
Gujarat laborers Trouble: ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને કામના કલાકો દિવસના 9 થી વધારીને 12 કલાક કરવા માટે 1 જુલાઈ, 2025ના રોજ ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઓર્ડિનન્સ 2025 નામનો વટહુકમ બહાર પાડ્યો હતો. ગુજરાત સરકારના આ નિર્ણયથી આ નિર્ણયની સીધી અસર રાજ્યના લગભગ 2 કરોડ કામદારો પર પડશે. જેના સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. કારણ કે ગુજરાત સરકાર મજૂરોને 12 કલાક કામ કરાવવા માગે છે. કોના ઈશારે કામના કલાકો વધાર્યા, શું સરકાર આવો નિર્ણય લઈ શકે, તેવા સવાલો ઉભા થયા છે.
સરકારનો દાવો છે કે રાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલી “અસાધારણ પરિસ્થિતિ”ને કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને રોજગારીની તકો વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે સરકારે “અસાધારણ પરિસ્થિતિ” કઈ છે તે જણાવી નથી. આ નિર્ણયનો કામદાર સંગઠનો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને તેઓ આ વટહુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.
ગુજરાત સરકારે આ વટહુકમ દ્વારા ફેક્ટરી એક્ટ, 1948 હેઠળના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં કામના કલાકોને 8-9 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે. આ નિર્ણય ખાસ કરીને એવા ઉદ્યોગોને લાગુ પડે છે જે પાવરનો ઉપયોગ કરીને 10થી વધુ કામદારો સાથે કાર્ય કરે છે અથવા પાવર વિના 20થી વધુ કામદારો ધરાવે છે. સરકારનું કહેવું છે કે આ પગલું આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. જોકે, આ નિર્ણય પાછળની “અસાધારણ પરિસ્થિતિ” શું છે, તે અંગે સરકારે સ્પષ્ટતા કરી નથી. શું ગુજરાતમાં લેબર ફોર્સની ઊણપ છે? શું ઉદ્યોગપતિઓએ આવા નિયમની માગણી કરી હતી? આવા સવાલો હજુ અનુત્તરિત છે.
કામદાર સંગઠનોનો વિરોધ
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાત મજદૂર પંચાયતના મહામંત્રી અને હિન્દ મજદૂર સભાના ગુજરાત રાજ્ય પ્રમુખ જયંતી પંચાલે આ વટહુકમની તીવ્ર ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, “આ વટહુકમ માત્ર ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટના દબાણ હેઠળ લાવવામાં આવ્યો છે, જેનો એકમાત્ર હેતુ તેમને ફાયદો પહોંચાડવાનો છે.” તેમણે ઉમેર્યું કે, ભારત ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)નો સભ્ય દેશ છે, જેણે 1919માં 8 કલાક કામ, 8 કલાક આરામ અને 8 કલાક સામાજિક પ્રવૃત્તિઓ માટેનો ઠરાવ પસાર કર્યો હતો. આ વટહુકમ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કરે છે.
કામદાર સંગઠનોની દલીલ છે કે 12 કલાકની શિફ્ટથી કામદારોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે. ઉપરાંત, આનાથી રોજગારીની તકો ઘટશે, કારણ કે 8 કલાકની શિફ્ટમાં 24 કલાકમાં ત્રણ શિફ્ટ ચલાવી શકાય છે, જેમાં ત્રણ કામદારોને નોકરી મળે છે, જ્યારે 12 કલાકની શિફ્ટમાં માત્ર બે શિફ્ટ ચાલશે, જેનાથી એક કામદારની નોકરી ખતમ થઈ શકે છે.
જયંતી પંચાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “આ નિર્ણયથી નોકરીઓ ગુમાવવાનો ડર છે, અને કામદારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.”મહિલાઓની સુરક્ષાનો સવાલઆ વટહુકમમાં મહિલાઓને રાત્રે કામ કરવાની છૂટ આપવામાં આવી છે, જેના કારણે મહિલાઓની સુરક્ષાનો સવાલ ઉભો થયો છે. કામદાર સંગઠનોનું કહેવું છે કે ખાસ કરીને જોખમી કામની જગ્યાઓ પર મહિલાઓને રાત્રે કામ કરાવવાથી જાતીય સતામણીનું જોખમ વધી શકે છે.
જયંતી પંચાલે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, “મોટી ફેક્ટરીઓમાં બસની વ્યવસ્થા હોય છે, પરંતુ નાની અને મધ્યમ કંપનીઓમાં આવી કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં મહિલાઓની સુરક્ષાની ખાતરી કેવી રીતે આપવામાં આવશે?”
2020માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
આ પહેલાં 2020માં પણ ગુજરાત સરકારે આવો જ એક નોટિફિકેશન જારી કર્યો હતો, જેને ગુજરાત મજદૂર સભાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને આ નોટિફિકેશનને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા નોટિફિકેશન દ્વારા કામદારો પાસેથી 12 કલાક કામ લેવાનો અધિકાર નથી. કોર્ટે બંધારણમાં કામદારોને આપેલા મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોવાનું નોંધ્યું હતું. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને કામદાર સંગઠનો હવે આ નવા વટહુકમને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…







