
ગુજરાતમાં કેટલીક APMC પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં વરસાદી માહોલ વખતે માલ લઈ પહોંચેલા ખેડૂતોનો માલ બગડી જાયતો કોણ જવાબદાર?તેવા સવાલો ખેડૂત આલમમાં ઉઠી રહયા છે. સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા હોવા અંગેના મીડિયામાં અહેવાલો સામે આવતા ભારે ચકચાર જાગી છે.
જેના માટે સુવિધા ઉભી કરવામાં આવી છે તેવા ખેડૂતોને ખરેખરતો આ ગોડાઉનનો લાભ મળવો જોઈએ પણ એવું થતું નથી પરિણામે પાક ઉત્પાદન લઈ ખેડૂતોએ પોતાનાવાહનમાંજ રાતવાસો કરવાની ફરજ પડી રહી હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં એપીએમસીની જ ફરજ બને છે કે ખેડૂતોને સવલત આપે પણ એવું થતું નથી ઉપરાંત ખેત ઉત્પાદનનું ગ્રેડીંગ કરાવવા અને સારા ભાવ મેળવી શકે તે માટે ખેડૂતોને મદદ કરવા એપીએમસીએ ફરજિયાત ગ્રેડર રાખવાના હોય છે પરંતુ ગુજરાતમાં 224 એપીએમસી પૈકી મોટાભાગની એપીએમસીમાં ભાગ્યે જ ગ્રેડર છે.
બીજું કે એપીએમસીમાં ડિજિટલ બોર્ડ ઉપર કેટલો ભાવ, કેટલો માલ છે, કેટલા માલની હરાજી થઈ, કયા ભાવે હરાજી થઈ, આ બધી માહિતી સતત અપડેટ કરવાની હોય છે જેથી ખેડૂતો વાકેફ થાય. પણ એકેય એપીએમસીમાં ડિજિટલ બોર્ડ પર માહિતી જ દર્શાવાતી નથી. ખેડૂતોના પાક ઉત્પાદનને સાચવવા માટે સ્ટોરેજ આપવાની એપીએમસીની જવાબદારી છે. પણ અમુકને બાદ કરતાં મોટાભાગની એપીએમસીમાં વેપારી-મળતિયા અને દલાલોએ જ સ્ટોરેજ પર કબ્જો કરી લીધો છે. ખેડૂતોને સ્ટોરેજની સુવિધા જ મળતી નથી. જો પાક ઉત્પાદન લઈને એપીએમસી આવે અને કમોસમી વરસાદ પડે તો માલ ક્યાં મૂકવો એ પ્રશ્ન ઉભો થાય છે અને પરિણામે ખેડૂતોનો માલ બગડી જાય છે આમ,ખેડૂતોના નામે કરાયેલી સવલતો ઉપર કોઈ બીજાજ રાજ કરી રહયા હોવાની બૂમ ઉઠવા પામી છે.
આ પણ વાંચો:
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા








