
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાંથી LPG ગેસ રિફિલિંગનુ રેકેટ તાજેતરમાં ઝડપાયું હતુ. પોલીસે શહેરના વિસ્તારમાંથી આ કૌંભાંડને ખુલ્લુ પાડ્યું હતુ. જો કે કૌંભાડનો મુખ્ય આરોપી કેટલાંક દિવસથી ફરાર હતો. ત્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
26 ડિસેમ્બરે નડિયાદ શહેરમાં માઈ મંદિર રોડ પર સાવલિયા પંપીંગ સ્ટેશન પાસેની નવરંગ સોસાયટીમાંથી આ કૌભાંડ પકડાયું હતુ. સોસાયટીના રહેણાંક મકાનમાં એક ઈસમ ગેસ સિલિન્ડરો લાવી વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતુ. 70 જેટલી બોટલો ગેરકાયદેસરની જપ્ત કરાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કિરીટ પટેલની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.
આ દરમિયાન મંગળવારે સવારે નડિયાદ પશ્ચિમ પોલીસે તેના ઘર પાસેથી કિરીટ પટેલને ઝડપી પાડયો હતો. જે બાદ પોલીસે કિરીટ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. જેમાં ગેસ બોટલ ક્યાથી લાવતા હતા, કોને વેચતા હતા, આ સમગ્ર કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે, રીફલિંગની મોટર સહિતના સાધનો ક્યાંથી લાવ્યો, મદદગારીમાં કોણ કોણ હતા, ગેસ એજન્સીની સંડોવણી છે કે કેમ સહિતની કોર્ટેમાં દલીલો કરી હતી. જેથી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી કિરીટ પટેલના ગુરૂવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હાલ આ મામલે પોલીસે તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.