
Kheda: ખેડા જિલ્લાના માતર અને કપડવંજમાં રસ્તાઓની ખખડધજ હાલતથી નાગરિકો ત્રાહિમામ થયા છે, પણ જેમના હાથમાં સત્તાની ચાવી છે, તે ધારાસભ્યોની બેજવાબદારી અને દબંગાઈએ લોકશાહીના નામે મજાક ઉડાવી છે. એક તરફ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો “રોડ મેં તોડ્યો છે?” જેવો ઉદ્ધતાઈભર્યો જવાબ, તો બીજી તરફ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પર રોડની ટીકા કરનાર યુવક પર હુમલો કરાવ્યાનો આરોપ. આ શું ચાલી રહ્યું છે? શું જનતાના પૈસે બનેલા રસ્તાઓની દુર્દશા પર સવાલ ઉઠાવવો હવે ગુનો બની ગયો છે? શું લોકશાહીમાં અવાજ ઉઠાવનારનું મોં બંદ કરવા ધમકીઓ અને મારપીટ જ બાકી રહ્યાં છે?
માતરના ધારાસભ્યનો ઉદ્ધતાઈ ભર્યો જવાબ- “રોડ મેં તોડ્યો છે?”
માતરના લીંબાસીથી વસ્તાણાં રોડની ખસ્તા હાલતથી કંટાળેલા એક નાગરિકે જ્યારે ધારાસભ્ય કલ્પેશ પરમારને ફોન કરીને પૂછ્યું કે “રોડ ક્યારે બનશે?”, તો જવાબ મળ્યો, “આ રોડ મેં તોડ્યો છે? સરકાર મંજૂર કરશે ત્યારે બનશે.” વાહ, શું જવાબદારી! શું આ રીતે જનતાના પ્રશ્નોનું સમાધાન થાય? શું ધારાસભ્યનું કામ ફક્ત ચૂંટણી જીતવું અને પછી જવાબદારીથી હાથ ઊંચા કરી દેવા? આ રોડના ખાડાઓમાં ફક્ત ગાડીઓ જ નથી અટવાતી, નાગરિકોની આશાઓ પણ તૂટી રહી છે. કલ્પેશભાઈ, જો રોડ તમે નથી તોડ્યા, તો શું તેને બનાવવા માટે તમે રજૂઆત ન કરી શકો? શું આ તમારી જવાબદારી નથી ? શું આ રીતે જનતાના ટેક્સના પૈસાનો હિસાબ આપવાનો? આ ઓડિયો વાયરલ થતા પ્રજામાં ધારાસભ્ય સામે રોષની લાગણી પ્રવર્તી છે.
કપડવંજમાં ખરાબ રસ્તા બાબતે કોમેન્ટ કરનાર યુવક પર ધારાસભ્યના સમર્થકોનો હુમલો
કપડવંજના આંત્રોલી ગામના નિકુંજ પટેલે સોશિયલ મીડિયા પર રસ્તાની ખરાબ હાલત અને ધારાસભ્ય રાજેશ ઝાલા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતી કોમેન્ટ કરી. નિકુંજે લખ્યું કે રોડના ખાડાઓમાં તેઓ અને તેમનું બાળક પડી ગયા હતા. બસ, આટલું લખવું આ યુવકને ભારે પડ્યું! 3 જુલાઈએ ચાર-પાંચ શખ્સો “ધારાસભ્ય બોલાવે છે” કહીને નિકુંજને ગાડીમાં લઈ જવા આવ્યા. નિકુંજે કહ્યું તેઓ તેમની સાથે ગાડીમાં નહીં આવે તેમનું સ્કુટર લઈને આવે છે, પણ આ યુવક પર રસ્તામાં જ હુમલો થયો. શું આ લોકશાહી છે? શું રસ્તાની દુર્દશા પર ટીકા કરવી એટલો મોટો ગુનો છે કે નાગરિકને માર ખાવો પડે? રાજેશભાઈ, જો આ આરોપો “રાજકીય ષડયંત્ર” છે, તો શું આ હુમલો પણ ષડયંત્રનો ભાગ હતો? શું તમારા વિસ્તારના રસ્તાઓની હાલત સુધારવા કરતાં ટીકા કરનારનું મોં બંદ કરવું આટલું સરળ છે? જો તમે નિર્દોષ છો તો તમે કેમ આ મામલે તપાસ નથી કરાવતા કે, આ યુવક પર કોને હુમલો કર્યો આમા ધારાસભ્યએ પોતે તપાસની માંગ કરવી જોઈએ જેથી તેમના પર લાગેલો દાગ ધોવાઈ શકે.
પોલીસની નિષ્ક્રિયતા
નિકુંજ પટેલે હુમલા બાદ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પણ તબીબે વર્ધી લખી હોવા છતાં પોલીસે ફરિયાદ નોંધી નહીં. શું પોલીસનું કામ ફક્ત ધારાસભ્યોની છબી બચાવવાનું છે? શું સામાન્ય નાગરિકનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી? નિકુંજનો આરોપ છે કે ધારાસભ્યના માણસો તેમનું અપહરણ કરવા આવ્યા હતા. જો આ સાચું હોય, તો શું આ લોકશાહીમાં ગુંડાગીરીનું રાજ ચાલે છે? રાજેશ ઝાલાએ કહ્યું કે, “જો ભ્રષ્ટાચાર સાબિત થાય, તો હું જાહેર જીવન છોડી દઈશ.” પણ સવાલ એ છે કે ભ્રષ્ટાચારની તપાસ કોણ કરશે, જ્યારે પોલીસ જ ફરિયાદ નોંધવા તૈયાર નથી?
શું લોકશાહીમાં નાગરિકોનો અવાજ ઉઠાવવો હવે ગુનો ગણાશે?
આ બંને ઘટનાઓ એક જ પ્રશ્ન ઉભો કરે છે કે, શું લોકશાહીમાં નાગરિકોનો અવાજ ઉઠાવવો હવે ગુનો ગણાશે? ખેડા જિલ્લાના રસ્તાઓના ખાડાઓ ફક્ત ગાડીઓને જ નહીં, લોકોના વિશ્વાસને પણ ખાઈ રહ્યા છે. શું ધારાસભ્યોનું કામ ફક્ત ચૂંટણી જીતવું અને પછી જનતાની સમસ્યાઓ પર કટાક્ષ કરવો કે ટીકા કરનારને ડરાવવું? શું જનતાના ટેક્સના પૈસે બનેલા રસ્તાઓની હાલત પર સવાલ ઉઠાવવો એ ગુનો ગણાશે? કલ્પેશભાઈ, રાજેશભાઈ, જનતાએ તમને ચૂંટ્યા છે સમસ્યાઓ ઉકેલવા માટે, નહીં કે તમારી દાદાગીરી સહન કરવા.
ન્યાય ક્યારે મળશે?
જનતા પૂછે છે લોકશાહીમાં અવાજ ઉઠાવવાનો હક્ક ક્યારે મળશે? કપડવંજના નિકુંજ પટેલ પર હુમલો કરનારાઓ સામે પોલીસ ફરિયાદ ક્યારે નોંધાશે? આ ઘટનાઓએ ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો લાવ્યો છે. હવે જોવું રહ્યું કે આ રોડની દુર્દશા અને ધારાસભ્યોની દાદાગીરી સામે જનતાને ન્યાય મળે છે કે પછી આ બધું ફક્ત વાયરલ ઓડિયો અને આરોપોના ઢગલામાં દટાઈ જશે!
અહેવાલ : સરિતા ડાભી