
Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં ચાર મહિના પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીનું તેના પિયરિયાઓ દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રવિવારે બપોરે આશરે અઢી વાગ્યે બની, જ્યારે યુવતી આયુષી તેના સાસરે હતી. આયુષીના મામા કાનજીભાઈ રબારી સહિત છ લોકો એક્ટિવા, કિયા સોનેટ અને ક્રેટા ગાડી સાથે આવ્યા અને ઘરમાં ઘૂસીને આયુષીને બળજબરીપૂર્વક કારમાં ઉઠાવી ફરાર થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અપહરણના ચોંકાવનારા દૃશ્યો કેદ થયા છે.
પિયરીયાઓએ પરિણીતાનું કર્યું અપહરણ
23 વર્ષીય રવિ હિતેન્દ્રકુમાર પટેલે દહેગામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણે દોઢ વર્ષ પહેલાં આયુષી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ ચાર મહિના બહાર રહ્યા બાદ છેલ્લા બે મહિનાથી તેઓ દહેગામમાં રવિના પરિવાર સાથે રહેતા હતા. ઘટના દરમિયાન આરોપીઓએ ઘરે પહોંચી આયુષીને તેમની સાથે આવવા દબાણ કર્યું. આયુષીએ ના પાડતાં તેઓ લાકડીઓ અને ગડદાપાટુ સાથે ઘરમાં ઘૂસ્યા અને આયુષીને ખેંચીને કિયા ગાડીમાં લઈ ગયા. આ દરમિયાન રવિ અને તેના પરિવારે વિરોધ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને માર માર્યો, જેના કારણે તેઓ નીચે પડી ગયા.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
રવિએ તાત્કાલિક પોલીસને જાણ કરી, અને દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં આરોપીઓ તરીકે કાનજીભાઈ રબારી, કેવુલભાઈ રણછોડભાઈ રબારી, દક્ષ જગદીશભાઈ રબારી, ગોવિંદ કનુભાઈ રબારી અને ત્રણ અજાણ્યા શખ્સોના નામનો ઉલ્લેખ છે.
રખિયાલ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે થયો હતો વિવાદ
આઠ મહિના પહેલાં પણ આયુષી અને રવિ ભાગી ગયા હતા, જેને લઈને રખિયાલ પોલીસ મથકે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે આયુષીએ રવિ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને પોલીસ તેમજ સમાજની મધ્યસ્થીથી મામલો શાંત થયો હતો. હવે આ નવી ઘટનાએ ફરી ચર્ચા જગાવી છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?








