
Election Commission Response: આજે રવિવારે ચૂંટણી પંચે વિપક્ષના ‘મત ચોરી’ના આરોપો પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા અને ‘મત ચોરી’ના આરોપો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે અમારા માટે કોઈ શાસક પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી, પરંતુ બધા સમાન છે. જો કે ચૂંટણી પંચે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેવી વાતો કરી છે. સીધી રીતે જવાબ આપ્યા નથી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, “અમે થોડા દિવસો પહેલા જોયું હતું કે ઘણા મતદારોની પરવાનગી વિના તેમના ફોટા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું ચૂંટણી પંચે કોઈપણ મતદારના CCTV વીડિયો શેર કરવા જોઈએ, પછી ભલે તે તેમની માતા હોય, પુત્રવધૂ હોય કે પુત્રી હોય? જે લોકોના નામ મતદાર યાદીમાં છે તેમણે જ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.”
“આ ભારતના બંધારણનું અપમાન નથી, તો શું છે?”
જ્ઞાનેશ કુમારે વધુમાં કહ્યું, “જો મતદાર યાદીમાં રહેલી ભૂલો કાયદા મુજબ સમયસર શેર કરવામાં ન આવે, મતદાર પોતાના ઉમેદવારને પસંદ કર્યાના 45 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ ન કરે, અને પછી મત ચોરી જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે, તો આ ભારતના બંધારણનું અપમાન નથી તો બીજું શું છે?” તેમણે વધુમાં કહ્યું કે મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવી છે, જે તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન છે. જોકે સવાલ એ પણ છે કે ચૂંટણી પંચ ગોપનીયતાનું ઉલ્લન કહે છે તો ચૂંટણી ટાણે તો ટેબલ લઈ લઈને મતદારોને શોધવામાં આવે છે. ત્યારે ગોપનીયતા ક્યા જાય છે?
22 લાખ મતદારો અચાનક કેવી રીતે મૃત્યુ પામ્યા?
ચૂંટણી કમિશનરે કહ્યું કે દર વર્ષે મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે, પરંતુ પછી ફોર્મ દરેક ઘરે મોકલવામાં આવતા નથી. આવી સ્થિતિમાં BLO ને કોઈપણ વ્યક્તિના મૃત્યુની માહિતી મળતી નથી અને તે વ્યક્તિનું નામ તેના મૃત્યુ પછી પણ મતદાર યાદીમાં રહે છે. SIR માં, દરેકના ઘરે ફોર્મ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં સાચા આંકડા બહાર આવે છે. આને કારણે 22 લાખ મૃતકોની માહિતી મળી હતી. તેઓ પહેલા મૃત્યુ પામ્યા હતા, પરંતુ હવે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને શું કહ્યું?
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કડક સંદેશ આપ્યો છે કે જો તેઓ 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આ આરોપો ખોટા માનવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધી કાં તો સોગંદનામું આપે અથવા માફી માંગે, ત્રીજો કોઈ વિકલ્પ નથી.
મતદાન મથકના CCTV અંગે રાહુલનો આરોપ
હકીકતમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે મતદાન મથકોના CCTV અને વીડિયો પુરાવા ભૂંસી નાખવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, “વિપક્ષને ડિજિટલ મતદાર યાદી કેમ નથી મળી રહી?, આ શા માટે થઈ રહ્યું છે અને કોના આદેશ પર? મતદાર યાદીમાં નકલી મતદાન અને હેરાફેરી કેમ કરવામાં આવી? વિપક્ષી નેતાઓને શા માટે ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે? મને સ્પષ્ટપણે કહો, શું ચૂંટણી પંચ હવે ભાજપનું એજન્ટ બની ગયું છે?”
અગાઉ, રાહુલ ગાંધીના આ આરોપો પર ચૂંટણી પંચે કહ્યું હતું કે, “એક લાખ મતદાન મથકોના CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં એક લાખ દિવસ એટલે કે 273 વર્ષ લાગશે, જેના કોઈ કાનૂની પરિણામો નથી. જો કે ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફર્ન્સથી એવું લાગે છે કે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે. સીધો જવાબ આપી રહ્યું નથી. તેનો તે સતત બચાવ કરી રહ્યું છે.
આ પણ વાંચો:
Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ
Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?