
Panchmahal Rain: ભાદરવાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આજે વહેલી સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો, જેના લીધે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.
હાલોલમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત
9 ઈંચ વરસાદના કારણે હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. મુખ્ય રસ્તાઓ પર પાણીનો ધોધ વહેતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે, અને લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો, જેના લીધે શહેરના રસ્તાઓ અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ, જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
તંત્રએ લોકોને કરી અપીલ
હાલોલમાં ભારે વરસાદથી રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયા છે, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને તંત્રે એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના 66 તાલુકાઓમાં ભારે વરસાદ
આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 66 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 129 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં તાપી જિલ્લાના ડોલવણમાં સૌથી વધુ 6.34 ઈંચ વરસાદ નોંધાયો. ડાકોર-નડિયાદ રોડ પર પણ પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો.
અત્યાર સુધીમાં કેટલો વરસાદ ખાબક્યો ?
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 88% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં 43 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુરુવારે 103 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો, જેમાં ડોલવણમાં 2 કલાકમાં 5 ઈંચ સહિત કુલ 7 ઈંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
માછીમારોને 7 દિવસ દરિયો ન ખેડવાની સલાહ
હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 7 દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:
Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?
Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?
UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા
વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ