
- પાકિસ્તાની સેનાએ ભારતના 4 રાફેલ ફાઈટર જેટ્સ અને અનેક હવાઈ ઠેકાણા નષ્ટ કર્યાના દાવા.
- ભારતે સિઝફાયર કરવાની આજીજી કરતાં ટ્રમ્પના કહેવા પર પાકિસ્તાને યુદ્ધવિરામ સ્વિકાર્યો!

Pakistan । ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી આજદીન સુધી કહ્યાં કરે છે કે, ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે. ટ્રમ્પ ભલે 40થી વધુ વખત બોલ્યો કે સિઝફાયર તેણે કરાવ્યું પણ, સ્વ-ઘોષિત નોન-બાયોલોજીકલ મહામાનવ હજી સુધી ટ્રમ્પને બે શબ્દોમાંય જવાબ આપી શક્યાં નથી. ત્યારે પાકિસ્તાનની સ્કૂલના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરની નિષ્ફળતા અંગેનો પાઠ ઉમેરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આ પુસ્તક કયા ધોરણના બાળકોને ભણાવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાને શાળાના પાઠ્યપુસ્તકમાં ભારત સાથે થયેલાં ચાર દિવસીય ઘર્ષણ અંગેનો પાઠ સામેલ કર્યો છે, જેમાં પાકિસ્તાને પોતાની આદત પ્રમાણે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં છે. અને અનેક જુઠ્ઠા દાવાઓ કરી, જાણે પોકળ દાવાઓ કરવામાં મોદીને પછાડવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
ઇન્ડિયા ટેક એન્ડ ઇન્ફ્રા દ્વારા એક્સ પર કરાયેલી પોસ્ટમાં પાઠ્યપુસ્તકનું એક પાન બતાવવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન – ઇન્ડિયા વોર 2025 ટાઈટલ ધરાવતો લેખ જોવા મળે છે. જેમાં એવો દાવો કરાયો છે કે, ભારતે 7 મે 2025ના રોજ કોઈપણ કારણ વગર પાકિસ્તાન પર હુમલો કર્યો હતો અને કશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલાનો ખોટો આરોપ લગાડ્યો હતો.
પુસ્તકમાં દાવો કરાયો છે કે, ભારતે યુદ્ધ શરૂ કર્યું, પાકિસ્તાની સેનાએ વળતો જવાબ આપતાં ભારતના 4 રાફેલ ફાઇટર જેટ્સ અને અનેક હવાઇ ઠેકાણા નેસ્તાનાબૂત કરી નાંખ્યા હતાં.
Pakistani version of the recent events in a text book. pic.twitter.com/bs37Rm9asL
— Indian Tech & Infra (@IndianTechGuide) July 29, 2025
પાકિસ્તાનની સ્કૂલના પાઠ્યપુસ્તકમાં કરાયેલા દાવાઓ
1. ભારતે યુદ્ધની શરૂઆત કરી હોવાનો દાવો કરતાં લખવામાં આવ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતે ખોટી રીતે પાકિસ્તાનને દોષિત ગણાવી હુમલો કર્યો, જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં. પાકિસ્તાને ભારતના આક્ષેપોને ફગાવ્યા હતાં. તેમ છતાં ભારતે 7 મે ના રોજ હુમલો કર્યો હતો.
જ્યારે મોદી સરકારની સત્તાવાર માહિતી અનુસાર, 22 એપ્રિલ 2025ના રોજ કશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિક આતંકવાદીઓએ ધર્મ પુછીને 26 નાગરીકોની હત્યા કરી હતી. જેના જવાબમાં ભારતે 7 મે ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. અને લશ્કર-એ-તૈયબા, જૈસ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. મોદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે પાકિસ્તાનની સેનાના કે નાગરીકોનાં ઠેકાણાઓને નિશાન બનાવ્યા નહોતાં.
જોકે, આજદીન સુધી મોદી સરકારે પહેલગામ હુમલા પાછળ કયું આતંકવાદી સંગઠન જવાબદાર છે? આ પ્રશ્નનો સત્તાવાર તથ્ય સાથેનો જવાબ આપ્યો નથી. એ માત્ર જાણ ખાતર.
2. પાકિસ્તાને માત્ર મિલિટ્રી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતાં તેવો પણ દાવો કરાયો છે અને લખ્યું છે કે, પાકિસ્તાની સેનાએ બહાદુરીપૂર્વક પ્રોફેશનલ રીતે જવાબ આપ્યો હતો. પાકિસ્તાને 4 રાફેલ જેટ તોડી પાડ્યા હતાં અને ભારતીય કશ્મીરમાં અનેક સૈનિક ઠેકાણાઓ નેસ્તાનાબૂત કરી નાંખ્યા હતાં.
જ્યારે મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારતે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન વળતો હુમલો કરશે તો તે વધુ સખત હુમલા કરશે. તેમ છતાં પાકિસ્તાને અમૃતસર, જમ્મૂ, શ્રીનગર સહિત 26 જગ્યાઓ પર ડ્રોનથી હુમલા કર્યા હતાં. જેમાં ઘણાં સિવિલ વિસ્તારો હતાં. ભારતે વળતી કાર્યવાહી કરીને લાહોર અને પાકિસ્તાનના HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી. તેમજ સિયાલકોટ અને ઇસ્લામાબાદ પર હુમલા કર્યા હતાં.
આપની માત્ર જાણ ખાતર, ટ્રમ્પ દ્વારા પણ રાફેલ તોડી પડાયા હોવાના દાવા કરાયા છે. તેમ છતાં આજદીન સુધી 56 ઇંચની છાતી હોવાનો દાવો કરનારી મોદી સરકારે ભારતીય જનતાને વિશ્વાસ બેસે તેવી કોઈ જ સ્પષ્ટતા કરી નથી. બીજાના દાવાઓ ખોટા હોવાનું રટણ રટ્યાં કરતી મોદી સરકાર ટ્રમ્પના દાવાને ખોટો ગણાવવામાં ગેંગેફેંફે કરી રહી છે.
3. ભારતે સિઝફાયર માટે આજીજી કરી હતી તેવો દાવો કરતાં પાઠ્યપુસ્તકમાં લખાયું છે કે, ભારે નુકસાન પહોંચ્યા બાદ ભારતે સીઝફાયર કરવા માટે કરગરીને આજીજી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર અપીલ કરતાં આખરે પાકિસ્તાને યુદ્ધવિરામ સ્વિકારી લીધું હતું.
આ દાવા અંગે મોદી સરકાર હજી સુધી ખોંખારીને તો કંઈ જ કહી શકી નથી. પણ, જે કંઈ વાતો જાહેર કરાઈ છે એ પ્રમાણે તો 10 મે ના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પીએમ મોદીને ફોન કરી યુદ્ધવિરામની વાત કરી હતી. જેમાં સાચું ખોટું તો રામ જાણે પણ, એવું જાહેર કરાયું કે, મોદીએ કહ્યું હતું કે કોઈ મધ્યસ્થતા નહીં થાય અને પાકિસ્તાન રોકાશે નહીં તો સખત કાર્યવાહી કરાશે.
પરંતુ આશ્ચર્યજનક રીતે એ જ દિવસે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી અને કહ્યું કે, પાકિસ્તાન હુમલા રોકવા માટે તૈયાર છે. બાદમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ સીધી વાત કરી અને પછી યુદ્ધવિરામ અંગે સહમતી સધાઈ હતી.
હવે મોદી સરકારે જાહેર કરેલી માહિતી પર જ ઘણાં પ્રશ્નો ઉભા થાય છે, એક તો જેડી વેન્સને ખબર નહોતી કે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર છે? નરેન્દ્ર દામોદરદાસ મોદીની એટલી હિંમત હોઇ શકે ખરી કે ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ સામે છાતી કાઢીને વાત કરી હોય? (નોંધ- જો ખરેખર કરી હોત તો એનો વિડીયો જાહેર કરીને મત મેળવવાનું ક્યારનુંય શરૂ કરી દીધું હોત.) અને જો મોદી સરકારે જાહેર કરેલી વિગતોમાં ક્યાંય ડોલાન્ડ ટ્રમ્પનો ઉલ્લેખ જ નથી તો પછી, સિઝફાયર કરાવ્યાનો જશ સૌથી પહેલાં મોદીના મિત્ર ડોલાન્ડ ટ્રમ્પે શું કામ લીધો? અને તે પછી વારંવાર શું કામ બોલ્યા કર્યા? ડોલાન્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને એક સમાન સ્તરે મુકવાની હિંમત કેવી રીતે કરી? આ સહિતના અનેક પ્રશ્નોના ઉત્તર આપવાનું ગજું – હિંમત કે નૈતિકતા મોદી સરકાર પાસે હોય તેવી કોઈ અપેક્ષા રાખવી એ પોતાની જાતને અંધભક્ત કરતાં પણ વધુ મૂર્ખ સાબિત કરવા જેવું છે.
જોકે, પાકિસ્તાનની સરકારે બાળકોને જુઠ્ઠુ ભણાવવાનું શરૂ કર્યું છે એટલે જરૂરથી આ ક્ષેત્રમાં પાકિસ્તાનને પછાડવા માટે નરેન્દ્ર દામોદરદાસ મોદી અને જય શાહના પપ્પા એક્ટિવ થઈ ગયાં હશે. ઓપરેશન સિંદૂરની સફળતાનો ડંકો પીટવા માટે પાઠ્યપુસ્તકોમાં કેવા ફેરફાર કરવા તે માટે બેઠકો મળવાની શરૂ થઈ ગઈ હોય તો પણ નવાઈ નહીં.







