
Supreme Court: સુપ્રીમ કોર્ટે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી બાબતે કડક ટિપ્પણી કરી જણાવ્યું કે ક્રિકેટ સહિતની રમતો હવે ધંધો બની ગઈ છે. કોર્ટે રમતના નિયમનકારી પાસાઓમાં દખલગીરી ઘટાડવાની પોતાની અનિચ્છા સ્પષ્ટપણે દર્શાવી હતી. આ ટિપ્પણી મધ્યપ્રદેશ હાઈકોર્ટના જબલપુર વિભાગમાં ક્રિકેટ એસોસિએશન સંબંધિત એક આદેશને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કોર્ટે રમતગમત સંબંધિત બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરી દેવું જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે ક્રિકેટ સહિત તમામ રમતો હવે સંપૂર્ણપણે વ્યવસાય બની ગઈ છે, અને તેથી જ આ પ્રકારના કાયદાકીય વિવાદોમાં મોટો દાવ લાગેલો હોય છે.
સોમવારે (6 ઓક્ટોબર, 2025), સુપ્રીમ કોર્ટમાં જબલપુર વિભાગના ક્રિકેટ એસોસિએશનને લગતા એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે સમયે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે રમતોના વધતા વ્યાવસાયીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
જસ્ટિસ વિક્રમ નાથે સીધી ટિપ્પણી કરતા કહ્યું કે, ક્રિકેટમાં હવે કંઈ રમતગમત જેવું રહ્યું નથી અને તે એક જાતનો વ્યવસાય બની ગયું છે. બેન્ચે વકીલોને સવાલ કર્યોકે એક જ દિવસે ક્રિકેટ સંબંધિત આટલા બધા કેસ શા માટે આવી રહ્યા છે અને કહ્યું કે, તમે આજે કેટલી ટેસ્ટ મેચ રમશો? અરજદારના વકીલે જવાબમાં કહ્યું કે દેશ ક્રિકેટ પ્રત્યે લગાવ ધરાવે છે, તેથી આ મામલાઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે છે.
ન્યાયાધીશ વિક્રમ નાથે ભારપૂર્વક જણાવ્યું કે, મને લાગે છે કે આ કોર્ટ માટે ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ સંબંધિત બાબતોમાં દખલ કરવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે.
કોઈપણ રમતનું વ્યાપારીકરણ થઈ ગયું હોય, ત્યારે આવા કેસોના પરિણામમાં મોટા હિતો જોડાયેલા હોય છે, અને તેથી જ આ પ્રકારના કેસ કોર્ટ સુધી પહોંચે છે. અંતે, બેન્ચે અરજી પર આગળ વિચાર કરવાની અનિચ્છા દર્શાવતા અરજદારના વકીલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપીને કેસનો નિકાલ કર્યો હતો. આ ટિપ્પણી બાદ હવે ભારતમાં રમતગમત સંસ્થાઓના સંચાલન અને તેના કાયદાકીય પડકારો અંગે ચર્ચા જગાવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
New Delhi: કાર્યસ્થળે સિનિયર ઠપકો આપે તો તે ‘ઇરાદાપૂર્વક અપમાન’ નથીઃ સુપ્રિમ કોર્ટ
Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!








