
અહેવાલ: જયનારાયણ વ્યાસ
India-Maldives: માલદીવ, આ નામ સાંભળીને મગજમાં કોઈ ઘંટડી વાગે છે? હા, આ એ જ માલદીવ છે જેને આપણે કેટલાક સમય પહેલા આડેહાથ લીધેલું. સોશિયલ મીડિયા માલદીવના બહિષ્કાર કરવાની રણહાકોથી ભરેલું પડ્યું હતું. એક અગ્રણી ટ્રાવેલ કંપની દ્વારા માલદીવ્સના બુકિંગ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. કેટલીક ફિલ્મોનું શૂટિંગ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યું હતું.
એકાએક માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાંથી એકાએક ગુલાંટ મારીને ભારત માલદીવ પર ઓળઘોળ થઈ ગયું. એવું તે શું બન્યું? માલદીવ આમ તો 26 નાના નાના ઝૂમખામાં વહેંચાયેલો હિંદ મહાસાગરમાં શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ચિમે આવેલો દેશ છે. 2023 ના આંકડાઓ મુજબ એની વસતી અંદાજિત 5,50,000ની છે, જે મહદ્અંશે આ દેશની રાજધાની માલેમાં વસે છે.
ભારતના માલદીવ સાથેના સંબંધોમાં ખટાશ ઊભી થવાના મુખ્ય કારણો જોઈએ તો માલદીવમાં ચીનતરફી ઝોક ધરાવતા પ્રમુખ ચૂંટાઈ આવ્યા તે પછી ચીને માલદીવમાં બંદર અને બીજા કેટલાક પ્રોજેક્ટ તેમજ વ્યૂહાત્મક અસ્ક્યામતોના વિકાસ પાછળ સહાય કરી છે. આમ થવાને કારણે હિંદ મહાસાગરમાં ચીનનો પગપેસારો વધ્યો છે, જેને ભારત પોતાની સલામતી સામેના એક ખતરા તરીકે જોવે છે.
એ પણ હકીકત છે કે માલદીવે પોતાની મેરીટાઇમ સિક્યોરિટી ક્ષમતા ચીનની મદદથી વધારી છે. જોકે અધિકૃત રીતે ચીનને મિલિટરી બેઝ સ્થાપવા માટે માલદીવ દ્વારા કોઈ કાર્યવાહી કરી હોવાનું ધ્યાનમાં નથી. આમ છતાંય ભારત માટે હિંદ મહાસાગરમાં આવેલો આ દ્વીપસમૂહ વ્યૂહાત્મક અને સામરિક અગત્યતા ધરાવે છે. તાજેતરની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવની મુલાકાત ભારત માલદીવ સાથેના સંબંધો વધા૨વા માગે છે તે દિશામાં એક નક્કર પગલું છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માલદીવને રૂપિયા 4,850 કરોડ (આશરે 56.5 કરોડ ડૉલર)ની લાઇન ઑફ ક્રેડીટ મંજૂર કરીને ભારતે માલદીવ સાથેના સંબંધો સુધારવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભર્યું છે. માલદીવના પ્રમુખ મોઈઝઝુ સાથે આ મુલાકાત દરમિયાન થયેલ લંબાણપૂર્વકની ચર્ચાઓ દરમિયાન વ્યાપાર, સંરક્ષણ અને આંતરમાળખાકીય સવલતો જેવા ક્ષેત્રે દ્વિપક્ષી સહકાર વધુ મજબૂત બનાવવા મંત્રણાઓ થઈ. ભારતીય વડાપ્રધાને એ વાત પર ભાર મૂક્યો હતો કે, માલદીવ લાંબા સમયથી ભારતનો આધારભૂત મિત્ર છે.
વડાપ્રધાનના કહેવા મુજબ, ‘અમારા માટે હંમેશાં મૈત્રી પ્રથમ ક્રમે રહી છે.’ ભારત પોતાના પાડોશી દેશોને અગ્રીમતા આપતી, ‘નેબરહુડ ફર્સ્ટ-પાડોશી તે પહેલો સગો’ નીતિને અનુસરે છે અને પોતાના પાડોશીઓ સાથે રહીને આ વિસ્તારમાં અરસપરસનો વિકાસ અને શાંતિ તેમજ સલામતી જળવાઈ રહે તે માટે ભારત ઉત્સુક છે.
ભારતીય વડાપ્રધાનની આ મુલાકાત ભારત-માલદીવ્સ સંબંધોને મજબૂત કરવા માટેની તક ઉપરાંત પ્રેસિડેન્ટ મોઈઝઝુ નવેમ્બર, 2023માં ચૂંટાયા બાદ બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધો સુધારવાની દિશામાં મહત્ત્વનું પગલું ગણી શકાય. નવેમ્બર, 2023માં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેણે માલદીવ્સ અને ભારતના અરસપરસના સંબંધોમાં છીણી મારવાનું કામ કર્યું હતું અને ‘ઇન્ડિયા આઉટ-ભારત માલદીવ્સ છોડી જાય’ જેવી ચળવળનો જન્મ થયો હતો.
ભારતીય વડાપ્રધાનનું પ્રેસિડેન્ટ મોઈઝઝુ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક ઔપચારિક સ્વાગત સમારોહ ‘રી-પબ્લિક સ્કવેર’ ખાતે પણ યોજવામાં આવ્યો હતો. ભારતે માલદીવને જે 4,850 કરોડ રૂપિયા જેવી જંગી લાઇન ઑફ ક્રેડીટ આપવાની જાહેરાત કરી તે ઉપરાંત બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય રોકાણ અંગેની નીતિ શક્ય તેટલી વહેલી જાહે૨ ક૨વા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ માટેની વાટાઘાટો પણ શરૂ કરી છે.
વડાપ્રધાન દ્વારા માલદીવનું દેવા પેટે વાર્ષિક ચૂકવણું ૫૧ મિલિયન ડૉલરથી ઘટાડી 29 મિલિયન ડૉલર જેટલું કરવાની પણ જાહેરાત કરાઈ હતી. આમ થવાને કારણે માલદીવની આર્થિક સ્થિતિ હળવી થશે અને વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે. બંને વડાઓ વચ્ચેની ચર્ચામાં ફિશરીઝ અને ડિઝિટલ ઇન્ફ્રાસ્ટક્ચર સહિત છ જેટલા એગ્રીમેન્ટ સહી કરવામાં આવ્યા હતા.
ભારતીય વડાપ્રધાને ભારત માલદીવના સંરક્ષણને લગતી બાબતે વધુ ને વધુ ટેકો આપવાનું ચાલુ રાખી બંને દેશો વચ્ચેના પરસ્પરના વિશ્વાસમાં સુધારો થાય અને સહકાર વધે એ દિશામાં કાર્યરત બનવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન માલદીવ સંરક્ષણ મંત્રાલયના મકાન ઉપરાંત બીજા અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. માલદીવ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની યાદગીરીરૂપે એક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં બંને દેશોની પ્રાચીન નૌકા/વહાણોના ચિત્રો અંકિત થયાં હતાં.
આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની માલદીવની મુલાકાતે ભારત અને માલદીવ વચ્ચે વધુ વિસ્તૃત અને દીર્ઘકાલીન ગાઢ સંબંધો માટેનો પાયો નાખ્યો છે. આપણે ત્યાં વૉટ્સએપ યુનિવર્સિટીમાં ક્ષણિક આવેશો ઉપર આધારિત બેજવાબદાર તેમજ ઉશ્કેરણીજનક વાતો વહેતી કરવાની જમાતનો જે ફાલ ઊભો થયો છે તેણે 2023 માં માલદીવ સામે લગભગ નફરતનો પ્રચાર ‘હેટ કેમ્પેઇન’ વહેતું મૂક્યું હતું. ભારતીય વડાપ્રધાને માલદીવની મુલાકાત દરમિયાન 4,850 કરોડની લાઇન ઑફ ક્રેડીટ આપી તમાચો માર્યો હતો. ઉપરાંત 1200 જેટલા ટાપુઓના ઝૂમખાના આ દેશને લાંબા ગાળાના સહકાર માટે આહ્વાન કર્યું હતું અને હિંદ મહાસાગરમાં માલદીવના વ્યૂહાત્મક તેમજ સામરિક મહત્ત્વને સ્વીકારીને ‘પહેલો સગો તે પાડોશી’ તે ન્યાયે લાંબા ગાળાના સંબંધો માટેની જાહેરાત કરી હતી તે વાતે વૉટ્સએપ યુનિ.ના આ ઉપરચોટીયા દેશભક્તોના ગાલ પર તમારો મારવાનું કામ કર્યું છે, એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ










