
Gangster Anmol Bishnoi:બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આજે અમેરિકાથી ભારત મોકલી દેવાયો છે, લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને તે આજે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય દેશનિકાલ કરાયેલા ભારતીયોને પણ આજ ફ્લાઇટમાં ભારત લાવવામાં આવ્યા હતા.અમેરિકામાં રહેતો અનમોલ બિશ્નોઈ 2022 થી ફરાર છે. તે તેના જેલમાં બંધ ભાઈ લોરેન્સ બિશ્નોઈ દ્વારા સંચાલિત આતંકવાદી સિન્ડિકેટમાં 19મો આરોપી છે. NIA એ માર્ચ 2023 માં તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. NIA તપાસ મુજબ, અનમોલે 2020 થી 2023 વચ્ચે અનેક ગૂનાઓ અંજામ આપવામાં ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈને સીધી મદદ કરી હતી. તે ભારતમાં વિવિધ ઘટનાઓના કાવતરાના આયોજન અને તેમાં મુખ્ય ભૂમિકા ભજવવામાં સામેલ હતો.
અનમોલ બિશ્નોઈ ગેંગના નેટવર્કનું સંચાલન યુનાઇટેડ સ્ટેટ્સથી કરતો હતો.તે ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને નિર્દેશિત કરતો હતો, તેમને સ્થાનો અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અનમોલ વિદેશથી ભારતમાં પૈસાની ઉઘરાણી કરતો હતો. આ કરવા માટે, તેણે અન્ય ગેંગસ્ટરોની મદદ લીધી અને ગેંગની પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હતું.
અનમોલ બિશ્નોઈ અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં તપાસનો સામનો કરી રહ્યો છે.કેન્દ્ર સરકાર નક્કી કરશે કે તેને આગામી કસ્ટડી કઈ એજન્સીને સોંપવામાં આવશે.મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અનમોલ એપ્રિલ 2024માં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ફાયરિંગ કેસમાં પણ વોન્ટેડ છે.મુંબઈ પોલીસ તેને કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં પણ અરજી કરશે.
મુંબઈ પોલીસે અનમોલના પ્રત્યાર્પણ માટે બે વિનંતીઓ મોકલી હતી, દેશભરમાં તેની સામે અનેક કેસ નોંધાયેલા છે. આ મહિનાની શરૂઆતમાં, એજન્સીઓને માહિતી મળી હતી કે અનમોલ, જે વારંવાર યુએસ અને કેનેડા વચ્ચે પોતાનું સ્થાન બદલી નાખે છે, તેને કેનેડામાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પાસેથી બનાવટી દસ્તાવેજો પર બનાવેલો રશિયન પાસપોર્ટ પણ મળી આવ્યો હતો.ગયા વર્ષે નવેમ્બરમાં તેને યુએસમાં પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
NIA એ તેના માથા પર ₹10 લાખનું ઇનામ રાખ્યું હતું.
૨૦૨૨માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યા કેસમાં અનમોલ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું.આ દરમિયાન, NCP નેતા અને સ્વર્ગસ્થ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે તેમને એક ઈમેલ મળ્યો જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે અનમોલને ભારત મોકલવામાં આવી રહ્યો છે.ઝીશાને કહ્યું કે અનમોલને ભારત લાવવામાં આવે અને તેના ગુનાઓ માટે સજા આપવામાં આવે.
૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ બાંદ્રામાં તેમના પુત્રની ઓફિસની બહાર ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં MCOCA ની કડક જોગવાઈઓ પણ લાગુ કરી છે. આ કેસમાં કુલ ૨૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનમોલ બિશ્નોઈ, શુભમ લોનકર અને ઝીશાન મોહમ્મદ અખ્તર અત્યાર સુધી વોન્ટેડ હતા. હવે, અનમોલના અમેરિકાથી પરત ફર્યા બાદ, આ તમામ કેસોની તપાસ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






