
Raghuraj Singh AMU Controversy: ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઠાકુર રઘુરાજ સિંહ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) અને જામિયા મિલિયા ઇસ્લામિયાને ‘આતંકવાદનો અડ્ડો’ ગણાવીને બંધ કરવાની ધમકી આપ્યા બાદ વિવાદ ઊભો થયો છે. જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA)એ મંત્રીનાં નિવેદનોની આકરી ટીકા કરતાં તેમને મંત્રીમંડળમાંથી હટાવવાની અને તેમની વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવતી આવી ટિપ્પણીઓ સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે અને દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિશાન બનાવી શકે છે.
બુધવારે (11 નવેમ્બર) જાહેર કરવામાં આવેલા નિવેદનમાં JKSAએ રઘુરાજ સિંહની ટિપ્પણીઓને સાંપ્રદાયિક અને ઉશ્કેરણીજનક ગણાવી હતી. સંગઠનના જણાવ્યા અનુસાર, આવી ભાષાનો ઉપયોગ વિદ્યાર્થીઓને બદનામ કરવા ઉપરાંત યુનિવર્સિટીનાં પરિસરોમાં ભય અને દુશ્મનાવટનું વાતાવરણ ઊભું કરી શકે છે. સંગઠને ઉત્તર પ્રદેશ સરકાર અને BJPના નેતૃત્વને આ મામલે જવાબદારીપૂર્વક પગલાં લેવા અપીલ કરી છે.
રઘુરાજ સિંહે બંને યુનિવર્સિટીઓ બંધ કરવાની વાત કરી
મંગળવારે (10 નવેમ્બર) વિવિધ ટીવી ચૅનલો અને એક સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન ઉત્તર પ્રદેશના મંત્રી ઠાકુર રઘુરાજ સિંહે AMU અને જામિયા મિલિયા ઇસ્લામિયા અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ બંને યુનિવર્સિટીઓ ‘હિન્દુ કરદાતાઓના પૈસા’થી ચાલે છે, પરંતુ ત્યાં ‘દેશદ્રોહીઓ અને આતંકવાદીઓ’ તૈયાર કરવામાં આવે છે.
સિંહે કહ્યું હતું કે જો તેમને જીવનમાં ક્યારેય તક મળશે તો તેઓ સૌથી પહેલાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયાને બંધ કરાવશે. તેમણે બંને સંસ્થાઓની જગ્યાએ ‘હિન્દુસ્તાન યુનિવર્સિટી’ બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે યુનિવર્સિટીઓનાં નામમાંથી ‘મુસ્લિમ’ શબ્દ દૂર કરવાની માગ કરી હતી.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હિન્દુઓના કરવેરાના પૈસાથી ચાલતી આ સંસ્થાઓમાં દેશદ્રોહીઓ પેદા થાય છે. આ ટિપ્પણીઓ બાદ શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા, વિદ્યાર્થીઓની ઓળખ અને રાજકીય નેતાઓની જાહેર જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે.
Aligarh, Uttar Pradesh: Minister Thakur Raghuraj Singh says, “Look, these are nothing but hubs of terrorism. If I ever get an opportunity in my life, the first thing I will do is shut down Aligarh Muslim University and Jamia Millia Islamia in Delhi. They are funded by Hindu taxpayers, through our tax money, yet traitors are being nurtured here. Traitors and terrorists are being produced here. We will crush the menace of these terrorists. I pray to God to give me the strength and the power to put an end to both these universities, or to expand Indian universities so much that the very existence of these institutions becomes irrelevant.”
— IANS (@ians_india) November 10, 2026
હામિદ અંસારીને પણ નિશાન બનાવ્યા
રઘુરાજ સિંહે AMUના પૂર્વ કુલપતિ રહી ચૂકેલા અને ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે મુસ્લિમ ઓળખને દેશ પ્રત્યેની ગદ્દારી અને આતંકવાદ સાથે જોડતી વ્યાપક ટિપ્પણીઓ કરી હતી.
મંત્રીનાં નિવેદનો સામે JKSAએ વાંધો ઉઠાવતાં જણાવ્યું કે કોઈ પણ યુનિવર્સિટીને તેના નામ અથવા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ધાર્મિક ઓળખના આધારે દેશવિરોધી ગણાવવી યોગ્ય નથી. સંગઠનના મતે, આવી ટિપ્પણીઓથી વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અને શૈક્ષણિક વાતાવરણ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
JKSAએ BJP નેતૃત્વ અને CM યોગી પાસે માગી કાર્યવાહી
JKSAના રાષ્ટ્રીય સંયોજક નાસિર ખુહેમીએ કહ્યું કે ભારતના શિક્ષણ ક્ષેત્ર સામે અનેક ગંભીર પડકારો છે, પરંતુ તેમના ઉકેલ પર ધ્યાન આપવાને બદલે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ યુનિવર્સિટીઓને બદનામ કરવામાં વ્યસ્ત છે, તે ચિંતાજનક બાબત છે.
તેમણે BJPના નેતૃત્વ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રઘુરાજ સિંહનાં નિવેદનોની સ્પષ્ટ નિંદા કરવા અપીલ કરી હતી. સંગઠને મંત્રીને પદ પરથી હટાવવા ઉપરાંત તેમની વિરુદ્ધ FIR નોંધવાની માગ પણ કરી છે.
ખુહેમીએ કહ્યું કે જામિયા મિલિયા ઇસ્લામિયા અને AMU જેવી સંસ્થાઓ ભારતની છે અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશના ભવિષ્યનો અભિન્ન હિસ્સો છે. આ યુનિવર્સિટીઓએ દેશના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેથી તેમની સામે અપમાનજનક ટિપ્પણીઓ કરવાને બદલે તેમના શૈક્ષણિક યોગદાનને સમજવાની જરૂર છે.
યુનિવર્સિટીઓ શિક્ષણ અને સંશોધનનાં કેન્દ્રો છે: JKSA
JKSAએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બંધારણીય પદો પર બેઠેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતાના શબ્દો અને નિવેદનો માટે જવાબદાર રહેવું જોઈએ. ખાસ કરીને આવાં નિવેદનો, જે શૈક્ષણિક સંસ્થાઓ અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બદનામ કરી શકે છે, તેને ગંભીરતાથી લેવા જોઈએ.
સંગઠને વધુમાં કહ્યું કે યુનિવર્સિટીનાં પરિસરો શિક્ષણ, સંશોધન, ચર્ચા, વૈજ્ઞાનિક શોધ અને બૌદ્ધિક વિકાસનાં કેન્દ્રો હોય છે. તેમને રાજકીય બદલો લેવા અથવા સાંપ્રદાયિક પ્રચારનું નિશાન બનાવવું યોગ્ય નથી. વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળવી જોઈએ.
વિધાનસભા ચૂંટણી પહેલાં નિવેદનથી રાજકીય ચર્ચા
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં મંત્રી રઘુરાજ સિંહનાં આ નિવેદનો સામે આવ્યાં છે. રાજ્યમાં ફેબ્રુઆરી-માર્ચ 2027 દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં AMU અને જામિયા મિલિયા ઇસ્લામિયા અંગેની ટિપ્પણીઓએ રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
હાલ JKSAએ મંત્રીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને FIR નોંધવાની માગ કરી છે. હવે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને BJPનું નેતૃત્વ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.







