
Nadiad Congress Workers Join BJP: નડિયાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના એક મહિના બાદ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીએ 50 ટેકેદારો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. જેથી ખેડા જીલ્લાના રાજકારણમાં હડકમ મચ્યો છે. કોંગ્રેસને પણ આંચકો લાગ્યો છે.
ચૂંટણી નજીક આવતાં જ ખેડા જીલ્લાનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શનિવારે કમલમ ખાતે નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારી ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે જ કોંગ્રેસના 50 કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા છે. જેથી ખેડામાં કોંગ્રેસ પાર્ટીને પડતાં પર પાટુ પડ્યું છે. આક્ષેપ છે કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી થઈ ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ સાથ ન આપ્યો. જેથી અંતે ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપમાં જોડાયા બાદ રાજુ રબારીએ કહ્યું હું વિધિવત રીતે કોંગ્રેસ છોડી 50 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધારાસભ્ય પંકજ દેસાઈને ધ્યાનમાં લઈને ભાજપમાં જોડાયા છીએ. આવનારા દિવસોમાં નડિયાદમાં વિકાસના કામો કરીશું.
રાજુ રબારી સાથે શું થયું હતુ?
એક મહિના પૂર્વે નડિયાદ કોર્પોરેશન કચેરીમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં રાજુ રબારીને માર્યા હતા. જેનો એક વીડિયો પણ વાયુવેગે વાઈરલ થઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કોર્પોરેશન કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન કોઈ વાતે બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર એક બીજાને માર માર્યો હતો. વિવાદ વધતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને બન્નેને શાંત પાડ્યા હતા.
આ પણ વાંચો:
Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો
Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું









