
India Carbon Emissions 2026: વર્ષ 2026માં દુનિયાભરમાં અશ્મિભૂત ઇંધણ એટલે કે ફોસિલ ફ્યુઅલથી થતા કાર્બન ઉત્સર્જનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, ભારત માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. દેશમાં કાર્બન ઉત્સર્જન 4.4 ટકા વધવાનો અંદાજ છે, જે છેલ્લા 10 વર્ષના સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર 3.5 ટકાથી પણ વધારે છે. આ માહિતી 2026ના ગ્લોબલ કાર્બન બજેટના પ્રી-પ્રિન્ટ અહેવાલમાં આપવામાં આવી છે.
ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટે મંગળવારે, 10 નવેમ્બરે આ અહેવાલ જાહેર કર્યો હતો. તુર્કિયેના અંતાલ્યામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ સંમેલન COP31 દરમિયાન તેને પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, વૈશ્વિક ઉત્સર્જનમાં ઘટાડાનું એક મુખ્ય કારણ ઈરાન સંઘર્ષ છે. આ સંઘર્ષને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નામનો મહત્ત્વનો દરિયાઈ માર્ગ અસરગ્રસ્ત થયો છે, જેના દ્વારા પશ્ચિમ એશિયાથી દુનિયાના અન્ય વિસ્તારોમાં તેલ પહોંચાડવામાં આવે છે. તેલના પુરવઠામાં અવરોધ અને ઊર્જા સંકટને કારણે સૌર તથા પવન ઊર્જાના ઉપયોગમાં વધારો થયો છે.
90થી વધુ સંસ્થાઓના સંશોધકોએ તૈયાર કર્યો અહેવાલ
ગ્લોબલ કાર્બન બજેટ દર વર્ષે ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલમાં યુનિવર્સિટી ઑફ એક્સેટર, યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગ્લિયા (UEA), સિસેરો સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ ક્લાઇમેટ રિસર્ચ, લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટી મ્યુનિક (LMU) અને આલ્ફ્રેડ વેગનર ઇન્સ્ટિટ્યૂટ સહિત દુનિયાની 90થી વધુ સંસ્થાઓના સંશોધકો સામેલ થયા છે.
આ પ્રોજેક્ટ ફ્યુચર અર્થ અને વૈજ્ઞાનિકોના જૂથની સંયુક્ત પહેલ છે. તેને વિશ્વ હવામાન સંગઠન (WMO) હેઠળના વિશ્વ જળવાયુ સંશોધન કાર્યક્રમનો સહયોગ પણ મળે છે. યુનેસ્કો આ કાર્યક્રમને પ્રાયોજિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રના દરેક જળવાયુ સંમેલન દરમિયાન આ અહેવાલ જાહેર કરવામાં આવે છે.
ચીન, અમેરિકા અને યુરોપમાં ઉત્સર્જન ઘટવાની શક્યતા
અભ્યાસ અનુસાર, 2026માં તેલના ઉપયોગથી થતા કાર્બન ઉત્સર્જનમાં 1.9 ટકાનો ઘટાડો થઈ શકે છે. ચીનમાં કુલ કાર્બન ઉત્સર્જન 0.9 ટકા ઘટવાનો અંદાજ છે. ચીનના તેલ સંબંધિત ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, જ્યારે કોલસાથી થતા ઉત્સર્જનમાં 0.3 ટકાનો વધારો થવાની શક્યતા છે.
દુનિયાના કુલ અશ્મિભૂત ઇંધણના કાર્બન ઉત્સર્જનમાં ચીનનો હિસ્સો 32 ટકા છે. જોકે, સૌર અને પવન ઊર્જા તથા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ઉત્સર્જન ઘટાડવામાં ચીનનો મોટો ફાળો છે. દુનિયાભરમાં આ ટેક્નોલોજીના ઉપયોગથી જેટલું ઉત્સર્જન ટાળી શકાયું છે, તેમાં લગભગ અડધો હિસ્સો ચીનનો છે.
અમેરિકામાં કાર્બન ઉત્સર્જન 1.3 ટકા ઘટવાનો અંદાજ છે. યુરોપિયન યુનિયનમાં 1.5 ટકા અને જાપાનમાં 1 ટકા ઘટાડો થઈ શકે છે. બાકીના દેશોમાં કુલ ઉત્સર્જન 0.7 ટકા ઘટવાની શક્યતા છે. તેલના વધતા ભાવ અને પુરવઠા પરના નિયંત્રણો આ ઘટાડાનાં મુખ્ય કારણો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ અને દરિયાઈ જહાજોના ઉત્સર્જનમાં પણ 1 ટકા ઘટાડાનો અંદાજ છે.
ભારતમાં કાર્બન ઉત્સર્જન 4.4% વધશે
વિશ્વના અનેક દેશોમાં ઉત્સર્જન ઘટવાની શક્યતા હોવા છતાં ભારતમાં તે 4.4 ટકા વધવાનો અંદાજ છે. આ વધારો છેલ્લા દાયકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર કરતાં વધુ છે.
અહેવાલમાં જમીન અને સમુદ્રની કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ કુદરતી વ્યવસ્થાઓને કાર્બન સિંક કહેવામાં આવે છે. 2023-24 દરમિયાન અલ નીનોની અસરથી જમીનની કાર્બન શોષવાની ક્ષમતા ઘટી હતી, પરંતુ હવે તે ફરી અગાઉના સ્તરે પહોંચી છે. જોકે, 2026માં મજબૂત અલ નીનોની અસર આવતા વર્ષે જોવા મળી શકે છે.
જમીનના ઉપયોગમાં ફેરફારને કારણે થતા ઉત્સર્જનમાં પણ આ વર્ષે વધારો થવાની શક્યતા છે. તે વધીને 5.1 અબજ ટન થઈ શકે છે. પીટલેન્ડમાં લાગતી આગ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં જંગલોના નાશને આ માટે જવાબદાર પરિબળો ગણવામાં આવ્યા છે.
સ્વચ્છ ઊર્જા જ લાંબા ગાળાનો ઉકેલ
છેલ્લા 10 વર્ષમાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર 0.3 ટકા રહ્યો છે, જ્યારે તે પહેલાંના દાયકામાં આ દર 1.7 ટકા હતો. 2016થી 2025 દરમિયાન દર વર્ષે જંગલોની કાયમી કાપણીને કારણે આશરે 3.8 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થયું હતું. નવા જંગલો ઉગાડવાથી અને જૂનાં જંગલોનો વિકાસ થવાથી આ ઉત્સર્જનનો આશરે અડધો હિસ્સો શોષાયો હતો.
અભ્યાસના નેતા અને યુનિવર્સિટી ઑફ એક્સેટરના પ્રોફેસર પિયરે ફ્રિડલિંગસ્ટીને જણાવ્યું કે, ઉત્સર્જનમાં ઘટાડો પ્રોત્સાહક છે, પરંતુ ભૂરાજકીય સંકટને કારણે થયેલો ઘટાડો કાયમી ઉકેલ નથી. તેના માટે સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધારવો જરૂરી છે.
સિસેરો સેન્ટરના સંશોધન પ્રોફેસર ગ્લેન પીટર્સે પણ સ્પષ્ટ કર્યું કે માત્ર એક વર્ષ ઉત્સર્જન ઘટવાથી તે તેની ટોચે પહોંચી ગયું હોવાનું કહી શકાય નહીં. સૌર અને પવન ઊર્જા, બેટરી તથા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધ્યો છે, પરંતુ વૈશ્વિક ઉત્સર્જનમાં કાયમી ઘટાડો લાવવા માટે આ પરિવર્તનની ગતિ હજુ વધારવાની જરૂર છે.







