
Jharkhand-Bihar News: પાપ છાપરે ચડીને પોકારે, એ કહેવત સાર્થક કરતો વિચિત્ર કિસ્સો ઝારખંડમાં બન્યો છે. ઝારખંડના ખુંટી જિલ્લામાં વર્ષ 2007માં 4 વર્ષના બાળકની હત્યા થઈ હતી. એ ગુનાનો આરોપી છેક અત્યારે 2025માં પકડાયો છે. ઘટનું આશ્ચર્યજનક પાસું એ છે કે ખંડણી માટે જે બાળકનું અપરહરણ કરવાનું હતું એના બદલે આરોપી શિશુપાલ સિંહે બીજા જ કોઈ બાળકનું અપહરણ કર્યું હતું અને એટલે એનું ગળું દાબીને પછી માથામાં ખિલ્લી મારીને હત્યા કરી હતી.
બાળકનો હત્યારો 18 વર્ષે પકડાયો
ઝારખંડના તોરપામાં 2007ની 5મી માર્ચે આ હત્યા પોલીસ ચોપડે નોંધાઈ હતી. હત્યા કર્યા પછી શિશુપાલ પરિવાર સાથે તોરપામાંથી ભાગી ગયો હતો અને ઓળખ ગુપ્ત રાખીને રહેતો હતો. પોલીસે રાંચી જિલ્લાના પુંદાગમાંથી ઝડપી લીધો હતો. અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ બલદેવ મહતો, વૉલ્ટર ડાહંગા, બીરુ સિંહ અને જાવેદ ખાનને પોલીસે પકડી લીધા હતા પણ શિશુપાલ 18 વર્ષથી ગુમ હતો.
ભૂલથી બાળકનું અપહરણ કર્યું
શિશુપાલ સિંહ અને એની ટોળકીએ તારોપાના દામોદર માસ્ટર પાસેથી ખંડણી વસૂલવા માટે તેના દીકરાનું અપહરણ કરવાનું કાવતરું રચ્યું હતું. માસ્ટરના દીકરાનું અપરહણ કરવા ટોળકી પહોંચી ત્યારે ત્યાં દામોદર માસ્ટરનો દીકરાની સાથે ચન્દ્રશેખર જયસ્વાલનો 4 વર્ષનો દીકરો નિશાંત પણ ત્યાં રમતો હતો. એમાં ગફલત થઈ ગઈ અને ટોળકી નિશાંતને દામોદાર માસ્ટરનો દીકરો સમજીને ઉઠાવી લાવી. આ બાજુ ચન્દ્રશેખર જયસ્વાલે પુત્ર ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસને તપાસ કરતાં તોરપાના નગર ભવન પાછળથી નિશાંતનો મૃતદેહ મળ્યો હતો. 4 વર્ષના નિશાંતનું ગળું દબાવીને અને પછી માથામાં ખિલ્લી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નખાઈ હતી.
વર્ષો વીતી ગયા અને અપહરણ-હત્યા કેસની ફાઇલ અભેરાઈએ ચડી ગઈ. એ પછી તોરપા પોલીસ મથકે મુકેશ કુમાર હેમ્બ્રમની બદલી થઈ અને એમણે અભેરાઈ પર ચડેલી ફાઇલોની ધૂળ ખંખેરી. અધિકારી હેમ્બ્રમે ફરીથી તપાસ શરૂ કરી અને શિશુપાલ સિંહને 18 વર્ષે પકડી લીધો. શિશુપાલ સિંહ કટહલ મોડ ખાતે નામ બદલીને રાશનની દુકાન ચલાવતો હતો. આમ, 18 વર્ષ પછી અપહરણ અને હત્યા કેસનો આરોપી પકડાઈ ગયો હતો.
બુથ લેવલ ઑફિસર 40 રૂ.ની લાંચ લેતા પકડાયો
બીજી તરફ બિહારમાં માત્ર 40 રૂપિયાની લાંચ લેતાં બુથ લેવલ ઑફિસર (બીએલઓ) પકડાયો છે. બિહારમાં અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ નવા-જૂના મતદારોની ચકાસણી કરવા સાથે મૃત મતદારો, યાદીમાં નામ ન હોય એવા મતદારોની પણ ચકાસણી કરાઈ રહી છે. આ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે બીએલઓ લાંચ માગતો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. રાજ્યના ગયાજી જિલ્લામાં માનપુર પ્રખંડની નૌરંગા ઉર્દૂ વિદ્યાલયમાં બીએલઓનું કામ સંભાળનારા શિક્ષક ગૌરીશંકરે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ઓનલાઇન 40 રૂપિયાની લાંચ લીધી હતી. એ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ તપાસના આદેશો છૂટ્યા છે. બીએલઓ ગૌરીશંકર ઓનલાઇન ફોર્મ ભરવા સામે મતદારો પાસેથી ચાપાણીના નામે રૂપિયા માગતો હતો.
ઉત્તર પ્રદેશના લખનઉમાં યુવાન નકલી ડિગ્રીના આધારે પોલીસમાં નોકરીએ લાગ્યો પણ એની પત્નીએ જ એ યુવાનની પોલ ખોલી નાખી હતી. જાનકીપુરમમાં રહેતી નુરશબાના પતિ મહતાબ આલમે વર્ષ 2006માં પોલીસ વિભાગમાં સિપાહીના હોદ્દા પર નોકરી મેળવી હતી. એ સમયે મહતાબ આલમની ડ્યૂટી મલ્હોરસ્થિત સીબીસીઆઇડીની મુખ્ય ઑફિસમાં હતી. પત્ની નૂરશબાએ આરોપ મૂક્યો હતો કે પોલીસની નોકરી માટે પતિની ઉંમર યોગ્ય નહોતી. મહતાબે માર્કશીટમાં હેરફેર કરીને પોતાની ઉંમર ઓછી બતાવી હતી. પત્ની નૂરશબાએ કરેલા આક્ષેપ પછી નીરુપુર બલિયાના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય અને વારાણસીસ્થિત માધ્યમિક શિક્ષણ પરિષદમાં તપાસ કરાઈ ત્યારે પત્નીનો આક્ષેપ સાચો પુરવાર થયો હતો અને ફરિયાદ નોંધાવાઈ હતી.
