
Gujarat: ગુજરાતમાં શાળાઓમાં વધી રહેલી અપરાધિક ઘટનાઓએ વાલીઓ અને સમાજમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે. તાજેતરમાં અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ રાજ્યભરમાં હોબાળો મચાવ્યો છે. આ ઘટનાનો વિવાદ હજુ શાંત થયો નથી તેવામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં એક સરકારી શાળાના વિદ્યાર્થીએ નજીવી બાબતે સાથી વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષાના પ્રશ્નોને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
બાલાસિનોરની ઘટના
બાલાસિનોરના તળાવ પાસે આવેલી એક સરકારી શાળામાં 22 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. આ નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ લીધું જ્યારે એક વિદ્યાર્થીએ બીજા પર ચપ્પુથી હુમલો કરી દીધો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પીડિત વિદ્યાર્થીએ એક વીડિયોમાં જણાવ્યું કે, “મેં તેને થપ્પડ મારી એટલે તે ગુસ્સે થઈ ગયો. હું તેને સામે થપ્પડ મારવા જઈ રહ્યો હતો ત્યારે તેણે મને સ્કૂલના ગેટ પાસે પકડી રાખ્યો અને ચપ્પુના ઘા મારી દીધા.” વીડિયોમાં વિદ્યાર્થીના ખભા, બગલ, પેટ અને પેઢાના ભાગે ઈજાઓ જોવા મળી હતી. આ ઘટના દરમિયાન આસપાસ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજર હતા, જેમાંથી કેટલાક શિક્ષકો પોતાના વાહનોમાં નીકળી રહ્યા હતા.
પોલીસ ફરિયાદ અને તપાસ
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે હુમલો કરનાર વિદ્યાર્થીએ પીડિત સાથે મસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી શરૂ કરી. આ દરમિયાન બોલાચાલી થતાં હુમલાખોરે પોતાના થેલામાંથી ચપ્પુ કાઢીને પીડિતના ખભા, બગલ, પેટ અને પેઢાના ભાગે ઘા માર્યા. બાલાસિનોર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(1), 118(1)(2), 352 તથા ગુજરાત પોલીસ અધિનિયમ (GP Act)ની કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલો કરનાર વિદ્યાર્થી સગીર હોવાથી તેને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તરીકે ગણવામાં આવ્યો છે.
આ ઘટના પહેલાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 10ના એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર બોક્સ-કટરથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ સ્કૂલમાં તોડફોડ કરી અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ ઘટનાએ રાજ્યભરમાં શાળાઓમાં સુરક્ષાના ધોરણો અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અંગે ચર્ચાઓને વેગ આપ્યો હતો.
શાળાઓમાં વધતી હિંસા, વાલીઓમાં ચિંતા
ગુજરાતની શાળાઓમાં એક પછી એક ચપ્પુ અને અન્ય હથિયારોના હુમલાની ઘટનાઓએ વાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. બાલાસિનોરની ઘટનામાં એક મોટો સવાલ એ ઉભો થયો છે કે આખરે એક સગીર વિદ્યાર્થી પોતાની સાથે ચપ્પુ જેવું હથિયાર કેવી રીતે રાખી શકે? શું શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગની તપાસ નથી થતી? શું શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ આવી ઘટનાઓને રોકવા માટે પૂરતું ધ્યાન આપી રહ્યા છે?
આવી ઘટનાઓએ શાળાઓની સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ અને તેમના વર્તન પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે બાળકોમાં વધતી હિંસક વૃત્તિનું કારણ આજના સમયનું બદલાતું સામાજિક વાતાવરણ, મોબાઈલ-ઈન્ટરનેટનો અતિરેક અને માતા-પિતાનું બાળકો પ્રત્યે ઓછું ધ્યાન હોઈ શકે છે. બાલાસિનોરની આ ઘટના અને અમદાવાદની અગાઉની ઘટનાએ શાળાઓમાં સુરક્ષા નીતિઓને વધુ કડક કરવાની અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત દર્શાવી છે. શિક્ષણ વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે, તે હવે જોવાનું રહેશે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ