General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?

અહેવાલ : ડૉ. જયનારાયણ વ્યાસ 

General Munir: પાકિસ્તાની સૈન્યના વડા જનરલ આસિફ મુનીર આજકાલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લાડકા બન્યા છે. જનરલ મુનીર સેવામાં ચાલુ હોય એવા પાકિસ્તાની સૈન્યના પ્રથમ વડા છે, જેમને અમેરિકાન પ્રમુખે પોતાની સાથે ભોજન લેવા નિમંત્રીને બહુમાન કર્યું હોય. પાકિસ્તાનના રાજકારણમાં આ કહેવાતો લોકશાહી દેશ સામાન્ય રીતે તો સૈન્યના ઇશારે એના વડાપ્રધાન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચાલતા હોય એવા પ્રકારની નિયંત્રિત લોકશાહીને અનુસરે છે. આજકાલ ડોનાલ્ડ બારે મેઘ ખાંગા થયા હોય તેમ પાકિસ્તાન ઉપર પોતાનું હેત અનારાધાર વરસાવી રહ્યા છે. પોતાને પાકિસ્તાન ખૂબ પ્રિય દેશ છે, એવું કહેનાર અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં પણ એમના કુટુંબના વ્યાપારી હિતોનો ઊંડો પાયો ક્રિપ્ટો કરન્સીનું સંચાલન કરતી કંપની રૂપે નાખ્યો છે. આમ, પાકિસ્તાન સાથે એમને માત્ર રાજકીય સમીકરણો જ વિકસાવવામાં રસ છે એવું નથી, પોતાને અથવા પોતાના કુટુંબને ફાયદો થાય એ પ્રકારના વ્યાપારી અથવા વ્યાવસાયિક સમીકરણો પણ તેઓ વિકસાવી રહ્યા છે.

પાકિસ્તાનની વિદેશનીતિને પણ દાદ આપવી રહી. એક આંગળીએ એ અમેરિકાને, બીજી થકી રશિયાને અને ત્રીજી થકી ચીનને એમ ત્રણેય મોટી સત્તાઓને એક સાથે રમાડી રહ્યું છે. ત્રાસવાદીઓના પિયર સમા પાકિસ્તાનને યુનાઇટેડ નેશન્સે આતંકવાદ વિરોધી સમિતિમાં ઉપાધ્યક્ષપદ મળે અને એક કરતાં વધુ રીતે પણ ખાસ તો ઑપેરશન સિંદૂર વખતે ખુફિયા માહિતીથી માંડી શસ્ત્રો સુધી ચીન પૂરું પાડે એ પાકિસ્તાનને ભલે આપણે બીજી બધી રીતે વખોડીએ પણ વિદેશનીતિના મોરચે એ કેટલા કુનેહથી પોતાનાં પત્તાં ઉતરે છે એનું આદર્શ ઉદાહરણ છે.

આથી તદ્દન વિપરીત અમેરિકાને ભારત સાથે વાંકું પડ્યું છે. રશિયા પહેલા યુક્રેનની મુલાકાત લઈને ભારતે રશિયાને પણ થોડું દુઃખી કર્યું હતું. જોકે હવે આ તિરાડ સંધાઈ જતી હોય તેમ લાગે છે. ખાસ કરીને અજિત ડોભાલની તાજેતરની રશિયાની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીનું નિમંત્રણ પુતિને સ્વીકાર કરી ભારત આવવાનું જાહેર કર્યું તે રશિયા સાથે સુધરતા જતા સંબંધોની મિશાલ છે. ભારત અને રશિયાની મૈત્રી ઘણી જૂની છે અને અત્યાર સુધી રશિયા ભારતનું ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધને બાદ કરતાં એક વિશ્વાસુ સાથી રહ્યું છે.

ચીન સાથેનો આપણો વ્યાપાર વધતો જ જાય છે. આજે ચીન ભારતનું પહેલા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે. જોકે ચીન સાથેના વ્યાપાર સમતોલનમાં એ લગભગ 80 અબજ ડૉલરની ખાધ દર્શાવે છે અને આવનાર સમયમાં ચીનની ભારતમાં નિકાસ વધે તો આ ખાધ 100 અબજ ડૉલરને પણ પસાર કરી દે તો નવાઈ પામવા જેવું નહીં હોય. આ હકીકત જોતાં ચીન ભારત સાથે સંબંધો જાળવી રાખવામાં પોતાનું હિત સમજતું થયું છે એ વાત સ્વાભાવિક છે.

વળી પાછા જનરલ આસિફ મુનીરની વાત પર આવીએ. તેઓ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. સૈન્યના વડા છે એટલે એમની ભાષામાં ઉન્માદ તો રહેવાનો જ. એમણે અમેરિકાની ધરતી ઉપરથી એવી ચેલેન્જ ફેંકી છે કે, ‘અમારી સાથે જો કોઈ પણ પ્રકારનું યુદ્ધ કે અણુયુદ્ધ ખેડવામાં આવશે તો પાકિસ્તાનની સાથે સાથે અડધી દુનિયાનું અસ્તિત્વ ખતમ થઈ જશે!’

અણુશસ્ત્રો ધરાવતાં ઉ. કોરિયા, ઇઝરાયલ કે પાકિસ્તાન જેવા વાંદરાના હાથમાં નિસરણી આપો તો શું થાય? આ વારંવાર યુદ્ધના ઉન્માદમાં રાચતા રાષ્ટ્રોમાંના એક છે. અમેરિકાની ધરતી પરથી અપાયેલું જનરલ મુનીરનું આ ઉશ્કેરણીજનક વિધાન કે, ‘હમારે સાથે તુમ્હેં ભી લે ડૂબેંગે સનમ’ પાકિસ્તાનના યુદ્ધખોર માનસનું લક્ષણ દર્શાવે છે. ભારત સાથેની લડાઈમાં જો એમનો દેશ પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસે તેવી પરિસ્થિતિ તરફ ધકેલાશે તો તરત જ તેઓ અણુયુદ્ધની વિભીષિકા છોડી મૂકતાં જરા પણ વિચાર નહીં કરે.

ટૂંકમાં, પાકિસ્તાનના લશ્કરી વડાનું એવું કહેવુ છે કે, અમારું જે થવું હશે તે થશે, અમે તો ડૂબીશું પણ દુનિયાના નકશા ઉપરથી ભારતનું તો નામોનિશાન મિટાવી દે એવાં અણુશસ્ત્રો અમારી પાસે છે. વૉશિંગ્ટનમાંથી તેમણે કરેલું આ વિધાન ઘણી બધી બાબતો તરફ અંગૂલિનિર્દેશ કરી જાય છે. જનરલ મુનીર અમેરિકામાં ટેમ્પા ખાતે યોજાયેલ એક પ્રસંગમાં વક્તવ્ય આપી રહ્યા હતા. હજુ ચાર દિવસ પહેલા જ ક્રમશઃ હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેંકાયેલ એટમ બૉમ્બની વરસી ગઈ હતી. આ કરુણાંતિકામાં ૮૦,૦૦૦ ઉપર માણસો દાઝવા તેમજ અણુકિરણોત્સર્ગથી મરી ગયા હતા જ્યારે લગભગ સવા લાખ જેટલા માણસો ઘવાયા હતા. આમાંના થોડા ઘણા જે હજુ જીવિત છે તે ૯૦ આસપાસના વયજૂથના છે.

અત્યારના અણુશસ્ત્રોની જે વિનાશક શક્તિ છે, એની સામે જાપાનને નમાવવા માટે અમેરિકા દ્વારા વપરાયેલ અણુબૉમ્બ તો એક નાનકડી રજ સમાન ગણાય. આજે ઉપલબ્ધ અણુશસ્ત્રોમાંથી, ‘ન કરે નારાયણ’ અને મુંબઈ ઉપર આવું કોઈ શસ્ત્ર ફેંકાય તો તાત્કાલિક અસરથી 30 થી 40 લાખ માણસો મોતને ભેટે અને એના વિસ્ફોટને કારણે જે ક્રેટર એટલે કે વાડકા જેવો ખાડો પડે તેમાં દરિયાનું પાણી ધસી આવતા જે તબાહી થાય તેની તો કલ્પના જ કરવી રહી.

અમેરિકા અત્યારે સંપૂર્ણપણે પાકિસ્તાનને રમાડી રહ્યું છે. ચીન પણ પાકિસ્તાનને સેટેલાઇટ થકી જાસૂસી ઉપરાંત અદ્યતન લશ્કરી સાજ-સરંજામ આપી રહ્યું છે ત્યારે જનરલ મુનિરની આ ધમકી હળવાશથી લેવાય તેમ નથી. અમેરિકાને લાગેવળગે છે ત્યા સુધી તો પેલી હિન્દી પંક્તિઓઃ

‘હસીનોં સે તો બસ સાહબ સલામત દૂર કી અચ્છી;

ન ઈનકી દોસ્તી અચ્છી, ના ઇનકી દુશ્મની અચ્છી.’

અત્યારે જ્યારે જગતમાં ચારે તરફ ઉકળતા ચરુ જેવું વાતાવરણ છે, એવા સમયે અને તે પણ ભારત પાકિસ્તાન વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ જેવી એક મર્યાદિત અથડામણ થઈ ચૂકી છે ત્યારે જનરલ મુનીરની આ ધમકીને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ. સાથે સાથે એ અમેરિકાની ધરતી પરથી ઉચ્ચારાઈ છે માટે ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદૂતને બોલાવીને આ બાબતે ભારતની નારાજગી તેમજ ચિંતા વ્યક્ત કરવા જોઈએ.

આ પણ વાંચો:  

PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”

Indian Citizen in US: અમેરિકામાં કુહાડીના ધડાધડ ઘા ઝીંકી બારડોલીના યુવકનું માથું ધડથી છૂટું કરી દેવાયું

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી

Related Posts

PM Modi News:”અમરસિંહ ચૌધરીને ઉંધે ઘોડે બેસાડીશું” ભાજપના નેતાઓ અભદ્ર વાતો કરતા આવ્યા
  • November 8, 2025

PM Modi News: હાલમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં કેટલાક ઉલટ પુલટ નિવેદનો કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે, તેઓ આ પ્રકારના નિવદેનો આપી…

Continue reading
Ahmedabad: ચૂંટણી ટાણે દારુ, ચવાણું વહેંચનારાઓ વિશાળ ડિમોલિશન થયું પણ ના ફર્યા, સ્થાનિકોએ BJP સરકારને શું કહ્યું?
  • November 7, 2025

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરી વિકાસના માર્ગમાં મહત્વની કડી તરીકે રણુજાનગર વિસ્તારમાં  ગઈકાલે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોધપુર વોર્ડ નં. 20માં આવેલા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 11 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 14 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 15 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 16 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

  • November 11, 2025
  • 11 views
 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

  • November 11, 2025
  • 9 views
Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી