
મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી આપવાને બદલે ઘાતક ઇન્જેક્શનનો વિકલ્પ આપવાના સૂચનને સ્વીકારવા કેંદ્રના વલણની સુપ્રિમ કોર્ટે(SC) ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે મૃત્યુદંડની સજાની પદ્ધતિ અંગે કેન્દ્રના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસની આગામી સુનાવણી હવે 11 નવેમ્બરે થશે.
દેશમાં ગંભીર ગુનેગારોને મૃત્યુદંડ આપવા માટે ફાંસીની સજાને બદલે ઝેરનું ઇન્જેક્શન (Lethal Injection) આપવાની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે કેન્દ્ર આ પ્રક્રિયાને બદલવા માટે તૈયાર જ નથી.
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રની અનિચ્છા પર સવાલ ઉઠાવતા મૌખિક રીતે કહ્યું કે, “સમસ્યા એ છે કે સરકાર જ આ બદલવા તૈયાર નથી. આ ખૂબ જૂની પ્રક્રિયા છે અને સમયની સાથે વસ્તુઓ બદલાઈ ગઈ છે.” એક જાહેર હિતની અરજીમાં માગ થઈ હતી કે મૃત્યુદંડની સજા પામેલા કેદીને ઘાતક ઇન્જેક્શન અથવા ફાંસી બેમાંથી કોઈ એક પસંદ કરવાના વિકલ્પનો અધિકાર આપવામાં આવે.
અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ કહ્યું,ફાંસીની સજા પામેલા કેદીને ફાંસી કે ઘાતક ઇન્જેક્શનનો વિકલ્પ આપવો જોઈએ. કેમકે ફાંસી એક ક્રૂર, અમાનવીય અને લાંબી પ્રક્રિયા છે.
કોર્ટને એ પણ જણાવ્યું કે આવો વિકલ્પ સૈન્યમાં પહેલાથી જ અમલમાં છે. જોકે, સરકારે તેના પ્રતિ-સોગંદનામામાં જણાવ્યું હતું કે આવો વિકલ્પ પૂરો પાડવો વ્યવહારીક રીતે શક્ય નથી. અરજીમાં માગ- અન્ય પદ્ધતિઓ અપનાવવી જોઈએ
સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે દલીલ કરી હતી કે કેદીઓને વિકલ્પ આપવો એ એક નીતિગત નિર્ણય છે. અરજદારે દલીલ કરી હતી કે હાલની ફાંસીની પ્રક્રિયા કેદીને લાંબા સમય સુધી પીડા અને વેદનાનું કારણ બને છે.
અરજદારે દલીલ કરી હતી કે તેના બદલે, ઘાતક ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વોડ, વીજળીનો કરંટ અથવા ગેસ ચેમ્બર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે, જે મિનિટોમાં વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે. ફાંસીથી મૃત્યુમાં 40 મિનિટ સુધીનો સમય લાગી શકે છે.
અરજીમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC)ની કલમ 354(5) – જે ફાંસી દ્વારા મૃત્યુદંડની જોગવાઈ કરે છે જેને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સન્માનજનક મૃત્યુનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા પ્રાપ્ત હોવો જોઈએ.
અરજદારના મતે, ફાંસીની પ્રક્રિયામાં દોષિતનું મૃત્યુ જાહેર કરવામાં લગભગ 40 મિનિટ લાગે છે, જ્યારે ગોળી મારવાથી (Shooting) કે ઝેરના ઇન્જેક્શન દ્વારા આ પ્રક્રિયા પાંચ મિનિટમાં પૂરી થઈ શકે છે. અરજીમાં સંયુક્ત રાષ્ટ્રના તે પ્રસ્તાવનો પણ હવાલો આપવામાં આવ્યો છે, જેમાં કહેવાયું હતું કે જ્યાં મૃત્યુદંડ આપવામાં આવે ત્યાં તે શક્ય તેટલી ઓછી પીડા પહોંચાડે તે રીતે લાગુ થવો જોઈએ.
અરજદારે એ પણ ધ્યાન દોર્યું હતું કે 50 માંથી 49 યુએસ રાજ્યોમાં હાલ ઘાતક ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે. અરજીમાં ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 354(5)ને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરવામાં આવી હતી કારણ કે તે કલમ 21 (જીવનનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે.
અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે કેન્દ્ર આ પ્રક્રિયાને બદલવા માટે તૈયાર જ નથી. આ કેસની આગામી સુનાવણી હવે 11 નવેમ્બરે થનાર છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો








