
Haryana Doctors become Terrorists: આતંકવાદી પ્રવૃત્તિમાં હવે ડોકટરોની ભૂમિકા સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં આવેલી એક મેડિકલ કોલેજમાંથી બે AK-47 રાઈફલ અને અંદાજે 350 કિલોગ્રામ RDX મળી આવતા ભારે હાહાકાર મચી ગયો છે, આ જમ્મુ અને કાશ્મીર પોલીસે એક ડોકટરની ધરપકડ કર્યા બાદ તેની પૂછતાછમાં બીજા ડૉક્ટરની પણ સંડોવણી ખુલતા ફરીદાબાદમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનંતનાગના સરકારી મેડિકલ કોલેજમાં ડૉ. આદિલના લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવતા આદિલની ધરપકડ બાદ,અન્ય એક ડૉક્ટરનું પણ નામ ખુલતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ તપાસ ડૉ. આદિલ નામના ડૉક્ટરથી શરૂ થઈ હતી, જેમને થોડા દિવસો પહેલા સહારનપુર (ઉત્તર પ્રદેશ)માંથી શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર લગાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેની આગળ વધેલી તપાસમાં ડૉ. આદિલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરતા હોવાનું ખુલ્યું હતું જે દરમિયાન પોલીસે તેમના જૂના લોકરની તપાસ કરતા તેમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી.
ડૉ. આદિલની ધરપકડ બાદ આગળ વધેલી તપાસમાં પોલીસે અનંતનાગથી બીજા એક મુઝમ્મિલ શેખ નામના ડૉક્ટરની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન આ ડૉક્ટરે કરેલી કબુલાતના આધારે પોલીસ ટીમો હરિયાણાના ફરીદાબાદ ગઈ જ્યાં તેના ફ્લેટ પર તપાસ કરતા બે AK-47 રાઇફલ અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ ત્રણ જેટલા ડૉક્ટર એકબીજાના સતત સંપર્કમાં હતા,તેમના સંપર્કો દક્ષિણ કાશ્મીરના વિસ્તારોથી હરિયાણા સુધી ફેલાયેલા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે આ મામલો હવે ફક્ત પોસ્ટર લગાવવા કે વ્યક્તિગત સંડોવણી કરતાં ઘણો વધારે છે.
પ્રારંભિક તપાસમાં એક સંગઠિત નેટવર્ક ખુલ્યું છે જે તબીબી સંસ્થાઓના આડમાં આતંકવાદીઓને ટેકો આપી રહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ત્રણ ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે, વધુ તપાસ ચાલુ છે.
છેલ્લા ત્રણ દિવસથી, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતત દરોડા પાડી રહી છે. અહેવાલ મુજબ આશરે 500 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, અને 30 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફરીદાબાદમાં વિસ્ફોટકો મળ્યા બાદ, સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. NIA અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. ફોરેન્સિક ટીમોએ જપ્ત કરાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે અને હાલમાં તેમની તપાસ કરી રહી છે.
આ સમગ્ર કેસમાં ડોકટરોની ભૂમિકા સામે આવતા તબીબી સમુદાયમાં પણ ખળભળાટ મચી ગયો છે. આવા આતંકવાદી કાવતરામાં શિક્ષિત અને જવાબદાર ડોકટરો કેવી રીતે સામેલ થઈ શકે છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું આ વ્યક્તિઓ કોઈ આતંકવાદી સંગઠન પાસેથી ભંડોળ કે સમર્થન મેળવી રહ્યા હતા કે દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યુ કે આ સમગ્ર કાવતરા પાછળનો “માસ્ટરમાઇન્ડ” કોણ છે તે દિશામાં તપાસ ચાલુ છે. આ ફક્ત જમ્મુ અને કાશ્મીર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.
આ પણ વાંચો:
‘સોગંદનામું દાખલ કરો’, દિલ્હીમાં પ્રદૂષણ મામલે CAQM ને સુપ્રીમની ફટકાર






