
Nadiad ST conductor video viral: ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)ના ઉત્સાહ સાથે જાહેર કરાયેલા સૂત્રો, “સલામત સવારી એસટી અમારી” અને “હાથ ઊંચા કરો બસ રોકો”, હવે માત્ર કાગળ પરના શબ્દો લાગે છે, કારણ કે ધુવારણથી આણંદ થઈ નડિયાદ આવતી એસટી બસ (નંબર 7399)ના કંડક્ટર વિનોદ પરમાર (બેચ નંબર 4568)ની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કંડક્ટરે એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે માારામારી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે. જોકે આ વીડિયો બાદ એસટી તંત્રએ ભીસમાં આવ્યા બાદ કંડક્ટરને સસ્પેન્ડ કરકી દેવામાં આવ્યો છે.
દિવ્યાંગ વિદ્યાર્થી પર જોર કર્યું
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ હેઠળ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા દિવ્યાંગોને અસલ પાસ આપવામાં આવે છે, જેના આધારે તેઓ રાજ્યભરની એસટી બસોમાં મફત મુસાફરી કરી શકે છે. આ ઘટનામાં સામેલ દિવ્યાંગ વિદ્યાર્થી, જે નિયમિત રીતે ધુવારણથી આણંદ થઈ નડિયાદ કોલેજે જવા માટે આ બસમાં અપ-ડાઉન કરે છે, તેની પાસે પણ આવો અસલ પાસ હતો.
પાસને લઈ થઈ હતી માથાકૂટ
આ ધવલ ચૌહાણ નામનો દિવ્યાંગ વિદ્યાર્થી એસટીના નિયમો અને કંડક્ટરોના વલણથી સારી રીતે વાકેફ હતો. ટિકિટ ચેકિંગ વખતે આ દિવ્યાંગ વિદ્યાર્થીએ કંડક્ટર વિનોદ પરમારને પોતાનો અસલ પાસ બતાવ્યો. જોકે, કંડક્ટરે આ પાસને “નકલ” ગણાવી અને વિદ્યાર્થીને ટિકિટ ખરીદવાનું કહ્યું. આ બાબતે બંને વચ્ચે શાબ્દિક રકઝક થઈ, અને કંડક્ટરે ટિકિટ લેવાની જબરજસ્તી કરી. વિદ્યાર્થીએ પોતે દિવ્યાંગ હોવાનું અને અસલ પાસ ધરાવતો હોવાનું વારંવાર જણાવ્યું, પરંતુ કંડક્ટરના અણઘટ દબાણ અને રસ્તામાં ઉતારી દેવાના ડરથી આખરે વિદ્યાર્થીએ મજબૂરીવશ ટિકિટ ખરીદી લીધી.
આ અન્યાયની ફરિયાદ કરવા માટે વિદ્યાર્થીએ કંડક્ટરનું નામ પૂછ્યું, પરંતુ કંડક્ટરે કોઈ જવાબ ન આપ્યો. આથી વિદ્યાર્થીએ પોતાના ફોનથી કંડક્ટરનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, જેથી તેની ફરિયાદ માટે પુરાવો રહે. આનાથી ગુસ્સે થયેલા કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થી પર હાથ ઉગામ્યો અને મારપીટ કરી, જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. એસટીના “સલામત સવારી”ના દાવાને આ ઘટનાએ ખોટા પાડ્યા છે, કારણ કે દિવ્યાંગ વિદ્યાર્થીને જ સલામતીનો ભય ઊભો થયો હતો.
ફરિયાદ દાખલ ખાવા માટે ધક્કા ખાવા પડ્યા
આરોપ છે કે ન્યાયની રાહમાં અવરોધઆ ઘટના બાદ, દિવ્યાંગ વિદ્યાર્થીએ પોતાના પરિવાર સાથે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોંચ્યો. જોકે, નડિયાદ ટાઉન પોલીસે ગુનો તેમની હદમાં ન બન્યો હોવાનું જણાવી, ફરિયાદીને વડતાલ પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી. વડતાલ પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી ન લેતાં, વીડિયોની તપાસ કરી અને ગુનો આણંદ રૂરલની હદમાં (લાંભવેલ પાસે) બન્યો હોવાનું જણાવી ફરિયાદીને આણંદ જવા ધકેલ્યા હતા.
આ બાબતે એક પોલીસ અધિકારીએ ઝીણવટભરી તપાસનો દાવો કર્યો, પરંતુ આવી તપાસ એક દિવ્યાંગની સાચી ફરિયાદ નોંધવામાં અવરોધરૂપ બની.આ ઘટનાએ પોલીસ વિભાગની સંવેદનશીલતા અને દિવ્યાંગો પ્રત્યેના વલણ પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. નાગરિકો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે જો ખોટા ગુના નોંધવામાં પોલીસ આટલી ત્વરિત હોય, તો દિવ્યાંગની સાચી ફરિયાદ નોંધવામાં આટલી અડચણો કેમ?
શું ઝીરો એફઆઈઆર નોંધીને આ ઘટનાને આણંદ પોલીસને ન ટ્રાન્સફર કરી શકાત? એસટી વિભાગની નિયમોની અવગણનાએસટી વિભાગના નિયમો અનુસાર, દિવ્યાંગોના પાસમાં કોઈ પંચિંગની જરૂર નથી, અને જો પાસની નકલ હોય તો પણ, મુસાફરના ચહેરા અને અન્ય ઓળખપત્રો (જેમ કે આધાર કાર્ડ અથવા ડિજિટલ ડોક્યુમેન્ટ)ની ખરાઈ કરી શકાય છે. જો કંડક્ટરને પાસ શંકાસ્પદ લાગે, તો તે ડેપો મેનેજર સમક્ષ ખરાઈ કરી શકે છે અથવા જો પાસ ખરેખર નકલી હોય તો પોલીસ ફરિયાદ પણ નોંધી શકે છે. પરંતુ આ કિસ્સામાં, દિવ્યાંગ વિદ્યાર્થીનો પાસ અસલ હોવા છતાં, કંડક્ટરે ખોટું દબાણ કર્યું અને મારપીટ સુધીનું પગલું ભર્યું.
ડેપો મેનેજરે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી
નડિયાદમાં એસટી કંડક્ટરની શરમજનક દાદાગીરી: દિવ્યાંગ વિદ્યાર્થી પર હાથ ઉગામતો વીડિયો વાયરલ #ગુજરાતરિપોર્ટ #ગુજરાતએસટી #નડિયાદ #ખેડાપોલીસ #NADIAD #KHEDA #gujaratsamachar pic.twitter.com/Q5mbnQ6op3
— The Gujarat Report (@TGujarat_Report) July 13, 2025
નડિયાદ ડેપો મેનેજર કે.કે. પરમારે આ ઘટનાને ગંભીર ગણાવી અને કંડક્ટર વિનોદ પરમાર સામે નિયમોનુસાર કડક કાર્યવાહીની ખાતરી હતી. તેમણે જણાવ્યું, “કંડક્ટરે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, અને બસ નંબર 7399માં ફરજ બજાવતા કંડક્ટરની ઓળખ પણ થઈ ગઈ છે.” જોકે, આ ઘટનાની જાણ સૌપ્રથમ સોશિયલ મીડિયા દ્વારા થઈ હોવાનું ડેપો મેનેજરે સ્વીકાર્યું હતુ. જે બાદ કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યા છે. શું સરકાર દ્વારા દિવ્યાંગોને આપવામાં આવેલા હક્કોનું રક્ષણ થઈ રહ્યું છે? શું એસટીના કર્મચારીઓને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે પૂરતું તાલીમ આપવામાં આવે છે? અને સૌથી મહત્વનું, શું આવા કંડક્ટરો અને નિષ્ક્રિય પોલીસ તંત્ર સામે કડક પગલાં લેવાશે? કે હવે સસ્પેન્ડ કર્યા એટલે બસ થઈ ગયું.
આ પણ વાંચોઃ
Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!