
Junagadh: વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજીને મંજૂરી આપીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે. ખાસ વાત એ છે કે આ કેસમાં ખવડના વકીલે જામીન રદ્દીનો વિરોધ ન કર્યો. હવે આરોપીઓએ તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.
વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ
આ ઘટના તાલાલા ગીરના ચિત્રોડ ગામે 12 ઓગસ્ટ, 2025ના રોજ બની હતી, જ્યાં દેવાયત ખવડ અને તેના 15 સાથીઓએ અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી, ગાળો ભાંડી, લોખંડના ધોકાથી કાચ ફોડ્યા અને 15 તોલા સોનાના દોરાની લૂંટ કરી હતી. ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને તાલાલા અને પછી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે
નીચલી કોર્ટે આ કેસમાં ખવડ સહિત 15 આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો રજૂ કરી, અને કોર્ટે આદેશ આપ્યો કે ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કરવામાં આવે. આગળની કાર્યવાહી માટે આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
સનાથલમાં છેતરપિંડી સહિત કુલ 5 ગુના નોંધાયેલા
દેવાયત ખવડ અને સાથીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી સહિત કુલ 5 ગુના નોંધાયેલા છે, જ્યારે અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
શું હતો મામલો ?
20 ફેબ્રુઆરી, 2025ના રોજ સનાથલમાં એક ડાયરાના કાર્યક્રમમાં ખવડની કાર પર હુમલો થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહ અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ, ભગવતસિંહ ચૌહાણે ખવડ સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને ઘટનાઓએ બંને જૂથો વચ્ચે વૈર વધાર્યું.
ખવડનો રાજકોટના બિલ્ડર મયૂરસિંહ રાણા સાથે પણ જૂનો વિવાદ છે. નવેમ્બર 2021માં કાર પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો, જે પછી સમાજના મોભીઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે, બાદમાં રાણા પર ખવડે હુમલો કર્યો હતો, જેમાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પછી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.
આ કેસે ગીર સોમનાથ જિલ્લામાં સનસનાટી મચાવી છે, અને પોલીસે કડક કાર્યવાહીની માગ કરી છે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ









