
- પ્રેમાનંદ મહારાજે હોળી ઉપર હિન્દુ સમાજને આપ્યો મહત્વપૂર્ણ સંદેશ
દેશભરમાં હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે ઊજવવામાં આવે છે. આ તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો ઉત્સાહપૂર્વક હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવીને પોતાના જીવનમાં રંગ પૂરે છે. હોળીને દુષ્ટાચાર પર સદાચારની જીતના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે. તેથી નશાામં આવ્યા પછી તેઓ પોતાની આસપાસનો માહોલને પણ ખરાબ કરવા લાગે છે. અમુક લોકો તો આ દિવસે એકબીજાના ચહેરા પર કાળી શાહી લગાવે છે અને ગંદકી ભરેલા નાળામાં પણ પાડી દે છે. આવા લોકોને પ્રેમાનંદ મહારાજે હિરણ્યકશ્યપ પ્રજાતિના ગણાવ્યા છે.
પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર હોળી એકબીજાની સાથે પ્રેમથી રમવી જોઈએ. આ દિવસે તમે એકબીજાને ગુલાલ લગાવો અને ભગવાનને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તેમણે સમસ્ત દેશવાસીઓને હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવાની પણ અપીલ કરી. નશો કોઈ પણ ઉત્સવને ખરાબ કરી શકે છે.
હોળીને શાંતિથી ઉજવવી જોઈએ. આ દિવસે એકબીજાને પ્રેમ ભાવથી ગુલાલ લગાવવો જોઈએ અને ભગવાનને મીઠાઈથી ભોગ લગાવવો જોઈએ અને એકસાથે બેસીને ભજન ગાવા જોઈએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે આ દિવસે ભગવાનનું નામ લેતાં હોળીનો આનંદ લેવો જોઈએ.
જોકે વર્તમાન સમયમાં ભારતમાં હોળી સહિતના તમામ ધાર્મિક પર્વોની દિશા બદલાઈ ગઈ છે. હોળીના દિવસે પણ લઘુમતી સમાજના ધાર્મિક સ્થાનો આગળ જઈને ઉન્માદ મચાવવામાં આવી રહ્યુ છે. હોળીના દિવસે અન્ય ધર્મના લોકોને ટાર્ગેટ કરીને અરાજકતાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં તો મુસ્લિમોને નમાઝનો સમય પણ બદલવાનું કહી દેવામાં આવ્યું છે.
તો અનેક એવા વીડિયો પણ સામે આવી રહ્યા છે કે, હોળીનો તહેવાર પ્રેમપૂર્વક ઉજવવાની જગ્યાએ મસ્જિદ સામે શોર-શરાબો કરીને નફરતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ બધુ સરકારની દેખરેખમાં ખુબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. લોકોને જાણિજોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. લોકો પોતાની તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ ભુલીને એકમાત્ર નફરતને સ્વીકારીને ધાર્મિક ઉન્માદમાં રાચતો રહે તેવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે.
હિન્દુ સમાજ અને સંસ્કૃતિને આડે પાટે ચઢાવી દેવામાં આવી છે. એક સમય હતો કે, હિન્દુ-મુસ્લિમ હોળી-ધૂળેટી, ઈદ ભેગા મળીને ઉજવતા હતા. પરંતુ આજે બંને સમાજ વચ્ચે તિરાડો ઉભી કરી દેવામાં આવી છે. એક તરફ મુસ્લિમોને હિન્દુ ઉત્સવમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, તો બીજી તરફ હોળી ઉપર હિન્દુઓને મુસ્લિમો ઉપર રંગ લગાવવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ પહેલાથી જાહેરાતો કરવામાં આવે છે કે, કોઈ મુસ્લિમ નવરાત્રીમાં આવવો જોઈએ નહીં.
આમ મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે ખાઈ ખોદવામાં આવી રહી છે. આ ખાઈ નફરત અને ટોળાશાહી દ્વારા ખુબ જ મેનેજમેન્ટ સાથે ખોદવામાં આવી રહી છે. જે વર્તમાન સમયમાં ખુબ જ ઉંડી પણ થઈ ગઈ છે. નફરતમાં અંધ બનેલા લોકોના ટોળા મસ્જિદો સામે ડિજેના તાલે ઝૂમી રહ્યા છે. તેમનું પોતાનું ભવિષ્ય અંધકારમાં છે. કેમ કે એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ રોજગાર નથી.
આ પણ વાંચો- ચમચી કૌભાંડ: મધ્ય પ્રદેશ સરકારે ₹800માં ચમચી તો 1300 રૂપિયામાં ખરીદ્યો ચમચો







