
Weather: ગુજરાતમાં આજથી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. આગામી અઠવાડિયા સુધી બેવડી ઋતુ સહન કરવી પડી શકે છે. જેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરુરી બની જાય છે .
અંબાલાલ પટેલની શું છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનની બીજી વેસ્ટન ડીસ્ટર્બન્સ સિસ્ટમ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહી છે. જેથી અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી જરુરી છે.
ગુજરાતના વિવિધ શહેરોનું કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે, તેમજ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.