ, રેસ્ક્યૂ, પ્રાણી બચાવના ઈમરજન્સી કોલ નોંધાય છે. જામનગર શહેરમાં હાલમાં મુખ્ય ફાયર સ્ટેશન જ્યુબિલી ગાર્ડન વિસ્તારમાં આવેલું છે.
2025માં 724 કોલ મળ્યા હતા. તેમાંથી 345 કોલ્સ આગની ઘટનાના હતા,2025માં દિવાળીની એક રાત્રે જ ફટાકડાને કારણે 30 જેટલી આગની ઘટનાઓ બની હતી, 2016માં રિલાયન્સ રિફાઇનરીમાં લાગેલી આગમાં 2 કામદારોના મોત થયા હતા.
●ભાવનગર
ભાવનગર શહેરમાં દર વર્ષે સરેરાશ 400 થી 600 જેટલા ફાયર કોલ નોંધાય છે. 10 વર્ષમાં ભાવનગરમાં અંદાજે 5,000 થી 6,000 જેટલી આગની નાની-મોટી ઘટનાઓ બની છે. જૂના ભાવનગરના ગીચ વિસ્તારોમાં શોર્ટ સર્કિટ અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે દર વર્ષે સરેરાશ 150 થી 200 બનાવો બને છે.
2025માં આગના 450 કોલ નોંધાયા હતા. દિવાળીના તહેવારો દરમિયાન 24 કલાકમાં 15 સ્થળોએ આગ લાગી હતી.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આગની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. જહાજો તોડતી વખતે ગેસ કટિંગને કારણે અનેક મોટી આગ લાગે છે.
એપ્રિલ 2024માં કુંભારવાડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, મે 2021માં જનતા હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગને કારણે દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવા પડ્યા હતા, મુખ્ય 4 ફાયર સ્ટેશન કુંભારવાડા, ચિત્રા, પાણીની ટાંકી અને મરીન છે.
●ગાંધીનગર
ગાંધીનગરમાં સરકારી ઇમારતો અને સચિવાલયમાં ફાયર સેફ્ટી વધુ કડક છે. તેમ છતાં, શહેરમાં દર વર્ષે સરેરાશ 250 થી 400 જેટલા નાના-મોટા ફાયર કોલ નોંધાય છે. 10 વર્ષમાં ગાંધીનગરમાં અંદાજે 3,000 થી 3,500 જેટલી આગની ઘટનાઓ બની છે.
સપ્ટેમ્બર 2024માં નવા સચિવાલયના બ્લોક નંબર-16 માં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી, જેમાં અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા હતા.
2023-24માં ગિફ્ટ સિટીના નિર્માણાધીન ટાવરોમાં બે વખત આગ લાગવાના બનાવો બન્યા હતા,દિવાળીના તહેવારમાં 18 આગની ઘટનાઓ નોંધાઈ હતી,ગાંધીનગરમાં અત્યારે મુખ્ય 4 ફાયર સ્ટેશન સેક્ટર-17, સેક્ટર-24, પેથાપુર અને રાયસણ છે. સરકાર દ્વારા આધુનિક ડ્રોન અને રોબોટિક ફાયર ફાઈટર સિસ્ટમ માટે નાણાં આપ્યા હતા.
ગુજરાતમાં ઔદ્યોગિક આગ ભારતમાં દર વર્ષે અંદાજે 1 લાખ 60 હજાર આગ લાગવાની ઘટા બને છે. જેના પરિણામે 27 હજાર લોકો મૃત્યુ પામે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા ઔદ્યોગિક અને વસ્તી ધરાવતા રાજ્યોમાં આગ સંબંધિત મૃત્યુ સૌથી વધુ છે, જે આગ સંબંધિત મૃત્યુના 50% થી વધુ છે. એ હિસાબે ગુજરાતમાં 2500 લોકોના મોત થયા હોવાનું કહી શકાય. insightsonindia(dot)com નો અહેવાલ છે.
ગુજરાતની GIDC – ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની વસાહતોના કારખાનાઓમાં છેલ્લા 10 વર્ષમાં (2015-2025) આગની 5,000 આગ અને વિસ્ફોટના બનાવો બન્યા હતા. અનેક કામદારાઓ જીવ ગુમાવ્યો છે, 2019 થી 2025 વચ્ચે ભારતમાં 4,300 થી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા હતા, જેમાં મોટો હિસ્સો ગુજરાતની GIDC વસાહતોનો હતો, દહેજ, અંકલેશ્વર, વટવા અને સુરતની GIDCમાં સૌથી વધુ ઘટના નોંધાઈ છે. દહેજમાં 2020 માં યશસ્વી રસાયણ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 10 થી વધુ કામદારોના મોત થયા હતા.
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં આગને કારણે કુલ 3,176 લોકોના મોત થયા છે, જેમાં ઘરગથ્થુ અને ઔદ્યોગિક બંને પ્રકારની આગનો સમાવેશ થાય છે. માત્ર ઔદ્યોગિક એકમોમાં દર વર્ષે સરેરાશ 40થી 50 કામદારો આગ અથવા બ્લાસ્ટમાં જીવ ગુમાવે છે, 90% થી વધુ ઘટનાઓ અટકાવી શકાય તેવી હતી, જેમાં બોઈલર અથવા રિએક્ટરની જાળવણીનો અભાવ હતો. જૂના ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, કેમિકલ લીકેજ અને અસુરક્ષિત સંગ્રહ તથા તાલીમ વગરના કામદારો દ્વારા જ્વલનશીલ પદાર્થોનું હેન્ડલિંગ કરે છે.
●અંકલેશ્વર
અંકલેશ્વર એ એશિયાનું સૌથી મોટું કેમિકલ ઔદ્યોગિક હબ હોવાને કારણે અહીં આગની ઘટનાઓ અન્ય શહેરોની સરખામણીએ વધુ ગંભીર અને વારંવાર બનતી હોય છે. છેલ્લા 10 વર્ષમાં 2015-2025માં અંકલેશ્વરમાં અંદાજે 3,500 થી 5,000 જેટલી આગની ઘટનાઓ નોંધાઈ હોવાનો અંદાજ છે. અંકલેશ્વરમાં મોટાભાગની આગ કેમિકલ અને ફાર્મા ફેક્ટરીઓમાં લાગે છે. અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ પર કેમિકલ કચરાને કારણે વારંવાર આગ લાગે છે, જેમાં ફેબ્રુઆરી 2026 માં પણ મોટી આગ લાગી હતી.
એપ્રિલ 2025માં ગ્લિનીડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી,સપ્ટેમ્બર 2025માં પાનોલી GIDC માં સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં વિકરાળ આગ લાગી હતી,ડિસેમ્બર 2025માં સલ્ફર મીલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી,3 ડિસેમ્બર 2024ના રોજ ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર/સ્ટોરેજ ટેન્ક ફાટતા 4 કામદારોના મોત થયા હતા,માર્ચ 2025માં અંકલેશ્વરમાં એક સાથે 8 જેટલા ભંગારના ગોડાઉનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.
●હજીરા
26 ફેબ્રુઆરી 2026માં શ્રમિકોના હિંસક આંદોલન દરમિયાન ટોળાએ 3 ફાયર ટેન્ડરો સળગાવી દીધા હતા,સપરતના હજીરા અતિ-સંવેદનશીલ ઔદ્યોગિક ઝોન છે. 10 વર્ષમાં (2015-2025) અહીં અંદાજે 1,200 થી 1,500 જેટલી આગની નાની-મોટી ઘટનાઓ નોંધાઈ છે. હજીરા રોડ પર આવેલા કેમિકલ ટેન્કરોમાં દર વર્ષે સરેરાશ 15 થી 20 આગના બનાવો બને છે,હજીરામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, મોટી કંપની પાસે ‘મ્યુચ્યુઅલ એઇડ સ્કીમ’ છે, જેમાં એક કંપનીમાં આગ લાગે ત્યારે બીજી કંપનીના ફાયર ફાઈટરો મદદ માટે પહોંચી જાય છે. હજીરામાં રિલાયન્સ, ONGC, અને એસ્સાર જેવી જાયન્ટ કંપનીઓ પાસે પોતાના અંગત ફાયર સ્ટેશન હોવાથી ઘણી ઘટનાઓ બહાર આવતી નથી.
સપ્ટેમ્બર 2020માં હજીરાના ઇતિહાસની આ સૌથી મોટી આગ હતી. ગેસ ટર્મિનલમાં એકસાથે 3 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા, જેનો અવાજ 10 કિમી સુધી સંભળાયો હતો. ONGC ના સેફ્ટી ફીચર્સને કારણે મોટી જાનહાનિ ટળી હતી,2024-25માં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ગેસ લાઈન અને કોરેક્ષ પ્લાન્ટમાં લાગેલી આગમાં 4 કામદારોના મોત થયા હતા,જાન્યુઆરી 2013-15માં ઈન્ડિયન ઓઈલ ટર્મિનલમાં પેટ્રોલ ટેન્કમાં લાગેલી આગમાં 3 લોકોના મોત થયા હતા અને કરોડોનું નુકસાન થયું હતું,2021-22માં કૃભકો ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ટેકનિકલ ખામીને કારણે આગ લાગવાની ઘટના બની હતી.
●ભરૂચ – દહેજ
ભરૂચ જિલ્લો અને અંકલેશ્વર-દહેજ GIDC પટ્ટો “કેમિકલ હબ” હોવાને કારણે અહીં આગની ઘટનાઓનું પ્રમાણ રાજ્યમાં સૌથી વધુ પૈકીનું એક છે. છેલ્લા 10 વર્ષમાં (2015-2025) ભરૂચ જિલ્લામાં અંદાજે 6,000 થી 8,000 જેટલા નાના-મોટા ફાયર કોલ નોંધાયા છે.
છેલ્લા દાયકામાં સૌથી વધુ ભીષણ આગ દહેજની કેમિકલ ફેક્ટરીઓમાં લાગી છે,જૂન 2020માં યશસ્વી રસાયણ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં 10 થી વધુ કામદારોના મોત થયા હતા, ફેબ્રુઆરી 2021માં યુપીએલ 5 પ્લાન્ટમાં બ્લાસ્ટમાં 2 કામદારોના મોત અને 26 ઈજાગ્રસ્ત થયા હતા, નવેમ્બર 2025માં સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બોઇલર ફાટતા 2 કામદારોના મોત થયા હતા.
1 મે 2021માં કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ – ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 16 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સ સહિત કુલ 18 લોકોના કરુણ મોત થયા હતા. ભરૂચ શહેરમાં દર વર્ષે સરેરાશ 250 થી 300 આગના બનાવો બને છે.
2024-25 દરમિયાન બ્રિજ પર પસાર થતા કેમિકલ ટેન્કરોમાં આગ લાગવાની 3 મુખ્ય ઘટનાઓ બની હતી.
●દહેજ
ભરૂચનું દહેજ ભારતનું સૌથી મોટું કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ હબ (PCPIR) હોવાથી, અહીં આગની ઘટનાઓ અન્ય વિસ્તાર કરતા વધુ ગંભીર અને જીવલેણ હોય છે. છેલ્લા 10 વર્ષમાં (2015-2025) દહેજ GIDC વિસ્તારમાં અંદાજે 1,500 થી 2,000 જેટલી આગ અને બ્લાસ્ટની નાની-મોટી ઘટનાઓ નોંધાઈ છે.
●દહેજમાં બનેલી સૌથી ભયાનક અને મોટી ઘટનાઓ નીચે મુજબ છે
જૂન 2020માં યશસ્વી રસાયણ પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ અને આગમાં 10 કામદારોના મોત અને 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના 5 ગામોના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા.
ફેબ્રુઆરી 2021માં યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડના પ્લાન્ટમાં મધરાતે થયેલા બ્લાસ્ટમાં 2 કામદારોના મોત થયા હતા અને 26 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
મે 2022માં ભારત રસાયણ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 8 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આગ બુઝાવવા માટે ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી ફાયર ફાઈટરો બોલાવવા પડ્યા હતા,જાન્યુઆરી 2026માં દહેજની એક કેમિકલ કંપનીમાં રિએક્ટર ફાટતા આગ લાગી હતી,નવેમ્બર 2025માં સાયખા (દહેજ પાસે) GIDC ની ફાર્મા કંપનીમાં લાગેલી આગમાં 2 કામદારોના મોત થયા હતા.
2021માં ગુજરાત ફ્લોરો કેમિકલ્સની રણજિતનગર (દહેજ પાસે) પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા હતા.
●નંદેસરી
ફેબ્રુઆરી 2026માં પ્લોટ નંબર 154-155 પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં રિએક્ટરમાં આગ લાગી હતી,વડોદરા નજીકની નંદેસરી જીઆઈડીસીમાં અત્યંત જોખમી કેમિકલ હબ છે. 10 વર્ષમાં (2015-2025) અંદાજે 800 થી 1,200 જેટલી આગ અને વિસ્ફોટની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓમાં અંદાજે 25 થી 35 કામદારોના મોત થયા હોવાનું અનુમાન છે,જૂન 2022માં દીપક નાઈટ્રાઈટ કંપનીના સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ અને ભીષણ આગમાં 7 થી 10 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા અને આસપાસના 700 લોકોને સુરક્ષિત ખસેડવા પડ્યા હતા. કરોડોનું નુકસાન થયું હતું.
માર્ચ 2025માં આઈપીએલ (IPL) બાયોલોજિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 2 કામદારોના મોત થયા હતા અને 5 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા,જૂન 2024માં વિઝન પ્રોડક્ટ્સની પાદરા રોડ પર આવેલી કંપનીમાં લાગેલી આગમાં 1 કામદારનું મોત થયું હતું.
2021-22ના એક વર્ષમાં નંદેસરી અને આસપાસના વિસ્તારોમાં થયેલા વિવિધ કેમિકલ રિએક્ટર બ્લાસ્ટમાં કુલ 6 કામદારોના મોત નોંધાયા હતા.
●અમદાવાદ જીઆઈડીસી
અમદાવાદની વટવા, ઓઢવ, નરોડા અને ચાંગોદર જીઆઈડીસી ઔદ્યોગિક હબ હોવાથી છેલ્લા 10 વર્ષમાં (2015-2025)માં અંદાજે 3,500 થી 4,500 જેટલા નાના-મોટા ફાયર કોલ નોંધાયા છે. આગ અને બ્લાસ્ટની ઘટનાઓમાં અંદાજે 60 થી 80 કામદારોના મોત થયા હોવાનો અંદાજ છે. મોટાભાગની ઘટનાઓ કેમિકલ રિએક્ટર બ્લાસ્ટ અને શોર્ટ સર્કિટને કારણે બની છે.
ઓક્ટોબર 2020માં વટવાની માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગમાં 4 કામદારોના મોત થયા હતા. છેલ્લા 10 વર્ષમાં અહીં અંદાજે 1,200 થી 1,500 ઘટનાઓ બની છે.
નરોડા GIDCમાં કેમિકલ અને ટેક્સટાઇલ યુનિટ્સમાં દર વર્ષે સરેરાશ 100 થી 150 આગના બનાવો બને છે. ડિસેમ્બર 2024માં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં કરોડોનું નુકસાન થયું હતું,ઓઢવ GIDCમાં આગની અંદાજે 800 થી 1,000 ઘટનાઓ નોંધાઈ છે. નવેમ્બર 2020માં ઓઢવની એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા, જે અમદાવાદની મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓ પૈકીની એક હતી,ચાંગોદર અને સાંતેજમાં છેલ્લા 10 વર્ષમાં અંદાજે 1,000 થી વધુ ઘટનાઓ બની છે. ઓક્ટોબર 2025માં સાંતેજની ખાખરા ફેક્ટરીમાં લાગેલી આગમાં મોટું આર્થિક નુકસાન થયું હતું.
જાનહાનિ અને નુકસાન:
●ડીસા
ડીસામાં લાગેલી ફેક્ટરીમાં આગ અને સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ મુખ્ય હતી,ડીસા ટાઉન ફટાકડાની ગેરકાયદે ફેકટરીમાં બનેલી આગની દુર્ઘટનામાં 21 મજૂરોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બધા શ્રમિકો મધ્યપ્રદેશના હતા.
ગોધરા
ગોધરાના બામરોલી રોડ પર આવેલી વૃંદાવન-ટુ સોસાયટીના રહેણાક બિલ્ડિંગમાં લાગેલી આગના કારણે ગૂંગણામણના લીધે એક જ કુટુંબના 4 લોકોના મૃત્યુ પામ્યા હતા.
●સુરત
સુરતમાં ટેક્સ્ટાઇલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 2 મોત થયા હતા. સંતોષ ડાઇંગ મિલમાં બોઇલર ફાટતા બે જણા ભડથું થઈ ગયા હતા. 15 જણાને બળવાના કારણે ઇજા થઈ છે.
●મહેસાણા
મહેસાણા જિલ્લામાં સમેત્રા ગામ નજીક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં લાગેલી આગમાં 2ના મોત થયા હતા. બેને ઇજા થઈ હતી. બંને મૃતકમાં એક બિહારનો અને બીજો મહારાષ્ટ્રનો હતો.
●ઝઘડિયા
નવમી ડિસેમ્બર 2025ના રોજ ભરૂચના ઝઘડિયા કેમિકલ યુનિટમાં થયેલા બ્લાસ્ટમાં 1 શ્રમિકનો જીવ ગયો હતો. અને બીજાને ગંભીર ઇજા થઈ હતી.
●અંકલેશ્વર
ભરૂચના અંકલેશ્વરના ફાર્માસ્યુટિકલ યુનિટ ડબલ્યુકે ફાર્મામાં બોઇલરમાં થયેલા બ્લાસ્ટના કારણે 3ના મોત થયા હતા. 25થી વધુ શ્રમિકોને ઈજા થઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ યુનિટનું ફાયર સેફ્ટી ઓડિટ જરૂરી બની ગયું છે,આ મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તુત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો








